આરબીઆઇની સંસ્થા તરીકેની ક્ષમતા મજબૂત

એ કોઈ એક વ્યક્તિ પર નિર્ભર નથી : નીતિ આયોગ 

મુંબઈ, તા. 11 ડિસે.
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ગવર્નરપદેથી ઊર્જિત પટેલે રાજીનામું આપ્યું એના બીજા દિવસે નીતિ આયોગના વાઇસ ચૅરમૅન રાજીવ કુમારે કહ્યું હતું કે મધ્યસ્થ બૅન્કની સંસ્થાકીય ક્ષમતા `ઘણી મજબૂત' છે અને એ બજારો તથા અર્થતંત્ર માટે આવશ્યક પગલાં લેશે.
કુમારે એવું પણ કહ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં આરબીઆઇના ગવર્નર તરીકે તેમણે સારી કામગીરી કરી છે. જોકે મધ્યસ્થ બૅન્કની કામગીરી કોઈ એક વ્યક્તિ પર નિર્ભર હોતી નથી.
`હકીકત એ છે કે આરબીઆઇ પોતે એક પ્રોફેશનલ સંસ્થા છે અને તમે જાણો છો કે આવી શાશ્વત સંસ્થાનું કામકાજ ચાલતું રહેશે' એમ કુમારે અહીં યોજાયેલા `ઇન્ક્લુઝિવ ફાઇનૅન્સ ઇન્ડિયા સમિટ'માં કહ્યું હતું.
ઊર્જિત પટેલને મધ્યસ્થ બૅન્કની સ્વાયત્તતા અંગે સરકાર સાથે સંઘર્ષ થયો હતો. તેમણે સોમવારે અંગત કારણસર રાજીનામું આપ્યું હતું. 
નીતિ આયોગના વાઇસ ચૅરમૅને ખાતરી આપી હતી કે સરકાર કામકાજ સામાન્યવત્ ચાલુ રહે એ માટે આવશ્યક પગલાં લેશે. 
પટેલના રાજીનામા બાદ રૂપિયો નબળો પડ્યો એ વિશે તેમણે જણાવ્યું હતું કે આ બાબત સરકારના ધ્યાનમાં છે અને મને ખાતરી છે કે એ શક્ય પગલાં લેશે.
ઊર્જિત પટેલનું અનપેક્ષિત રાજીનામું અને મહત્ત્વનાં રાજ્યોનાં ચૂંટણીપરિણામોની જાહેરાત વચ્ચે મંગળવારે રૂપિયો પ્રારંભમાં 110 પૈસા ઘટી ગયો હતો અને સ્થાનિક શૅરબજારમાં વેચવાલી ફરી વળી હતી. સમિટમાં ઉપસ્થિત પ્રતિનિધિઓને સંબોધતાં કુમારે કહ્યું હતું કે ફાઇનૅન્શિયલ ઇન્ક્લુઝનમાં રોજગારી, રોજગારી સર્જન અને વિકાસનો સમાવેશ થવો જ જોઈએ. તેમણે ઈશાનના પ્રદેશોને વધુ ધિરાણ ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂક્યો હતો. દેશમાં ફાઇનૅન્શિયલ ઇન્ક્લુઝન માટે સૌથી મજબૂત પદ્ધતિ મોબાઇલ બૅન્કિંગની છે. મારા મત પ્રમાણે ભાવિ ડિજિટલ ફાઇનૅન્સનો છે અને બૅન્કિંગના પરંપરાગત સ્વરૂપનો યુગ ખતમ થયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer