અૉનલાઈન ફાર્મસી રિટેલ ઉપર હાઈ કોર્ટનો પ્રતિબંધ

દવાના ઈ-રિટેલિંગ પર સંપૂર્ણ પ્રતિબંધથી અૉનલાઈન પ્લેયરોમાં નિરાશા
નવી દિલ્હી, તા. 14 ડિસે.
ઈ-ફાર્મસી મારફત દવાનાં થતાં વેચાણ પર દિલ્હી હાઈ કોર્ટે પ્રતિબંધ મૂકી દીધો હોવાથી નવી પેઢીના ઓનલાઈન ફાર્મસી રિટેલ મોડલના પ્લેયરોમાં નિરાશા ફરી વળી છે.
હાઈ કોર્ટના ઓર્ડરને કમનસીબ ગણાવતા ઓનલાઈન પ્લેયરો જણાવે છે કે આથી નવા ઉભરતા ઈ-રિટેલિંગ ક્ષેત્રે અનિશ્ચિતતા ફરી વળશે અને એ ક્ષેત્રનું ગળું ઘૂંટાઈ જશે.
મોટા ભાગના ઈ-ફાર્મસી પ્લેયરોને હજી શરૂઆત કર્યાને બે વર્ષ પણ પૂરા થયાં નથી. જાણીતી કંપનીઓ જેવી ફાર્મઈઝી, આઈએમજી, નેટમેડએ મોટું ફંડ પણ એકત્ર કર્યું હતું. હવે ઈ-ફાર્મસી પર સંપૂર્ણ પ્રતિબંધથી આ ક્ષેત્રે થયેલું રોકાણ અટવાઈ જશે.
ઈ-ફાર્મસીના એક સાહસિકે જણાવ્યું હતું કે અમે ઓર્ડરને પડકારવાના નથી. આમ છતાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાને બદલે મેરિટ પ્રમાણે જવું જોઈતું હતું. બધાના દોષયુક્ત મોડલ નહોતા. આથી નિયામકે બ્રીક-એન્ડ-મોર્ટાર રિટેલરો માટે મેરિટ ધોરણે પગલાં લેવા જોઈએ. નિયામકે ઓનલાઈન મોડલ ચકાસવું જોઈએ, વ્યવહારોની ચકાસણી કરવી જોઈએ અને પછી પાલનના આધારે નિર્ણય કરવો જોઈએ.
ગુજરાત સરકારે કોઈ ઈ-ફાર્મસીને કામગીરી કરવાની છૂટ આપી નહોતી. અત્યારે આ ગ્રે એરિયા છે. ધી ડ્રગ એન્ડ કોસ્મેટિકસ એકટ ઈ-ફાર્મસીને નિયંત્રિત નથી કરતું કે તેમને છૂટ પણ નથી આપતું. આમ કાયદો શાંત  છે, પણ હાઈ કોર્ટે ચુકાદો આપી દીધો છે. આથી ગુજરાતનું ફૂડ અને ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન હવે કોર્ટના ચુકાદા પ્રમાણે વર્તશે. ગુજરાતમાં લાઈસન્સિંગ પ્રોસેસ જિલ્લા સ્તરે વિકેન્દ્રીત છે. આમ છતાં ગુજરાતમાં કોઈ પણ ઓનલાઈન ફાર્મસીને લાઈસન્સ અપાયું નથી.
નિષ્ણાતો જણાવે છે કે ઈ-ફાર્મસી માટે રૂલ-બુક નથી અને કાયદામાં એનો ઉલ્લેખ નથી. આથી ઈ-ફાર્મસી ચલાવવા બાબત ભારે અનિશ્ચિતતા ઊભી થઈ છે.
આમ છતાં દૂર દૂરના વિસ્તારોમાં ઓનલાઈન રિટેલિંગનો વ્યાપ વધતો જાય છે અને એમાં ટેક્નૉલૉજીકલ એડવાન્સમેન્ટ પણ ઘણું થયું છે. ઓનલાઈન ખરીદીમાં જનતાને સરળતા પડતી હોવાથી જનતાની મનોવૃત્તિ ઓનલાઈનના ટેકામાં રહી છે. આથી કંઈક રસ્તો શોધી કાઢવાનું દબાણ નિયામક પર વધતું જાય છે. નિયામકે નવા રૂલ્સ બનાવવા જોઈએ, દરદીઓની સુરક્ષાની ખાતરી કરવી જોઈએ અને દવાની ગુણવત્તાની ખાતરી કરી આનો રસ્તો કાઢવો જોઈએ, એવી માગણી ઈ-રિટેલિંગ ક્ષેત્ર કરી રહેલ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer