સોનામાં મંદીના દિવસો પૂરા, સારા દિવસોની શરૂઆત

સોનામાં મંદીના દિવસો પૂરા, સારા દિવસોની શરૂઆત
ફેડ રિઝર્વની નાણાનીતિ, બ્રિટનનો બ્રેક્ઝિટ વિશેનો નિર્ણય તેજીને બળ આપશે?
 
ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 11 ડિસે.
અર્થતંત્ર ધીમું પડતું હોવાના સંકેત આવવા લાગ્યા છે. અનિશ્ચિતતાના જોખમ સામે રક્ષણ મેળવવા માટે સોનામાં રોકાણ વધી રહ્યું છે. સોનાના અત્યારે સારા દિવસો ચાલી રહ્યા છે. સોમવારે ઈન્ટ્રા-ડેમાં ભાવ 17 જુલાઈ પછી પહેલી જ વાર પ્રતિ ઔંસ 1256.30 ડૉલર બોલાયો હતો. મધ્યમ ગાળાની તેજીની પ્રક્રિયા શરૂ થયાનું આ સિગ્નલ મનાય છે. અત્યારની પરિસ્થિતિ લાંબા ગાળાની પ્રક્રિયાનું ફળ છે. આખરે સોનાના સારા દિવસો આવ્યા છે એવું કહી શકાય. નબળા શૅરબજારો, અમેરિકન રોજગારી ઘટયાના સમાચાર આ બધા પરિબળોએ ગત સપ્તાહથી જ સોનામાં આકર્ષણ વધાર્યું છે.
ખૂબ જ પાણી નાખવાની ફરજ પડે તેવી સ્થિતિમાં અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારવામાં બેક મારવાની સ્થિતિમાં આવ્યું. તેથી પણ સોનાનું આકર્ષણ વધ્યું છે. ગત સપ્તાહે સોનામાં બે ટકાનો સુધારો આવ્યો. આ સાપ્તાહિક ઘટના નવ મહિના પછી બની હતી. આગામી 18 અને 19 ડિસેમ્બરે ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદર વધારે તેવી સંભાવના છે, પરંતુ બજારનું ધ્યાન તો ફેડ રિઝર્વ 2019માં વ્યાજદર વૃદ્ધિ બાબત સંકેત આપે તેના પર છે. ડિસેમ્બરનાં વ્યાજદર વધવાના કારણને બજારે ડિસ્કાઉન્ટ કરી નાખ્યું હોવાથી તેની ભાવ પર મોટી અસર હવે નહિ થાય. ઘણા ટ્રેડર્સ બજારનો દિશાદોર નક્કી કરવા માટે 2019ના વ્યાજદર વધારાના ટાઈમિંગને મહત્ત્વ આપે છે. 
ફેડ રિઝર્વના કેટલાક નીતિ ઘડવૈયાઓએ અમેરિકાના અર્થતંત્ર બાબતે ચિંતાનો સુર વ્યક્ત કર્યો છે. આ વલણ અમેરિકાની નાણાનીતિમાં બદલાવ લાવનારું પરિબળ પણ બની શકે છે. ચીન અને અમેરિકા વચ્ચેનું ટેરિફ વૉર, વેપાર સોદાઓની શક્યતાઓ નકારાત્મક બનાવી દેશે અને વૈશ્વિક અર્થતંત્રોને નબળા પાડી દેશે, એવી ચિંતાને લીધે જાગતિક શૅરબજારોમાં વેચવાલી વધી રહી છે. રિદ્ધિસિદ્ધિ બુલીયનના સીઈઓ પૃથ્વીરાજ કોઠારીએ કહ્યું કે સોનાએ 1245 ડૉલરનું રેસિસ્ટન્સ લેવલ તોડી નાખ્યું તે ધ્યાનમાં લઈએ તો ડિસેમ્બરમાં સોનાના ભાવ પ્રતિ ઔંસ (31.1035 ગ્રામ) 1230થી 1285 ડૉલરની વચ્ચે રહેવાની શક્યતા છે. 
આગામી દિવસોમાં બ્રેક્ઝિટ પણ સોનાની તેજીને સમર્થન આપી શકે છે. યુરોપીયન યુનિયન (ઈયુ)થી છૂટા પડવું  કે નહિ તે નક્કી કરવા 11 ડિસેમ્બરે (આજે) બ્રિટિશ પાર્લામેન્ટની બેઠક મળશે. બ્રિટિશ પાઉન્ડ પર દબાણ વધશે, તો સોનામાં લેવાલી વધશે. આ ઘટના રોકાણકારોને સેફ હેવન સોનામાં વૈકલ્પિક રોકાણ કરવા આકર્ષિત કરશે. અલબત્ત સોનામાં હજુ પણ ટેક્નિકલી મંદીનો અંડરટોન છે. સોનાના ભાવ હજુ પણ ટેક્નિકલ રીતે 200 દિવસની માવિંગ એવરેજની નીચે ચાલી રહ્યા છે, જો ટ્રેન્ડલાઈન આમાંથી બહાર નીકળે તો સોનાને નવેસરથી ટેકો મળવાની શક્યતા પણ એટલી જ છે. 
11 એપ્રિલે સોનાની 1365.40 ડૉલરની સાયક્લોજીક્લ ટ્રેન્ડ લાઈન તૂટી ત્યારે જ માધ્યમગાળાની બેર માર્કેટ નિશ્ચિત થઇ ગઈ હતી. ત્યાર પછીથી તળિયું શોધવાની પ્રક્રિયા 16 અૉગસ્ટે 1167.10 ડૉલરના ભાવે આજ સુધી જળવાઈ રહી છે. એક ભારતીય બુલિયન એનાલિસ્ટે કહ્યું કે મંદીવાળાઓએ 8 અૉકટોબરે 1188.60 ડૉલરના બોટમ ભાવથી મધ્યમગાળા માટેનું બજાર નિયંત્રણ ગુમાવી દીધું હતું. અહી એ નોંધવું જરૂરી છે કે જાન્યુઆરીથી અૉગસ્ટ દરમિયાન બનેલા તળિયાના ભાવથી સોનું અત્યાર સુધીમાં 7 ટકા વધ્યું છે. વધુમાં આ વર્ષે પહેલી વખત આખરી ત્રિમાસિકમાં સોનામાં ભાવ સુધારો જોવા મળ્યો છે, જે બજારનાં આંતરપ્રવાહમાં આવી રહેલા બદલાવ સૂચવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer