સરકારે 575 કરોડની મગફળી ખરીદી પણ પેમેન્ટ ફક્ત 15 ટકાનું જ થયું !

ખરીદી સાવ ધીમી
 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.14 ડિસે.
ખેડૂતોને પોસાણક્ષમ ભાવ મળે તે માટે સરકાર એક મહિનાથી મગફળી ખરીદી રહી છે. જોકે, ટેકાના ભાવે મગફળી વેંચ્યા પછી અસંખ્ય ખેડૂતોને એક મહિને પણ પૈસા મળ્યા નથી. પરિણામે સરકારને વેંચીને પસ્તાવા જેવો ઘાટ થઇ ગયો છે. એક મહિનામાં સરકારે રૂા.575.97 કરોડની મગફળી ખરીદી છે પરંતુ તેની સામે ચૂકવણી ફક્ત રૂા.107.07 કરોડની જ કરવામાં આવી છે. ટૂંકમાં ફક્ત 18 ટકા ચૂકવણી થઇ શકી છે. જોકે, હવે ખરીદી પણ સાવ ધીમી પડી ગઇ છે. 
સરકારે ત્રણ દિવસથી દસ દિવસ સુધીમાં ચૂકવણી કરવાનું વચન આપીને રૂા. 1000ના ટેકાના ભાવે એક મણ મગફળી ખરીદવાની મોટી મોટી જાહેરાત કરી હતી. જોકે, હવે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાય ગયા છે કારણકે રવી પાકો માટે પૈસાની જરૂર છે ત્યારે હાથમાં રોકડ આવી નથી!
15 નવેમ્બરથી 13 ડિસેમ્બર-સુધીમાં રાજ્યમાં 57,753 ખેડૂતો પાસેથી 557.97 કરોડની કિંમતની 1,15,194 ટન મગફળી ખરીદવામાં આવી છે. કુલ 122 કેન્દ્રો ખોલીને ખેડૂતોની નોંધણી કરવામાં આવી હતી. જોકે, 2.33 લાખ ખેડૂતોની નોંધણી સામે ફક્ત 57 હજાર જેટલા ખેડૂતોનો જ વેંચવા માટે વારો આવ્યો છે. નવી નોંધણી હવે થતી નથી. અભ્યાસુઓ કહે છે, નામ નોંધાવ્યા પછી 40 ટકા ખેડૂતો જ વેંચવા માટે આવે છે. બાકીના પૈસાની જરૂર હોય ત્યારે ખૂલ્લા બજારમાં કે સારો ભાવ મળે તો વેંચી દેતા હોય છે.
ખેડૂતો કહે છે, નોંધણી કરાવતી વખતે ભારે સમસ્યાઓ નડી હતી. વિવિધ જાતના પુરાવા લાવીને આપવામાં કડાકૂટ હતી. એ કારણે નોંધણી ઓછી થઇ છે. બીજી તરફ નોંધણી થયા પછી વેચાણના એસએમએસ વહેલા મોડાં મળવા, વેંચવાનો દિવસ આવે ત્યારે દસ દસ કલાક સુધી રાહ જોવી પડે છે. ઉપરાંત સ્થળ ઉપર મગફળીના ભેજ અને ઉતારાને લીધે રિજેક્શનના પ્રશ્નો, અપૂરતા વજનકાંટા અને અલ્પ સંખ્યામાં મજૂરોની હાજરી હોય છે. વળી, પેમેન્ટમાં ય ખૂબ વિલંબ થતો હોવાથી ખેડૂતો કંટાળીને ખૂલ્લા બજારમાં સસ્તાં ભાવે મગફળી વેંચી જાય છે. 
સરકાર ભલે રૂા. 1000 આપે પણ મોડાં પેમેન્ટ અને હેરાનગતિ સામે ખેડૂતો ખૂલ્લા બજારમાં રૂા. 800-850માં મગફળી વેંચી નાંખવાનું વધુ પસંદ કરી રહ્યા છે. હવે તો ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં મગફળી ય નથી એટલે કેન્દ્રો ઉપર જૂજ વેચવાલી દેખાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer