રૂ : નિકાસમાગ જળવાઈ રહેશે

વિશ્વબજારમાં રૂના વાર્ષિક સરેરાશ મીડપૉઈન્ટ ભાવ ગત વર્ષના ભાવથી બે સેન્ટ નીચા 73 સેન્ટ મુકાયા 
ઈબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 14 ડિસે.
પશ્ચિમ ભારતના સૌથી મોટા રૂ ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પિંક વોર્મ રોગચાળાને લીધે ઊપજ (યીલ્ડ) ઓછું આવશે, એવું નિર્ધારિત થઇ જતાં ખેડૂતોએ પાકની પહેલી પીક (લણણી) લઈને ખેતરમાંથી છોડવા ઉખાડી નાખ્યા હતા. દર વર્ષે સરેરાશ બીજી અને ત્રીજી લણણી કર્યા પછી પાક ઉપાડી લેવાતો હોય છે. કોટન ટ્રેડરો હવે એવું માનવા લાગ્યા છે કે 2018-19નો પાક ગત વર્ષના 370 લાખ ગાંસડીથી 12 ટકા ઘટીને, 2009-10 પછીનો સૌથી ઓછો 325 લાખ ગાંસડી આવશે. અલબત્ત સરકારી સંસ્થા કોટન એડવાઈઝરી બોર્ડે આ અનુમાન 361 લાખ ગાંસડીનું મૂક્યું છે. શક્યતા એવી છે કે મોસમના અંતિમ તબક્કાના નબળા પાકની અસર ભાવ ઉપર જોવા મળશે.
કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયા (સીએઆઈ)ના પ્રમુખ અતુલ ગણાત્રાએ પાકના નવા અનુમાન, ગત મહિનાના 343.25 લાખ ગાંસડીથી ઘટાડીને હવે 340.25 લાખ ગાંસડી અને મિલ વપરાશ 324 લાખ ગાંસડી મૂક્યા હતા.
જૂન મહિના સુધી ટ્રેડરો એવું માનતા હતા કે બાજિંગ અને વાશિંગ્ટન વેપાર મમતે ચડ્યા હોઈ, ચીનની મોટી માગ નીકળશે. આને પગલે 100 લાખ નિકાસ લક્ષ્યાંક અંદાજ્યો હતો. રૂ નિકાસકાર પેઢી ડીડી સેક્સરિયાના અરુણ સેક્સરિયાના મતે રૂનો પાક ઘટતાં નિકાસ પુરાંત ઓછી થઇ જશે અને સ્થાનિક બજારમાં ભાવ વધવાની શક્યતા વધી જશે. હવે આપણે 50 કે 60 લાખ ગાંસડી રૂ નિકાસ કરવાની સ્થિતિમાં રહીશું.
તેમણે ઉમેર્યું હતું કે ભારતીય રૂ જાગતિક બજાર કરતાં હજુ પણ સસ્તું હોવાથી આગામી મહિનાઓમાં સારી નિકાસમાગ જળવાઈ રહેવાની શક્યતા છે. ભારતીય નિકાસકારો અત્યારે 84થી 85 સેન્ટ પ્રતિ પાઉન્ડ (454 ગ્રામ) સીએનએફ બાંગ્લાદેશ અને વિયેતનામ ઓફર કરી રહ્યા છે. જ્યારે અમેરિકા, બ્રાઝિલના નિકાસકારો 90 સેન્ટ ઓફર કરે છે.
આઈસીઈ યુએસ કોટન માર્ચ વાયદો ગુરુવારે 80.02 સેન્ટ બોલાયો હતો. અતુલ ગણાત્રાના અનુમાન મુજબ ભારતની વર્તમાન મોસમના રૂ નિકાસના સોદા 25 લાખ ગાંસડી ગોઠવાઈ ગયા છે અને તેમાંથી 10 લાખ ગાંસડી નિકાસ થઇ 
ગઈ છે.
અમેરિકન કૃષિ મંત્રાલયની સંસ્થા વર્લ્ડ એગ્રિકલ્ચરલ સપ્લાય એન્ડ ડિમાન્ડ એસ્ટિમેટ કહે છે કે ગત મહિને ઉત્પાદન અને વપરાશ ઘટ્યા હતા, વેપાર થોડો વધ્યો હતો, એ સાથે જ વર્ષાંત સ્ટોક પણ સહેજ વધુ રહેવાની શક્યતા છે. 
ભારત, પાકિસ્તાન, ચીન, તુર્કમેનિસ્તાન અને તુર્કીમાં રૂ પાક નબળો આવવાની સંભાવનાએ જાગતિક ઉત્પાદનમાં 6.45 લાખ ગાંસડીનો ઘટાડો સંભવિત છે. પરંતુ બ્રાઝિલના પાકમાં 10 લાખ ગાંસડી અને અમેરિકન પાકમાં મામૂલી વૃદ્ધિ શક્ય જણાતાં ઉક્ત દેશોનો ઘટાડો સરભર થઇ જશે. ચીનમાં 10 લાખ ગાંસડી વપરાશ ઘટાડાને લીધે વૈશ્વિક રૂ વપરાશ 13 લાખ ગાંસડી ઘટી શકે છે.
પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કીમાં પણ વપરાશ ઘટવાની સંભાવના છે. ભારત, પાકિસ્તાન અને મલેશિયાની આયાત વધશે, જ્યારે ભારત, આર્જેન્ટિના, બ્રાઝિલ અને ઉઝબેકિસ્તાન જેવા દેશની નિકાસ પણ વધવાની શક્યતા હોવાથી વૈશ્વિક આયાત-નિકાસ વેપારમાં 6 લાખ ગાંસડીનો વધારો થશે. આ બધા વચ્ચે 2018-19નો જાગતિક વર્ષાંત સ્ટોક, ગતવર્ષની તુલનાએ 73 લાખ ગાંસડી વધીને 732 લાખ ગાંસડી અંદાજિત છે. વિશ્વબજારમાં રૂના વાર્ષિક સરેરાશ ભાવ 69થી 77 સેન્ટ અને મીડપોઈન્ટ ભાવ ગતવર્ષના સરેરાશ ભાવથી બે સેન્ટ નીચા 73 સેન્ટ મુકાયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer