કૉંગ્રેસની કાયાપલટ : રાહુલ ગાંધીની કસોટી

વિધાનસભાઓની ચૂંટણીના પ્રચારમાં કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ `રફાલ' વિમાનોની ખરીદીના કરારમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ ખૂબ ચગાવ્યો હતો અને પરિણામ આવ્યાં પછી ગેલમાં અને આક્રમક મિજાજમાં આવી ગયેલા રાહુલ ગાંધીના સભ્યોએ સંસદમાં ધમાલ મચાવીને કાર્યવાહી રોકી દીધી હતી, પણ હવે સુપ્રીમ કોર્ટે રફાલ વિમાનોની ખરીદીના કેસમાં તપાસ કરાવવાની માગણી ફગાવી દીધી છે - આવી તપાસની કોઈ જરૂર નથી અને ખાનગી કંપની (અનિલ અંબાણીની) સાથેની સમજૂતીમાં પણ કોઈ અનિયમિતતા જણાઈ નથી. વિમાનની કિંમત નક્કી કરવાનું-ચકાસવાનું કામ અમારું નથી - એવો ચુકાદો આપતાં રફાલ ભ્રષ્ટાચારના આરોપોનો ફુગ્ગો ફૂટી ગયો છે.
આ ચુકાદો આવ્યા પછી કૉંગ્રેસના નેતા મધ્યપ્રદેશમાં તાજા ચૂંટાયેલા (જેમનું નામ મુખ્ય પ્રધાનપદની યાદીમાં હતું તે) જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે અમે તો ``જનતાની અદાલતમાં અને સંસદમાં આ મુદ્દો ઉઠાવતા જ રહીશું'' પણ યુવા નેતા ભૂલી જાય છે કે સંરક્ષણ માટેની જરૂરી ખરીદી અને તૈયારીમાં ભ્રષ્ટાચારના પાયા વિનાના આક્ષેપ કરવાથી સરકારની - અને સશત્ર દળોની બદનામી થાય છે. સંરક્ષણને નુકસાન થાય છે. આમ છતાં રાજકીય લાભ મેળવવાનો હવે પ્રયાસ થશે તો કૉંગ્રેસને રાજકીય નુકસાન થશે.
`બૉફોર્સ'નો જવાબી હુમલો કરવાનો વ્યૂહ રાહુલ ગાંધી અજમાવી રહ્યા છે, પણ હવે ત્રણ હિન્દીભાષી રાજ્યોમાં સત્તા મેળવ્યાં પછી એમણે રાજકીય પરિપક્વતા બતાવવી જોઈએ.
દરમિયાન, રાજધાનીમાં બન્ને છાવણીઓ-ભાજપ અને કૉંગ્રેસ ધમધમી રહી છે. પરિણામના દિવસે ભાજપના કાર્યાલયમાં સોંપો પડી ગયો હતો, પણ હવે વડા પ્રધાન અને કૉંગ્રેસપ્રમુખ સાબદા થઇ ગયા છે. વડા પ્રધાન આગામી બજેટમાં ગ્રામ્ય વિકાસ અને કિસાનોનાં કલ્યાણ ઉપર સંપૂર્ણ ધ્યાન આપશે અને સચિવોને બોલાવીને તૈયારી શરૂ થઈ ગઈ છે. અમિત શાહે 21મી ફેબ્રુઆરીથી બે દિવસનું કિસાન સંમેલન બોલાવવાનો પ્લાન તૈયાર કર્યો છે. કિસાનો ઉપરાંત નાના વ્યાપારીઓ અને આમઆદમી માટે નોંધપાત્ર પગલાં લેવામાં આવશે.
રાહુલ ગાંધી માટે ખરી કસોટી હવે થઈ રહી છે! યુવા નેતાઓને જવાબદારી સોંપીને `નઇ કૉંગ્રેસ'' બનાવવાની એમની ઇચ્છા હતી અને મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને મુખ્ય પ્રધાન બનાવવા માગતા હતા, પણ સિનિયર નેતા કમલનાથે બાજી મારી છે. પરિણામ આવ્યાં પહેલાં જ એમનાં નામ-ફોટાનાં પૉસ્ટરો લાગી ગયાં અને અભિનંદનના સરઘસ નીકળવા લાગ્યાં. રાહુલની મરજી - સંમતિ નહોતી તે સ્પષ્ટ છે, પણ સોનિયાજી અને પ્રિયંકા-રાહુલના બંગલે પહોંચ્યા અને સમજાવ્યા કે કમલનાથને નારાજ કરાય નહીં.
કમલનાથ તો પોતાને ઇન્દિરાજીના ત્રીજા પુત્ર ગણાવે છે. ઇમર્જન્સીમાં સંજયનો જમણો હાથ હતા. એમના ઉપર શીખ-વિરોધી રમખાણોમાં સાથ આપ્યાનો આરોપ છે...
મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્યે નાયબ મુખ્ય પ્રધાનપદ સ્વીકારવાનો ઇનકાર કર્યો અને રાજસ્થાનમાં ગેહલોતની પસંદગીના વિરોધમાં સચીન પાઇલટના સમર્થકો તોફાને ચડયા - રાહુલ ગાંધી માટે આ નવું છે - પણ કૉંગ્રેસ માટે નહીં!
રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્ય પ્રધાનની પસંદગીમાં વિલંબ થયો અને ``ટૅક્નૉલૉજી''ની સહાયથી `ગુપ્ત મતદાન'ની વ્યવસ્થા જન-મત મેળવવા માટે કરવી પડી. આ ઉપરથી સ્પષ્ટ છે કે કૉંગ્રેસને સત્તા મળવાનો વિશ્વાસ ન હતો તેથી મુખ્ય પ્રધાનના નામનો નિર્ણય લેવાયો નહીં - કોઈનું નામ જાહેર થાય તો કૉંગ્રેસમાં જ ``ભાંગફોડ'' થવાનો ડર હતો. હવે તો રાહુલ ગાંધી સર્વેસર્વા છે, છતાં નિર્ણય લેવાનો વિશ્વાસ નથી, કારણ કે આ વિજય તો ``સેમ્પલ'' છે - ખરી કસોટી લોકસભાની ચૂંટણીમાં થશે ત્યાં સુધી પક્ષમાં જૂથબંધી વકરે નહીં તે જોવાનું છે. આ સંજોગોમાં કૉંગ્રેસની કાયાપલટની ઉતાવળ કરવાને બદલે `બાંધછોડ' કરવી જ પડશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer