રૂના ઓછા ઉત્પાદન છતાં સ્પિનિંગ મિલોના અૉપરેટિંગ નફા વધશે

રૂના ઓછા ઉત્પાદન છતાં સ્પિનિંગ મિલોના અૉપરેટિંગ નફા વધશે
નવી દિલ્હી, તા. 11 ડિસે.
અૉક્ટોબર, 2018થી સપ્ટેમ્બર, 2019ની સિઝનમાં રૂનો પાક ઘટીને ત્રણ વર્ષના નીચલા સ્તરે નોંધાય તેવી સંભાવના બજાર માટે ચેતવણીસૂચક છે. ઓછી ઊપજનો અર્થ છે કે ઉત્પાદન ઘટશે અને ઉત્પાદન ખર્ચ વધશે. આને પગલે રૂના ભાવ વધતાં સ્પિનિંગ મિલો તકલીફમાં મૂકાશે.
પણ સવાલ એ છે કે આની સ્પિનિંગ મિલોના નફા ઉપર કેટલી ગંભીર અસર પડશે? નજીકના ભવિષ્યમાં તેઓ ઊંચા ઉત્પાદન ખર્ચ સાથે મોંઘું યાર્ન બનાવવાનું ચાલુ રાખશે? કોટન એડવાયઝરી બોર્ડના અંદાજો મુજબ વર્ષ 2018-'19માં રૂનું ઉત્પાદન 3.6 કરોડ ગાંસડી (170 કિલો પ્રતિ ગાંસડી) થશે, જે પાછલા વર્ષે 3.7 કરોડ ગાંસડી હતું. ગુજરાત અને મહારાષ્ટ્રમાં દુકાળ અને અપૂરતા વરસાદને કારણે સરેરાશ ઊપજ ઘટશે.
પરંતુ સ્પિનિંગ મિલોને હજુ સુધી તો કશું ચિંતાજનક જણાતું નથી. સધર્ન ઇન્ડિયા મિલ્સ એસોસીએશનના સેક્રેટરી જનરલ કે. સેલવરાજે જણાવ્યું હતું કે બજારમાં શરૂઆતનો પાક આવ્યા પછી પરિસ્થિતિ સામાન્ય છે. ગઈ સિઝનમાં પણ સામાન્ય કરતાં વધુ સ્ટોક હોવાથી આ સિઝનમાં બફર સ્ટોક પણ છે.
અત્યાર સુધી તો રૂના ભાવ નીચા છે. સંકર - છ જાતના કપાસના ભાવ પ્રતિ કિલો રૂા. 136 નોંધાયા પછી હવે ઘટીને રૂા. 124 થયા છે. બીજી તરફ, ઘરઆંગણે તેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાં યાર્નની ઊંચી માગને કારણે યાર્નના ભાવ ઊંચકાયા છે.
એપ્રિલથી અૉક્ટોબર દરમિયાન યાર્નની નિકાસ પાછલા વર્ષની સરખામણીએ 35 ટકા વધવાનો તેમ જ એકંદર ટેક્સ્ટાઈલની નિકાસ 25 ટકા વધવાનો અંદાજ છે. આને પગલે ટૂંક સમયમાં યાર્નના ભાવ વધશે.
સ્થિર માગ અને ઉત્પાદનને કારણે અૉપરેટિંગ નફો પણ વધશે. આને કારણે વેતન અને વ્યાજ ખર્ચમાં વધારાના પડકારો ઝીલી રહેલા અૉપરેટિંગ માર્જિન કદાચ સુધરે નહીં તો પણ તેને જાળવી રાખવામાં મદદ મળશે.
બીજા શબ્દોમાં કહીએ તો રૂના ઓછા ઉત્પાદનને કારણે ચાલુ સિઝનને અંતે રૂના ભાવ વધવાની સંભાવના છે, પરંતુ યાર્નની સ્થિર માગને કારણે રૂના વધેલા ભાવની મિલોની નફાકારકતા ઉપર પડતી અસર ઘટાડી શકાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer