રાહુલ ગાંધી માટે આશાસ્પદ, ભાજપ માટે સાંત્વના સાથે તાકીદ

લોકસભાની ચૂંટણી પહેલાં સેમિફાઈનલ ગણાતી પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામ કૉંગ્રેસ પક્ષ અને પક્ષપ્રમુખ રાહુલ ગાંધી માટે આશાસ્પદ છે, જ્યારે ભાજપ માટે સાંત્વન છતાં ચેતવણી સમાન છે. કૉંગ્રેસ પ્રમુખની સત્તા-જવાબદારી વિધિસર લીધા પછી એક વર્ષે એમણે વિજયની સિદ્ધિ મેળવી છે. પાંચ રાજ્યોમાંથી તેલંગણ અને મિઝોરમમાં સ્થાનિક પક્ષોએ સત્તા મેળવી છે - મિઝોરમમાં કૉંગ્રેસે સત્તા ગુમાવી છે અને તેલંગણમાં - પાડોશી રાજ્ય આંધ્ર પ્રદેશના તેલુગુ દેસમના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુનો સાથ મળવા છતાં કૉંગ્રેસને સત્તા મળી નથી. ટીઆરએસને ભારે બહુમતી મળી છે. પરિણામનો બોધપાઠ સ્પષ્ટ છે : પ્રાદેશિક પક્ષો સાથે એલાયન્સ - સંગઠન અનિવાર્ય છે. છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ સામે કૉંગ્રેસનો સીધો મુકાબલો હતો.
નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય તખતા ઉપર આવ્યા ત્યાર પછી કૉંગ્રેસ-અર્થાત રાહુલ ગાંધી એક પછી એક રાજ્યમાં ચૂંટણી હારતા રહ્યા છે. ગુજરાતમાં હળવા હિન્દુત્વ અને અનામતના મુદ્દા હાથવગા મળ્યા પછી એમની હિંમત વધી અને કર્ણાટકમાં-વ્યૂહાત્મક રીતે-સત્તા મેળવી. આ પછી આ ત્રણ રાજ્યોમાં `પ્રભાવ' બતાવીને સત્તા મેળવી રહ્યા છે. હવે રાહુલ ગાંધીની ``વાપસી'ની શરૂઆત થઈ રહી છે. નરેન્દ્ર મોદીને તેઓ પડકારી રહ્યા છે અને અન્ય વિપક્ષોને વિશ્વાસ આપી રહ્યા છે કે, `વિકલ્પ' તૈયાર છે! એમનો `આત્મવિશ્વાસ' વધ્યો છે તે હકીકત છે.
ત્રણે રાજ્યોમાં `પ્રભાવ' બતાવ્યા પછી વિપક્ષોના `મહાગંઠબંધન'ના નેતાપદનો દાવો સબળ બન્યો છે - છતાં અન્ય પ્રાદેશિક પક્ષો એમને સ્વીકારશે? આ બાબતની શંકા ઉત્તર પ્રદેશનાં માયાવતી અને અખિલેશ યાદવે દૃઢ બનાવી છે. વિધાનસભા અને લોકસભા વચ્ચે હજુ અંતર છે. પ્રાદેશિક પક્ષોના નેતાઓને ભાજપ અને કૉંગ્રેસ બન્નેનો ભય છે તેથી જ ત્રીજા વિકલ્પનો વિચાર શરૂ થયો હતો. ચંદ્રાબાબુ નાયડુ કૉંગ્રેસ સાથે છે કારણકે એમને હરીફ સ્થાનિક પક્ષનો પડકાર છે! મહાગઠબંધન થાય તો તેમાં કેટલા અને કયા પ્રાદેશિક પક્ષો જોડાય છે તે જોવાનું છે.
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં છેલ્લાં પંદર વર્ષથી ભાજપની સરકાર અને નેતા સ્થિરતા સાથે રહ્યા છે તેથી પરિવર્તન થવાની ધારણા હતી. રાજસ્થાનમાં તો પાંચ વર્ષ સરકાર બદલાય તેવો શિરસ્તો જ છે. ઉપરાંત આ ત્રણે રાજ્યોમાંથી રાજસ્થાનમાં ભાજપની સ્થિતિ વધુ નબળી હોવાનો સર્વ સામાન્ય અભિપ્રાય હતો. મુખ્ય પ્રધાન સુશ્રી વસુંધરા રાજેની કામગીરી અને સ્વભાવ સામે ફરિયાદો હતી. 2014 પછી રાજ્યમાં નાની-મોટી દરેક ચૂંટણી તેઓ હાર્યાં હતાં છતાં એમની સામે `હાઈ કમાંડ' દ્વારા પગલાં લેવાયાં નહીં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા તબક્કામાં પ્રચારસભાઓ સંબોધી પણ મુખ્ય પ્રધાનના નામનો ઉલ્લેખ ટાળતા હતા. બહુમતી મળી હોત તોપણ લોકસભાની ચૂંટણી પહેલાં મુખ્ય પ્રધાન બદલાય તેવી પાકી શક્યતા હતી. વિપરીત સંજોગો છતાં કૉંગ્રેસને ``ક્લીન સ્વીપ''નો લાભ મળ્યો નથી. 2013માં અને 2014માં ભાજપે કૉંગ્રેસને જે ધોબીપછાડ આપી હતી તેવું થયું નથી. પરિવર્તનના પવનને રોકીને ભાજપને અંદાજે 110 બેઠકો મળી તે નોંધપાત્ર છે - સાંત્વના છે અને હવે કમર કસવાની તાકીદ પણ છે.
મધ્યપ્રદેશ ઉપર કૉંગ્રેસની `નજર' હતી જ. આ રાજ્યની જીતથી રાહુલ ગાંધી મોદી સામે મસ્તક ઊંચું રાખી શકે એવી ધારણા હતી જ, અહીં મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણ સામે કામગીરી અથવા સ્વભાવની ફરિયાદો ન હતી. પક્ષમાં આંતરિક નારાજી - વિખવાદ પણ નથી. તેથી કૉંગ્રેસ માટે આ `ગઢ' અને `િસંહ' બન્ને મુશ્કેલ હતા તેથી હળવા હિન્દુત્વનો ભારે પ્રયોગ અજમાવાયો. ગૌરક્ષા અને રામ વનગમન પથનો માર્ગ લેવામાં આવ્યો. જો માત્ર પરિવર્તનનો પ્રશ્ન હોય તો `રસા-કસી' જામે નહીં. છેલ્લી ઘડી સુધી જે હાલક-ડોલક થઈ તેના ઉપરથી ભાજપે કેવી રીતે ટક્કર ઝીલી તેનો ખ્યાલ આવી શકે છે.
છત્તીસગઢમાં પણ પંદર વર્ષમાં લોકોએ કોઈ બીજા પક્ષ અથવા નેતાનાં દર્શન કર્યાં નથી! નક્સલવાદીઓ સામે લેવાયેલાં પગલાંનું ફળ મળ્યું નથી. સ્થાનિક નેતા અજિત જોગી સાથે માયાવતીએ હાથ મિલાવ્યા અને અજિત જોગીને મુખ્ય પ્રધાન બનાવવાની જાહેરાત કરી દીધી પણ કૉંગ્રેસના મત તોડવાને બદલે એમણે ભાજપના મત તોડયા અને કૉંગ્રેસને સૌથી વધુ મોટી બહુમતી આપી છે.
તેલંગણમાં કૉંગ્રેસના પ્રચારમાં સોનિયાજી આવ્યાં અને અલગ રાજ્યનો દરજ્જો કૉંગ્રેસે આપ્યો હોવાની યાદ અપાવી. ભૂતકાળમાં ઇન્દિરાજીએ `ગુજરાતનાં પુત્રવધૂ' તરીકે ચૂંટણીપ્રચાર કર્યો હતો. તેલંગણમાં કૉંગ્રેસની મદદ કરવા ચંદ્રાબાબુ નાયડુ આવ્યા તેથી કૉંગ્રેસને નુકસાન થયું છે. નાયડુએ તો તેલંગણના જળપ્રવાહ-પુરવઠો પણ રોક્યો હતો તો એમના નામે વોટ ક્યાંથી મળે?
મિઝોરમમાં પ્રાદેશિક પક્ષ-મિઝો નેશનલ ફ્રન્ટે સ્પષ્ટ બહુમતી મેળવી છે અને કૉંગ્રેસે સત્તા ગુમાવી છે.
ભાજપના નેતાઓએ હવે આત્મપરીક્ષણ અને વિશ્લેષણ કરવાની જરૂર છે. એકવીસ રાજ્યોમાં સત્તા મેળવ્યા પછી કૉંગ્રેસના `હાથ'માં માત્ર દોઢ રાજ્યો પંજાબ-કર્ણાટક છે - એવો પ્રચાર કરવાની જરૂર ન હતી અને નથી. ભારતને ``કૉંગ્રેસ-મુક્ત'' કરવાનું આસાન નથી. નરેન્દ્રભાઈએ કૉંગ્રેસ-મુક્ત અર્થાત્ નહેરુ-ગાંધી વંશ-વારસાની રાજનીતિથી મુક્ત-એમ કહ્યું છે, પણ કૉંગ્રેસીઓ આવી `મુક્તિ' ઇચ્છતા નથી. આવી જ રીતે ભાજપની પોતીકી બહુમતી હોવા છતાં - મળે તોપણ પ્રાદેશિક પક્ષોની ભાગીદારી યથાવત્ રહેશે એવી ખાતરી આપવી જરૂરી છે. તમામ ઘટક પક્ષો ઉપરાંત શિવસેના વારંવાર `ત્રીજું નેત્ર' ખોલવાની અને `રામબાણ' અજમાવવાની ધમકી આપે છે તેનું નિરાકરણ કરવું પડશે.
 કૉંગ્રેસના મહાગઠબંધનમાં એકવીસ નાના-મોટા પક્ષો જોડાય તેની સામે ભાજપે પણ પોતાની સેના સજ્જ કરવી પડશે. એક પક્ષની બહુમતી હોય તો પણ `સહમતી' ભારતના રાજકારણમાં અનિવાર્ય છે.
હિન્દીભાષી ત્રણે રાજ્યોએ લોકસભામાં 65માંથી 62 બેઠકો ભાજપને આપી હતી. હવે 2019માં મતદારો રાજ્ય અને કેન્દ્રની સત્તા અને જવાબદારી સમજીને મત આપશે એવી આશા રખાય છે, પણ આગામી ત્રણ મહિના ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષો માટે કસોટીના હશે. સંયમ અને જવાબદારીપૂર્વક વચનપાલન થાય તે જોવાનું છે. કૉંગ્રેસે કિસાનોને લોનમાફી અને ગૌશાળાનાં આપેલાં વચનોનો અમલ આસાન નથી. ભાજપે આર્થિક સુધારાનાં મહત્ત્વનાં પગલાં ભર્યાં છે. નોટબંધી - જીએસટી જેવા સુધારા જનહિતના છે. સ્વચ્છ ભારત અભિયાન - ટૉઈલેટ - જનધન - આયુષ્માન ભારત જેવી યોજનાઓ જનકલ્યાણ માટે છે. તેના લાભ સૌને મળે તેની તકેદારી રાખવી જરૂરી છે. સાથે જ વ્યાપાર - ઉદ્યોગનો વિકાસ રુંધાય નહીં તે જરૂરી છે. નોટબંધીથી પ્લાસ્ટિકબંધી સુધીનાં પગલાં જરૂરી હોવા છતાં જનતાની પરેશાનીનો વિચાર કરવો જોઈએ. વિપક્ષ તો કુપ્રચાર અને આક્ષેપબાજી કરે - પણ તેનો પ્રતિકાર અસરકારક હોવો જોઈએ.
હજી સમય છે. લોકોને નરેન્દ્ર મોદીની નિષ્ઠામાં અતૂટ શ્રદ્ધા છે અને એમના માર્ગમાં ઊભા કરાતા અવરોધોનો અહેસાસ છે તેથી વિશ્વાસ પણ છે.
આ પરિણામો એક બાબત નિશ્ચિત કરે છે કે ભાજપની હાર હોવા છતાં આ ખુમારીભરી હાર છે, શરણાગતિ નથી, સૂપડાં સાફ થયાં નથી. ખાસ કરીને મધ્યપ્રદેશમાં તો ખરી લડત અપાઈ છે.
પરિણામો પછી કૉંગ્રેસ માટે નવા મુખ્ય પ્રધાનની પસંદગીનો નિર્ણય પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ લેવો રહેશે. મધ્યપ્રદેશમાં કમલનાથ મુખ્ય દાવેદાર છે અને રાહુલની મંજૂરી વિના જ એમના મુખ્ય પ્રધાન તરીકે વધામણાં આપતાં પોસ્ટરો ભોપાલમાં ચોમેર લાગી ગયાં હતાં. રાહુલ ગાંધી શું આવું ચલાવી લેશે ખરા? અનિવાર્ય હશે તો પક્ષની એકતા માટે કમલનાથને મુખ્ય પ્રધાન અને જ્યોતિરાદિત્ય સિંધિયાને નાયબ મુખ્ય પ્રધાન બનાવાય એવી સંભાવના છે.
એ જ પ્રમાણે રાજસ્થાનમાં પણ અશોક ગેહલોતની સાથે સચીન પાઈલટને ગોઠવવામાં આવે એવી શક્યતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer