એનટીપીસીને દેશની સૌથી મોટી ઊર્જા કંપની બનાવવાનું સરકારનું લક્ષ્ય

એનટીપીસીને દેશની સૌથી મોટી ઊર્જા કંપની બનાવવાનું સરકારનું લક્ષ્ય
અૉઈલ ક્ષેત્રમાં તેમ જ પવન હંસમાંથી પણ હિસ્સાનાં વેચાણ કરવાની વિચારણા
 
નવી દિલ્હી, તા.11 ડિસે.
સરકાર હસ્તક કંપનીઓ (પીએસયુ)માંથી રોકાણ છૂટું કરવાની યોજનાના ભાગરૂપ ગયા અઠવાડિયે પાવર ફાઈનાન્સ કોર્પોરેશનને આરઈસીને હસ્તગત કરી તે પછી નાણાં મંત્રાલય આ વર્ષે વધુ બે ઊર્જા કંપનીના જોડાણ અને એક્વિઝિશન સોદા માટેની તૈયારી કરી રહી છે. 
સરકારની યોજના એનટીપીસીને મુખ્ય ઊર્જા કંપની બનાવાવાની છે, આ માટે એનટીપીસી ત્રણ કે ચાર પીએસયુ ઊર્જા કંપનીને ખરીદશે, એમ સરકારી સૂત્રોએ કહ્યું હતું. આ યોજનાના પહેલા તબક્કામાં એનટીપીસી કેન્દ્ર સરકારનો એસજેવીએનમાંથી 64 ટકા હિસ્સાની ખરીદી કરશે, જેનું વર્તમાન મૂલ્ય રૂા. 6500 કરોડ જેટલું છે. આવી જ રીતે એનએચપીસી નોર્થ ઈસ્ટર્ન ઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશનને હસ્તગત કરશે, જેથી તેનો હાઈડ્રો પાવર કંપનીઓનો પોર્ટફોલિયો મજબૂત બનશે. 
બીજા તબક્કામાં ટ્રાન્સમિશન કંપનીઓ જેવી કે પાવર ગ્રીડ કોર્પોરેશન અૉફ ઇન્ડિયાને એનએચપીસીમાં સમાવવામાં આવશે અને એનએચપીસીને એનટીપીસી અંતર્ગત લવાશે. આથી એનટીપીસી તેની હોલ્ડિંગ કંપની બનશે. જોકે, કંપનીઓ પાસે સ્વતંત્ર મૅનેજમેન્ટ માળખુ હશે, એમ પણ અધિકારીએ કહ્યું હતું. 
દરેક હસ્તગત-મર્જર કરાયેલી કંપનીનું સ્વતંત્ર મૅનેજમેન્ટ હશે, દામોદર વેલી કોર્પોરેશન પણ આ યોજનાનો ભાગ બની શકે છે. સરકારનો લક્ષ્ય આ કંપનીઓમાં રોકાણ છૂટું કરીને વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન રૂા. 80,000 કરોડ એકત્ર કરવાનું છે, જેમાંથી અત્યારસુધી રૂા. 32,997 કરોડ મેળવ્યા છે. અન્ય એક અધિકારીએ કહ્યું કે, સરકારને વિશ્વાસ છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં કમસેકમ પહેલો તબક્કો પૂરો થશે. યોજના ફક્ત રોકાણ છૂટું કરવાનો જ નહીં પરંતુ મર્જર દ્વારા એક મોટી કંપની બનાવવાની યોજના છે, જે વૈશ્વિક ધોરણે પણ સ્પર્ધા આપી શકે. આવી જ રીતે અૉઈલ ક્ષેત્રમાં પણ નાની કંપનીઓના જોડાણ મોટી કંપનીમાં કરવામાં આવશે. 
પ્રધાનમંડળે ઊર્જા ફાઈનાન્સર આરઈસી અને સરકાર હસ્તક પીએફસીમાંથી કેન્દ્રનો સંપૂર્ણ 52.63 ટકા હિસ્સો વેચવા માટેની મંજૂરી આપી છે. આ હિસ્સાના વેચાણ દ્વારા સરકારને રૂા. 14,000 કરોડ મળશે. 
રોકાણ છૂટું કરવાનું સંચાલન કરતો -રોકાણ અને જાહેર અસ્ક્યામત સંચાલન વિભાગે ઊર્જા ક્ષેત્રના આ બે સોદા માટે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝની સલાહકાર તરીકે પસંદગી કરી છે. સરકારના વ્યૂહાત્મક વેચાણના કાર્યક્રમને હજી ધાર્યો વેગ મળ્યો નથી. 
 સચિવ અંતનુ ચક્રબર્તીએ તાજેતરમાં કહ્યું કે, સરકાર તેમના લક્ષ્યને પૂરો કરશે. સરકારી હૅલિકોપ્ટર સર્વિસ કંપની પવન હંસમાં પણ સરકાર તેનો 51 ટકા હિસ્સો વેચવાનું વિચારી રહી છે. પવન હંસ (પીએચએલ)માંથી હિસ્સાના વેચાણ માટે અૉફર મગાવવામાં આવી છે, ખાનગી કંપનીઓનો આમાં ધાર્યો રસ જોવા મળી રહ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer