ટેકસ્ટાઇલ નિકાસ માટે વૈકલ્પિક પ્રોત્સાહન યોજના ઘડાશે

ટેકસ્ટાઇલ નિકાસ માટે વૈકલ્પિક પ્રોત્સાહન યોજના ઘડાશે
નિષ્ણાતોનું જૂથ ડબ્લ્યુટીઓને અનુકૂળ યોજના સંબંધી અહેવાલ આવતા સપ્તાહે આપશે
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 4 ડિસે.
ભારતની વર્તમાન નિકાસ પ્રોત્સાહન સ્કીમો સામે વિરોધ જાગતાં કેન્દ્ર સરકારે તેના વિકલ્પરૂપે નિકાસ પ્રોત્સાહન સ્કીમ લાવનાર છે જે વર્લ્ડ ટ્રેડ અૉર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ) માર્ગદર્શિકા પ્રમાણે હશે.
વૈકલ્પિક સ્કીમ જે આવશે તે એમઈઆઈએસ, એક્સપોર્ટ પ્રોમોશન કેપિટલ ગુડ્સ (ઇપીસીજી) 100 ટકા નિકાસલક્ષી એકમો (ઈઓયુ), સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એસઈઝેડ) વગેરે સ્કીમોને બદલી તેનું સ્થાન લેશે. આમાં ટેકાનો જે સ્તર હશે તે અત્યારના સ્તરથી નીચે નહીં હોય, એમ ધી કોટન ટેક્સ્ટાઇલ એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સીલ (ટેક્સપ્રોસીલ)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સિદ્ધાર્થ રાજગોપાલે જણાવ્યું હતું.
ડબ્લ્યુટીઓ- કોમ્પેટિબલ વૈકલ્પિક સ્કીમ અંગે સૂચનો આપવા કેન્દ્રના વાણિજ્ય મંત્રાલય હેઠળ ધી કોટન ટેક્સ્ટાઇલ એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સીલે કન્સલ્ટિંગ ફર્મ ઇકદ્વરાજ એડવાઇઝર્સ એલએલપીની સેવા મેળવી છે. આ કંપની `સ્ટડી ઓન અૉલ્ટરનેટ એક્સપોર્ટ પ્રોમોશન સ્કીમો' અંગેનો અહેવાલ સરકારને મોકલશે એમ લાહોટી ઓવરસીઝ લિ.ના ચેરમેન ઉજ્જવલ લાહોટીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત નિષ્ણાતોની એક સમિતિ નીમવામાં આવી છે. આ સમિતિમાં જાણીતા અર્થશાત્રી વીણા ઝા, ભૂતપૂર્વ ડબ્લ્યુટીઓ ડેપ્યુટી ડાયરેક્ટર-જનરલ હર્ષવર્ધન સિંઘ અને ડબ્લ્યુટીઓમાં ભૂતપૂર્વ એમ્બેસેડર જયંત દાસગુપ્તાનો સમાવેશ થાય છે. આ સમિતિ કોટન ટેક્સ્ટાઇલ્સની સમગ્ર વેલ્યુમેઇન યાર્ન, કાપડ, મેઇડઅપ્સ અને સ્વતંત્ર પ્રોસેસિંગ એકમો વગેરે અંગે અભ્યાસ કરી અહેવાલ આપશે.
વૈકલ્પિક સ્કીમનો અહેવાલ આ સમિતિ આવતા સપ્તાહે સુપરત કરી દેનાર છે. આમાં પ્રથમ વૈકલ્પિક સ્કીમને રોજગાર સર્જન જોડે અને બીજું અર્થતંત્રને ગતિશીલ બનાવવા સાથે સાંકળી લેવાશે. ત્રીજું નવી સ્કીમ ફ્રી-ઓન બોર્ડ (એફઓબી) વેલ્યુ કરતાં વધુ સ્વીકાર્ય અભિગમવાળી હશે.
ભારતની વર્તમાન નિકાસ પ્રોત્સાહન સ્કીમોને યુનાઇટેડ સ્ટેટ્સએ ડબ્લ્યુટીઓમાં પડકારી છે. યુએસની દલીલ છે કે ભારત હવે 3 ટ્રીલિયન ડોલરનું અર્થતંત્ર બની ચૂક્યું હોવાથી તેને નાનાં અર્થતંત્રો જેવાં કે બાંગ્લાદેશ, વિયેટનામ, પાકિસ્તાનને વૈશ્વિક બજારમાં હરીફાઈ આપવા બાહ્ય પ્રોત્સાહનોની જરૂર નથી. ડબ્લ્યુટીઓએ આ ઇસ્યૂ અંગે તપાસ કરવા એક કમિટી નીમી છે જે એકાદ બે મહિનામાં આખરી અહેવાલ આપી દેશે.
અત્યારે ભારત સરકાર મરચન્ડાઇઝ એક્સપોર્ટ ઇન્સેન્ટીવ સ્કીમ (એમઈઆઈએસ) હેઠળ 2-4 ટકા ઇન્સેન્ટિવ નિકાસકારોને આપે છે. આ ઉપરાંત ઉત્પાદન પ્રોત્સાહન જેવા કે ઇન્ટરસ્ટ સબવેન્શન અને ટેક્નૉલૉજી અપગ્રેડેશન ફંડ સ્કીમ (ટફ) વગેરે આપે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer