શૅરબજારોમાં 690 પૉઇન્ટની તોફાની વધ-ઘટ

શૅરબજારોમાં 690 પૉઇન્ટની તોફાની વધ-ઘટ
વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને પછડાટ બાદ
 
વ્યાપાર ટીમ
મુંબઈ-નવી દિલ્હી, તા. 11 ડિસે.
માર્ચ 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વેની મિની ચૂંટણી જેવી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થયાં હતાં. આમાં શાસક ભાજપે રાજસ્થાન અને છત્તીસગઢમાં પાંચ રાજ્યનો સામનો કરવો પડયો છે. મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ અને ભાજપના બળાબળનાં પારખાં થશે. જે પક્ષ અપક્ષોની મદદ લેવામાં સફળ થશે એના આધારે 2019માં થનારી પક્ષની સરકાર બનશે. લોકસભાની આગામી ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર માટે અર્થતંત્રને વધુ લોકાભિમુખ બનાવવા માટે સમયગાળો ટૂંકો પડશે. 
એક્ઝિટ પોલના કારણે શૅરબજારો સોમવારે જ વિશેષ રૂપે વેચવાલીના દબાણ હેઠળ રહ્યા બાદ મંગળવારે પ્રારંભિક મતગણના સમયે 500 પૉઇન્ટ્સ તૂટયા બાદ મધ્ય પ્રદેશમાં ભાજપનો દેખાવ કૉંગ્રેસ સામે અન્ય રાજ્યોની તુલનાએ સારો રહેતાં રિકવરી આવી હતી અને આરબીઆઇના ગવર્નરપદેથી ઊર્જિત પટેલના રાજીનામા અને ચૂંટણીપરિણામોની ચિંતાને મારી હટાવીને ખરીદી કરવાના મૂડમાં ટ્રેડરો આવ્યા હતા. પરિણામે સત્રના અંતે સેન્સેક્સ 190 પૉઇન્ટ્સ વધી 35150 અને નિફટી 60 પૉઇન્ટ્સ વધી 10549ના સ્તરે બંધ રહ્યો હતો. આજે રૂપિયો અમેરિકન ડૉલર સામે 60 પૈસા તૂટયો હતો, જ્યારે પાઉન્ડ સ્ટર્લિંગ સામે 49 પૈસા ઘટયો હતો.
મધ્ય પ્રદેશમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સત્તા મેળવવા માટે ખરાખરીનો જંગ જામશે અને એની સીધી અસર આગામી દિવસોમાં શૅરબજાર પર જોવા મળશે.
છત્તીસગઢ અને રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકાર રચાય એવું સ્પષ્ટ ચિત્ર છે, જ્યારે તેલંગણમાં ટીઆરએસને સ્પષ્ટ બહુમત મળ્યો છે, તો મિઝોરમમાં એમએનએફની સરકાર રચાશે. આમ લોકસભાની ચૂંટણી પૂર્વે થયેલી સેમી ફાઇનલ જેવી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે બાજી મારી છે. હવે એનડીએને બીજાં પાંચ વર્ષ માટે સત્તા જોઈતી હશે તો બાકી રહેલા ટૂંકા સમયગાળામાં આર્થિક સુધારાની ગતિને વેગવાન બનાવી એનો સીધો લાભ સામાન્ય નાગરિકોને આપવાનો રહેશે.
બજાર ઉપરથી ચૂંટણીનું દબાણ હટયું
કે. આર. ચોકસીના દેવેન ચોકસીએ કહ્યું કે બજાર ઉપરથી વિધાનસભાઓની ચૂંટણીને કારણે સર્જાયેલી અનિશ્ચિતતાનાં વાદળો હવે હટયાં છે એથી બજારમાં મૂલ્યવાન શૅરોની માગ વધશે.
ચૂંટણી પરિણામો મોદીને રાહ બદલવાની ફરજ પાડશે
વિપરીત ચૂંટણી પરિણામોના કારણે હવે કેન્દ્ર સરકાર નાણાકીય શાણપણ કે નાણાકીય કરકસરના ભોગે લોકપ્રિય પગલાંઓ લેવા પ્રેરાશે, એવો ડર શૅરબજારના રોકાણકારોને થઈ રહ્યો છે.
કેર રેટિંગના મુખ્ય અર્થશાત્રી મદન સબનવીસે જણાવ્યું હતું કે પૉલિસીમાં અમુક બદલાવ જોવાશે. હવે ચૂંટણી પેહલાં જે મહત્ત્વના મુદ્દા હતા તેમાં લોનમાફી, કૃષિ ફોકસ અને સામાજિક કાર્યક્રમ અંગે સરકાર નિર્ણયો લેશે. આગામી મહિનાઓમાં પ્રી-હાઉસહોલ્ડ પ્રકારના નિર્ણયો જોવા મળશે.
મોદી સરકાર હવે ગ્રામીણ અર્થતંત્ર પર ધ્યાન વધુ કેન્દ્રિત કરશે. લઘુતમ ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો અને ગ્રામીણ કલ્યાણ યોજનાઓ પર વધુ ખર્ચ સરકારને કરવો પડશે એવી ધારણા છે. આ વર્ષે રાજકોષીય ખાધ આખા વર્ષના બજેટના લક્ષ્યથી વધી ગઈ છે. 
કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી તા. 1 ફેબ્રુઆરીએ વોટ-અૉન એકાઉન્ટસ રજૂ કરશે. અર્થશાત્રીઓ માને છે કે એમાં ગ્રામીણ અર્થતંત્ર, ઇન્ફાસ્ટ્રક્ચર, કલ્યાણકારી યોજનાઓ, આવાસ રેલવે અને રોડ ક્ષેત્ર પર ધ્યાન વધુ કેન્દ્રિત કરાશે.
હવે લોકપ્રિય પગલાંઓ જેવા કે સબસિડીમાં વધારો અને વેરાકપાતને મહત્ત્વ અપાશે. તેની અસર નાણાકીય ગણિત પર પડશે. સરકાર આવકખર્ચ કરતાં મૂડીખર્ચને વધુ પ્રાધાન્ય આપશે.
વિદેશી નાણાસંસ્થાઓ તરફથી આવતા મૂડીપ્રવાહને ખાસ વાંધો આવશે નહીં. એફઆઈઆઈ દેશના સામાન્ય સંયોગો અને વિદેશી રોકાણકારો માટેની પૉલિસી જુએ છે. આ કોઈ પણથી ભારતના વિકાસના સંયોગો ઝાંખા પડશે નહીં. અત્યારે માત્ર રાજકોષીય જોખમ છે.
હવે વિદેશી રોકાણકારો `થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવશે, એમ ક્રેડિટ સુઈસેવેલ્થ મેનેજમેન્ટના ઇન્ડિયા ઇક્વિટી રિસર્ચના વડા જિતેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer