લોખંડ બજારમાં સખત નાણાભીડથી ગ્રાહકો અને સ્ટોકિસ્ટો ભીંસમાં

સૈફી રંગવાલા
મુંબઈ, તા. 11 ડિસે.
લોખંડના ભાવમાં મુખ્ય ઉત્પાદકોએ ટનદીઠ રૂા. 1000થી 1750 સુધીનો ઘટાડો કર્યો છે. સ્ટીલની માગ ઘટી છે. દિવાળી પછી નવી માગ નીકળવા બાબતની અગાઉની અપેક્ષા પૂરી થઈ નથી. રિયલ એસ્ટેટ, મન્યુફેકચરિંગ અને રિટેલ ત્રણેય વિભાગમાં છેલ્લા દોઢ વર્ષથી રોકડ નાણાંની સખત તંગી સતત રહેતી હોવાથી હવે બજારમાં સ્ટોકિસ્ટો અને સપ્લાયરો ઉધારી વધારવા તૈયાર નથી. સામે પક્ષે વપરાશકારને પણ નવું વેચાણ ઘણું હોવાથી રોકડની સખત અછત વર્તાતી હોવાથી લોખંડ બજારની સ્થિતિ ઉત્તરોત્તર કઠિન બનતી ગઈ છે. અગાઉ રોલિંગ મિલોએ ભાવ 50 ટકા ઘટાડયા પછી હવે નાછૂટકે મુખ્ય લોખંડ ઉત્પાદકોને પણ ભાવ ઘટાડવાની ફરજ પડી છે. આરઆઈએનએસ, જેએસડબ્લ્યુ અને તાતા સ્ટીલે મહદ્ અંશે તમામ રનિંગ લોખંડ પ્રોડકટના સરેરાશ ભાવમાં રૂા. 1000થી રૂા. 1750 સુધીનો ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે `આયાત પર સખત નિયંત્રણ છતાં ભાવ ઘટયા છે.' બજારમાં હાજરમાં ટીએમટી બારના ભાવ ટનદીઠ રૂા. 42,000થી રૂા. 43,500 વચ્ચે ક્વોટ થાય છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારી ખાનગી પ્રોજેક્ટોના મોટા બાકી પેમેન્ટ સમયસર નહીં આવવાથી બજારના મોટા સ્ટોકિસ્ટોને પણ હવે નાણાં પ્રવાહિતાની તંગી નડી રહી છે. બૅન્કો નવું ધિરાણ આપવાનો ચોખ્ખો ઇનકાર કરતી હોવાથી હાલની પરિસ્થિતિ લંબાય તો લોખંડ બજારનો સમગ્ર માહોલ વધુ બગડે તેવી ભીતિ પીઢ જાણકારોને સતાવી રહી છે. આમેય છેલ્લાં ત્રણ વર્ષથી સ્ટીલ ઉદ્યોગની સ્થિતિ તમામ રીતે બગડી રહી છે. જેમાં અગાઉ અનેક નાની રોલિંગ મિલો બંધ પણ પડી ચૂકી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer