દુબઈ જેવો મેગા શૉપિંગ ફેસ્ટિવલ અમદાવાદમાં

દુબઈ જેવો મેગા શૉપિંગ ફેસ્ટિવલ અમદાવાદમાં
મળશે એક કરોડ સુધીનાં ઇનામ!
 
વાઈબ્રન્ટ સમિટમાં આવનારા દેશ-વિદેશના પ્રતિનિધિમંડળોને શૉપિંગ માટે આકર્ષવાનો પ્રયાસ
 
હૃષિકેશ વ્યાસ તરફથી
અમદાવાદ, તા. 11 ડિસે.
શેપિંગ અ ન્યૂ ઇન્ડિયાની થીમ  સાથે આગામી 18થી 20 જાન્યુઆરી,2019માં યોજાનારી નવમી વાઈબ્રન્ટ સમિટમાં 130થી વધારે દેશોના પ્રતિનિધિઓ,  દેશના 28 રાજ્યોના ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ  સંજોગોમાં ગુજરાત સરકારે અમદાવાદમાં દુબઇ જેવો  મેગા શોપીંગ ફેસ્ટિવલ યોજવાનું આયોજન કર્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી તા.16 થી 27 જાન્યુઆરી, 2019 દરમિયાન યોજાનારા આ ફેસ્ટિવલમાં વાઈબ્રન્ટ સમિટમાં આવનારા દેશ-વિદેશના પ્રતિનિધિ મંડળોને શોપિંગ માટે આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ ફેસ્ટિવલમાં ગ્રાહકોને આકર્ષક ડિસ્કાઉન્ટ, સેલ, અૉફર્સ અને લકી ડ્રો દ્વારા એક કરોડ સુધીના ઇનામ પણ રાખવામાં આવશે. 
આ ફેસ્ટિવલના આયોજન માટે વાઇબ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝેશન ફેડરેશન નામના ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. અૉટોમોબાઇલ, હાર્ડવેર, પેપર, ઓઇલ, ગારમેન્ટસ, ફુટવેર જેવા 80 પ્રકારના ઍસોસિયેશન આ ફેડરેશન સાથે જોડાયેલા છે.  ફેસ્ટિવલમાં સામેલ થવા માંગતા વેપારીઓએ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ માટે એક એપ પણ તૈયાર કરવામાં આવી છે. ગ્રાહકને જે કોઇ વસ્તુની જરૂર હશે તે સર્ચ કરશે. ફેસ્ટિવલમાં સામેલ દુકાનોમાંથી મનપસંદ દુકાનમાંથી ખરીદી કરી શકશે. મહિલાઓને પ્રોત્સાહન આપવા રિવરફ્રન્ટ ખાતે ખાસ બજારનું આયોજન કરવામાં આવશે.  શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન અમદાવાદ શહેરના જાણીતા માર્કેટ્સ જેવા કે મ્યુનિસિપલ માર્કેટ, ઢાલગરવાડ, રતનપોળ, માણેકચોક વગેરેને સજાવવામાં આવશે. 
અમદાવાદમાં પ્રથમ વાર મોડી રાતે 1 વાગ્યા સુધી આ ફેસ્ટિવલના સ્ટોલ ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
સામાન્યત : ડિસેમ્બરમાં ક્રિસમસના વેકેશનની સાથે જાન્યુઆરીના સમયમાં વિશ્વના ઘણા દેશોમાં ઠંડીનું પ્રમાણ વધતા  એનઆરઆઇ  પરિવારો ગુજરાત આવતા હોય છે, એમાંય આ વખતે જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટ હોવાથી અલગ જ માહોલ સર્જાશે.
આ પરિસ્થિતિમાં એનઆરઆઇને એક જ જગ્યાએ બધી વસ્તુઓ મળે તે માટે દુબઇ જેવો જ શોપિંગ ફેસ્ટિવલ યોજવામાં આવી રહ્યો છે. દર વર્ષે દુબઇમાં જે શોપિંગ ફેસ્ટિવલ યોજાય છે તેવો આ ફેસ્ટિવલ છે. દુબઇની તર્જ પ્રમાણે આ ફેસ્ટિવલ યોજાશે. 
આ શોપિંગ ફેસ્ટિવલના બીજા આકર્ષણમાં હેરીટેજ વોક, ફુડ કોર્ટ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, શેરી નાટકો, લાઇવ મ્યુઝિક, ફિલ્મો અને કલાકારોનું લાઇવ પરફોર્મન્સ પણ હશે ત્યારે દુબઇની જેમ યોજાવામાં આવનાર આ ફેસ્ટિવલ લોકોને કેટલો આકર્ષી શકે છે તે જોવાનું મહત્ત્વનું બની રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer