યુનિફૉર્મ અને ગારમેન્ટ ફેર તા. 8થી 10 જાન્યુઆરીએ બેંગલોરમાં

શ્રી સોલાપુર ગારમેન્ટ મૅન્યુફેક્ચરર્સ એસોસિયેશનના ઉપક્રમે થશે આયોજન 
મુંબઈ, તા. 14 ડિસે.
શ્રી સોલાપુર ગારમેન્ટ મૅન્યુફેક્ચરર્સ એસોસિએશનના ઉપક્રમે ભારતનો યુનિફૉર્મ અને ગારમેન્ટ મૅન્યુફેક્ચરર્સ ફેર તા. 8થી 10 જાન્યુઆરી 2019ના બેંગલોરના યશવંતપુર રેલવે સ્ટેશન નજીક ડૉ. પ્રભાકર કોરે કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. મહારાષ્ટ્રના ટેક્સ્ટાઇલ મંત્રાલયના સહયોગમાં આ ફેર યોજાશે.
પ્રદર્શનકારોમાં યુનિફૉર્મ ગારમેન્ટ ઉત્પાદકો, યુનિફૉર્મ કાપડ ઉત્પાદકો, ફેન્સી ગારમેન્ટ ઉત્પાદકો, પગરખા ઉત્પાદકો, મોજાં ઉત્પાદકો, યુનિફૉર્મ અસેસરીઝ ઉત્પાદકો અને ગારમેન્ટિંગ મશીન ઉત્પાદકોનો સમાવેશ થાય છે.
યુનિફૉર્મ કાપડ ઉત્પાદકોની જાણીતી બ્રાન્ડો જે આ ફેરમાં જોડાશે તેમાં મફતલાલ, રિલાયન્સ ઇન્ડ., દર્શન વાલજી યુનિફૉર્મ, રેમન્ડ યુ-કોડ, સિયારામ યુનિકોડ, ઓન્લી વિમલ, બૉમ્બે ડાઇંગ, ક્યુમેક્સ વર્લ્ડ, સંગમ, સ્પર્શફેબ, વોકી ટોકી વગેરેનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર રાજ્યને વૈશ્વિક યુનિફૉર્મ સોર્સિંગ હબ બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. શ્રી સોલાપુર અત્યારે યુનિફૉર્મ ગારમેન્ટસ ઉત્પાદનનું મહત્ત્વનું સેન્ટર ગણાય છે.  સોલાપુર રોડ અને રેલવે રૂટ વડે સમગ્ર દેશના મુખ્ય શહેરો સાથે સંકળાયેલું હોવાથી ગારમેન્ટ ઉદ્યોગને રોકાણ માટે સૌથી મોટા કેન્દ્ર તરીકે વિકાસ પામી રહ્યું હોવાનું સોલાપુર ગારમેન્ટ મેન્યુ. એસો.ના ડિરેક્ટર સતીશ પવારે એક નિવેદન દ્વારા જણાવ્યું છે.
એસોસિએશન દ્વારા ટ્રેનિંગ સેન્ટર્સ પણ શરૂ કરવામાં આવ્યા છે જેમાં જરૂરિયાતમંદ મહિલાઓને નિ:શુલ્ક તાલીમ આપવામાં આવતી હોવાનું પવારે ઉમેર્યું હતું.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અંગત રસ લઈ આ ફેરમાં ભાગ લેવા વિદેશી એલચી કચેરીઓ અને એમ્બેસીઓને આમંત્રણ પાઠવ્યા છે. મહારાષ્ટ્રના ગારમેન્ટ, ટેક્સ્ટાઇલ,યુનિફૉર્મ અસેસરીઝ, હોમ ટેક્સ્ટાઈલ અને મશીનરી ઉત્પાદકો આ એકસ્પોમાં તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરનાર છે. મહારાષ્ટ્રનું સોલાપુર શહેર યુનિફૉર્મ ઉત્પાદનનું હબ બની ચૂક્યું છે. 
બેંગલોરમાં યોજાનારા આ ફેરમાં મુખ્યત્વે યુનિફૉર્મ ગારમેન્ટ પ્રદર્શિત થશે. આ વર્ષે ફેરમાં પ્રથમ વાર કાપડ ઉત્પાદકો માટે સ્પેશિયલ પેવિલિયન રાખવામાં આવ્યું છે. ફેરમાં સ્કૂલ અસેસરીઝ જેવી કે સ્કૂલ બૅગ, ટ્રાવેલ બૅગ, બેલ્ટ, ટાઈ પ્રદર્શિત થશે. આમ સ્કૂલ સંબંધી તમામ આઈટમો માટે આ વન સ્ટોપ સોર્સિંગ પ્લેટફૉર્મ બની રહેશે. શ્રી સોલાપુરમાં ફેરની પ્રથમ આવૃત્તિ 2017માં અને બીજી આવૃત્તિ 2018માં યોજાઈ હતી. આમાં ભારત ભરમાંથી 12,000 મુલાકાતીઓ અને 12 દેશોના પ્રતિનિધિઓ ફેરની મુલાકાતે આવ્યા હતા. ફેરમાં 160થી વધુ બ્રાન્ડસ પ્રદર્શિત થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer