વિધાનસભાની ચૂંટણીઓના કારણે અટવાયેલો

સુરતના કાપડનો વેપાર સપ્તાહમાં ફરી ધમધમશે
 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 11 ડિસે.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામ આજે જાહેર થયા છે. દેશનાં અલગ-અલગ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ હોવાના કારણે સુરતનાં કાપડઉદ્યોગને તેની મોટી અસર પહોંચી છે. દિવાળી વૅકેશન બાદ જે પ્રકારે કારોબાર ધમધમતો થવો જોઈએ તે થયો નથી. આજે પરિણામ આવતાં સપ્તાહમાં ફરીથી કાપડનો વેપાર ધમધમતો થશે.
સુરતની સાડી અને ડ્રેસનો મોટો ખરીદદાર વર્ગ રાજસ્થાન, ઉત્તર ભારતનાં રાજ્યો અને મધ્યપ્રદેશમાં છે. સુરત શહેરમાં રોજ ઉત્તર ભારત, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં વેપારીઓ ખરીદી માટે આવે છે. પરંતુ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી વેપારીઓ ખરીદી માટે આવ્યા નથી. જેનાં કારણે 30 ટકા વેપારને અસર પહોંચી હોવાનું સ્થાનિક વેપારીઓનું માનવું છે. 
ફેડરેશન અૉફ સુરત ટેક્સ્ટાઈલ ટ્રેડર્સ ઍસોસિયેશનનાં ભૂતપૂર્વ પ્રમુખ દેવકિશન મંઘાણીનું કહેવું છે કે, આમ પણ સુરતનાં કાપડઉદ્યોગનો વેપાર જીએસટીની અસરનાં કારણે મુખ્યપ્રવાહમાં થવો જોઈએ તે પ્રમાણે થયો નથી. સુરતનો કાપડઉદ્યોગ સરકાર પાસે જીએસટીમાં સરળીકરણની માગ કરી રહ્યું છે. જે મામલે સરકાર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. તાજેતરની રાજસ્થાન મુલાકાત દરમિયાન ત્યાંનાં વેપારીઓ હજુ પણ જીએસટીનાં મામલે ફરિયાદ કરી રહ્યા છે. સરકારે અમને વેપારીઓને બદલે એકાઉન્ટન્ટ બનાવી દીધા છે. ચૂંટણીઓનાં કારણે તો વેપારને અસર પહોંચી જ છે. પરંતુ, જીએસટીની અસર હજુ પણ વેપારને અસર કરી રહી છે. સરકારે ચૂંટણીઓનાં પરિણામો જોઈ નાના વેપારીઓને મુશ્કેલીઓમાંથી બહાર લાવવા માટે પ્રોત્સાહક પગલાં ભરવાની જરૂર છે. 
બંકા એમ્પોરીયમનાં ક્રિષ્ના બંકા જણાવે છે કે, દિવાળી બાદ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી વેપારીઓ ખરીદી માટે આવ્યા નથી. સ્થાનિક વેપારીઓ વેપાર પૂર્વરત થાય તેની રાહમાં છે. માલનું ડિસ્પેચિંગનું કામ પણ ચૂંટણીઓનાં કારણે અટકી પડયું છે. આજે પરિણામ આવતાં હવે એકાદ સપ્તાહમાં ફરીથી વેપાર પૂર્વરત થાય તેમ છે. લગ્નસરાની મુખ્ય સિઝનની ઘરાકી હવે શરૂ થશે. વેપારીઓનાં ગોડાઉનમાં પડેલો સ્ટોક બજારમાં ફરતો થાય તો નવો માલ તૈયાર કરવા મિલમાં મોકલી શકાય તેમ છે.
શહેરમાં બહારગામનાં વેપારીઓએ ખરીદી માટે આવવાનું ટાળ્યું હોવાથી પેકજિંગનું કામ અટવાયું છે. બજારનાં સૂત્રો જણાવે છે કે 40 ટકા જેટલો તૈયાર માલ વેપારીઓનો ગોડાઉનમાં પડયો છે. જેનો નિકાલ આગામી સપ્તાહમાં થશે તો ફરી નવા કામને વેગ મળશે. સામાન્યત: સંજોગોમાં શહેરમાંથી રોજની 500 ટકા માલ બીજા રાજ્યોમાં જાય છે જે હાલમાં સો ટ્રક પર પહોંચ્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer