જીરુંનું વાવેતર ઊંચકાતાં રાહત, ઘઉંમાં ગાબડું

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 14 ડિસે.
 ગુજરાતમાં ખરીફ વાવેતરમાં 26 ટકાનું મસમોટું ગાબડું પડયું છે. નવેમ્બરના બીજા સપ્તાહે વાવેતર 20.93 લાખ હેક્ટરથી વધી શક્યું નથી. પાછલા વર્ષમાં વાવેતર 28.08 લાખ હેક્ટર હતું. અપૂરતો વરસાદ અને પછી હવે સિંચાઇના પાણીની સુવિધા નહીં હોવાને લીધે ખેડૂતોએ વાવેતર ટાળ્યું છે. પાણીની સગવડ હોય અને નર્મદાના પાણી પ્રાપ્ત છે તેવા વિસ્તારોમાં જ ખેડૂતોએ સાહસ ખેડયું છે. જોકે, ઠંડીના દિવસો ટૂંકા થાય તો પિયતની સમસ્યા વ્યાપક બને તેમ છે. છેલ્લાં કેટલાક દિવસથી ઠંડીમાં વધારો થવાથી પાકને પિયતની આવશ્યકતા ઘટી છે. બીજી તરફ ઠંડીથી પાકને લાભ પણ થયો છે.
જીરુંના ભાવ ઊંચા હોવા છતાં ઘટેલા વાવેતરને લીધે એક તબક્કે વાવણી ગયા વર્ષ સુધી પહોંચશે કે કેમ તેની ચિંતા હતી. જોકે, પાછલા સપ્તાહમાં વાવેતરની જે રીતે પ્રગતિ જોવા મળી છે એ જોતા ઘણો વિસ્તાર કવર થઇ ચૂક્યો છે. ભલે વાવેતર ગયા વર્ષ જેટલું ન થાય પણ હવે ખાધ ફક્ત 10 ટકા જેટલી જ રહે તેવી શક્યતા છે. અગાઉના સપ્તાહે 25 ટકા જેટલી ખાધ હતી.
સૌરાષ્ટ્રના મુખ્ય પાક જેવા બની ચૂકેલા ધાણાના વાવેતરમાં મોટું ગાબડું પડયું છે. અત્યાર સુધી થયેલું વાવેતર પાછલા વર્ષ કરતા 60 ટકા જેટલું ઓછું છે. આવી જ સ્થિતિ લસણની પણ છે. લસણના વાવેતરમાં અર્ધોઅર્ધ ઘટાડો થયો છે. નીચાં ભાવ વાવેતર ઘટવાનું કારણ છે. લસણમાં અકલ્પનીય મંદી છે. ખેડૂતોએ લસણ ફેંકી દેવું પડી રહ્યું છે.
કાંદા પણ નીચાં ભાવને લીધે ખેડૂતોની નજરમાંથી ઉતરી ગઇ છે. વાવેતરમાં મોટો ઘટાડો છે. તેલીબિયાંમાં રાયડાનું વાવેતર ઠીક ઠીક સારું છે. જોકે, કઠોળમાં ચણાનો વિસ્તાર ખાસ્સો ઘટી ગયો છે. ઘઉં જેવા મુખ્ય અનાજનું વાવેતર પણ નીચું રહ્યું છે. મકાઇના વાવેતર નીચાં છે. જુવારનું વાવેતર ચારા માટે વધી જતા વિસ્તાર ઊંચો દેખાય છે. ખેડૂતોએ ચારાની સમસ્યાને લીધે જુવારની વાવણી વધારે કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer