અમરેલીનો કૉમ્પ્યુટર એન્જિનિયર કરે છે મધમાખીનો ઉછેર!

અમરેલીનો કૉમ્પ્યુટર એન્જિનિયર કરે છે મધમાખીનો ઉછેર!
ઘરમાં રોજ આવતી મધમાખીનો ઉછેર કરવાની પ્રેરણા આપી અમરેલીના મનીષ વઘાસિયાએ
 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 11 ડિસે.
કૉમ્પ્યુટર ઍન્જિનિયર થયેલો યુવાન મધમાખીનો ઉછેર કરે? એ વાત પ્રથમ દૃષ્ટિએ માનવામાં ન આવે, પણ આ વાત સાચી છે. અમરેલી જિલ્લાના લાઠી પંથકના પીપળવા ગામના મનીષ વઘાસિયા મધમાખીના ઉછેર થકી એક નવો રાહ ચીંધે છે. 
મનીષ વઘાસિયા કહે છે, છેલ્લાં ત્રણ વર્ષથી મધમાખીના ઉછેર સાથે જોડાયેલો છું. મધમાખીના ઉછેરનું અનોખું મોડેલ છે અને  ખેતી કોન્ટ્રાકટ ફાર્મિંગ દ્વારા થાય છે. જે ખેડૂત તેનો પાક સારો લેવા માગતા હોઈ તેવા ખેડૂતોની વાવણીની જમીન ખેતી માટે ઉપયોગમાં લેવાય છે. કમ સે કમ 300 વીઘા જમીનમાં રાઇ,  તલ, બાજરો, ધાણા, વરિયાળી સમેત જુદા જુદા પાકની ખેતી હોય ત્યાં લાકડાના બનેલા વિશેષ બોક્સ મૂકવામાં આવે છે અને તેની અંદર ઉચ્ચ ગુણવત્તાવાળી મધમાખી મૂકવામાં આવે છે અને બાદમાં તેની અંદરથી મધ તૈયાર કરીને વેચવામાં આવે છે.
મધમાખીના ઉછેરના વિચાર અંગે કહે છેકે, `હું નવી મુંબઈમાં 14મા માળે રહેતો હતો અને સામેના બિલ્ડિંગમાંથી રોજ એક મધમાખી મારા રૂમમાં આવે અને હું તેને રૂમની બહાર મોકલી દઉં. આ પછી તો માખી દરરોજ આવવા લાગી અને પછી મને રસ પડ્યો કે મધમાખી હોય શું? તેના વીડિયો જોયા અને ઓસ્ટ્રેલિયાના વીડિયોમાં મધમાખીની ખેતી પણ જોવા મળી. તેને વિસ્તારથી સમજ્યો અને ભારતમાં પણ આની ખેતી થતી હશે? તેવા સવાલ સાથે મધ્યપ્રદેશના એનજીઓનું ઓનલાઇન સરનામું મળ્યું, તેઓ મધમાખીની ખેતી કરતા  હતા. હું ત્યાં ગયો તો તેની પદ્ધતિ કરતાં મેં યુટ્યુબમાં જોયેલી પદ્ધતિ સારી હતી અને મને પગાર સાથે રાખી લીધો. બસ પછી તો મેં આને વ્યવસાય તરીકે જ પસંદ કરી લીધો.'
છેલ્લા વર્ષમાં મનીષ વઘાસિયાએ કુલ 4500 કિલો મધનું વેચાણ કર્યું છે. ઉચ્ચ ગુણવત્તાવાળું મધ તેઓ `હાય હની' બ્રાન્ડથી બજારમાં વેચે છે.  મધનો એક કિલોનો ભાવ એક હજાર રૂપિયાથી લઈને અઢારસો રૂપિયા સુધી મળે છે.
મધની ખેતી અંગે તેઓ કહે છે કે હવે તો ખેડૂતો મધમાખીના બોક્સ પોતાના ખેતરમાં મૂકવા માટે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરનાર લોકોને પૈસા આપે છે'  
બજારમાં અસલી મધના નામે છેતરાપિંડી પણ થાય છે. જોકે, તેમના કહેવા પ્રમાણે જો પદ્ધતિસર મધની ખેતી કરવામાં આવે તો વાંધો નથી આવતો. કોઈ ખેડૂત પણ 50 બોક્સ સાથે મધની ખેતી  શરૂ કરી શકે. એક લાકડાના બોક્સની કિંમત રૂા. 3000 થી 5000 સુધી હોય છે અને મજૂરી ઉમેરી દો તો પણ નફાનું પ્રમાણ સારું હોવાનું મનીષ જણાવે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer