3બી રિટર્ન ફાઈલ નહીં કરનારા સુરતના1500 વેપારીઓના જીએસટી નંબર રદ

3બી રિટર્ન ફાઈલ નહીં કરનારા સુરતના1500 વેપારીઓના જીએસટી નંબર રદ
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 11 ડિસે.
રાજ્ય સરકારનાં જીએસટી વિભાગે છ હજાર વેપારીઓને નોટિસ આપ્યા બાદ પણ કેટલાંક વેપારીઓએ રિટર્ન નહિ ફાઈલ કરતાં દંડો ઉગામ્યો છે. જીએસટી વિભાગે શહેરનાં 1500 જેટલાં વેપારીઓનાં જીએસટી નંબર રદ કર્યાનું પ્રકાશમાં આવતાં વેપારી આલમમાં હડકંપ મચી ગયો છે. 
સ્ટેટ જીએસટી વિભાગે શહેરનાં છ હજાર વેપારીઓને 15 દિવસમાં 3બી જીએસટી રિટર્ન ફાઈલ કરવાની નોટિસ ફટકારી હતી. નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું હતું કે રિટર્ન સમય અવધિમાં ફાઈલ કરવામાં નહિ આવે તો જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે 4500 વેપારીઓએ નોટિસ મળતાં નિયત અવધિમાં રિટર્ન ફાઈલ કરી દીધા છે. જોકે, 1500 જેટલાં વેપારીઓએ રિટર્ન ફાઈલ નહિ કરતાં તેઓનાં જીએસટી નંબર રદ કરી દેવાયા છે. 
શહેરનાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રૂપીન પચ્ચીગરે કહ્યું કે, જે વેપારીઓનાં નંબર રદ થયા છે તેઓની સાથે વેપાર કરનારાઓને તકલીફ પડી શકે છે. આથી આપોઆપ બીજા વેપારીઓ તેઓની સાથે વેપાર કરી શકશે નહિ. તેઓને ખરીદી પેટે જે ક્રેડિટ મળવી જોઈએ તે મળી શકે નહિ. 
ધ કોન્ફડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ ઍસોસિયેશનનાં ગુજરાત ચેપ્ટરનાં પ્રમુખ પ્રમોદ ભગત જણાવે છે કે નંબર રદ થવા પાછળ એકથી વધુ કારણો હોઈ શકે છે. ઘણાં વેપારીઓ 20 લાખની અંદર ટર્નઓવર ધરાવતાં હોય તો રિટર્ન ફાઈલ ન કર્યું હોય. તેમ જ ઘણાં એવાં વેપારીઓ પણ છે જેઓ પાસે બે નંબર લીધા હોય તો આપોઆપ રિટર્ન ફાઈલ ન કરવાથી એક નંબર રદ થાય છે. કયા કારણોસર 1500 વેપારીઓનાં જીએસટી નંબર રદ થયા છે તે પાછળ અભ્યાસ કરીને કારણ શોધવું પડશે. હાલમાં ઍસોસિયેશન પાસે આ મામલે કોઈ ફરિયાદ વેપારીઓ તરફથી આવી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer