નિકાસ ઘટતાં લસણના ભાવ છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી ઓછા

નિકાસ ઘટતાં લસણના ભાવ છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી ઓછા
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 11 ડિસે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની નિકાસ ઘટતાં તે જથ્થો ભારતના બજારમાં જ રહેતા છેલ્લાં પાંચ વર્ષના લેખા-જોખામાં લસણના ભાવ સૌથી ઓછા છે. ચીનનું લસણ ગુણવત્તામાં સારું અને સસ્તું હોવાના કારણે ભારતને મોટો ફટકો પડયો છે.
અમદાવાદના લસણના હોલસેલના વેપારી મનીષ શાહ જણાવે છે કે વર્ષ 2017 -18માં ભારતમાંથી 31811 ટન લસણ વિદેશમાં નિકાસ થયું હતું જે વર્ષ 18 19 માં ઘટીને માત્ર 6317 ટન જ રહ્યું. મતલબ કે બાકીનો જથ્થો ભારતમાં જ રહ્યો અને તેના કારણે લસણના ભાવ ગગડી ગયા.
રાજસ્થાન અને ગુજરાત પછી મધ્યપ્રદેશમાં પણ લસણની ખૂબ જ આવક થાય છે. નીમચ માર્કાટિંગ યાર્ડમાં પાંચ દિવસ પહેલા જ્યાં એક ક્વિન્ટલ લસણના ભાવ 1000 રૂપિયા હતા તે ઘટીને માત્ર 250 રૂપિયા બોલાઈ ગયા છે કારણ કે મધ્યપ્રદેશમાં 15800 ક્વિન્ટલ લસણની આવક થઇ છે.
ચીન દ્વારા જે ભારત અગાઉ લસણ નિકાસ કરતો હતો તે યુરોપ, ખાડીના દેશો દક્ષિણ એશિયા અને અમેરિકામાં ઓછા ભાવે સારું લસણ આપ્યું જેથી ભારતનું માર્કેટ તૂટી ગયું.
ગુજરાતમાં હજુ જૂનો સ્ટોક પડયો છે ત્યાં નવાની આવક થઈ ગઈ. વર્ષ 2016 17માં 3.20 લાખ હેકટરમાં વાવેતર થયું અને 16.93 લાખ ટન આવક થઈ આના કારણે હજુ જૂનું લસણ વેચાઈ રહ્યું છે ત્યાં નવું લસણ આવી ગયું.
બે વર્ષ અગાઉ લસણના ભાવ ખૂબ સારા હતા. 2016માં પ્રતિ ક્વિન્ટલ 7,500 રૂપિયા 2017માં 2100 ભાવ હતા જેથી ખેડૂતોએ વધારે વાવેતર કર્યું અને રાજસ્થાનમાં તો 50 હજાર હેક્ટરથી વધુ એક લાખ હેક્ટરમાં વાવેતર થઇ ગયું પરંતુ આ વખતે આવક વધતા અને નિકાસ ઘટતાં આ વર્ષે લસણના ભાવ ઘટીને 1344 રૂપિયા રહ્યા અને અત્યારે તો સાવ તળિયે પહોંચી ગયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer