બુલેટ ટ્રેન જમીન સંપાદનની સમસ્યા હળવી થઈ : 27 ખેડૂતોને વળતર ચૂકવાયું

બુલેટ ટ્રેન જમીન સંપાદનની સમસ્યા હળવી થઈ : 27 ખેડૂતોને વળતર ચૂકવાયું
કલેક્ટર ધવલ પટેલની ખેડૂતોને નેતા અને પક્ષનો હાથો નહિ બનવા અપીલ 
ખ્યાતિ જોશી
સુરત, તા. 14 ડિસે.
અમદાવાદ-મુંબઈ વચ્ચેનાં સૂચિત બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે ખેડૂતોના વધતા વિરોધ પછી સુરત જિલ્લાનાં ચાર ગામનાં 27 ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની મંજૂરી આપતાં જિલ્લા કલેક્ટરે તાત્કાલીક વળતર ચૂકવી દેતાં જમીન સંપાદનની માથાકૂટ હળવી થતી હોય તેવું લાગી રહ્યું છે.  જિલ્લા કલેક્ટર ધવલ પટેલની આગેવાનીમાં સુરત જિલ્લાનાં ચોર્યાસી તાલુકાનાં વકતાણા, બોણંદ અને ગોજા ગામનાં ખેડૂતોને વળતરની રકમ ચૂકવવામાં આવી છે જ્યારે આગામી દિવસોમાં સુરત માટે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનવાનું છે તે અંત્રોલીનાં ખેડૂતોને પણ વળતર ચૂકવવામાં આવશે. વળતર ચૂકવણી કાર્યક્રમમાં ધવલ પટેલે ખેડૂતોને કોઈ રાજકીય પક્ષ કે સમાજનાં આગેવાની કરતાં નેતાઓનો હાથો નહિ બનવા અપીલ કરી હતી. 
સરકારે દાવો કર્યો છે કે જંત્રીના દરમાં 52.17 ટકા વધારો કરવા ઉપરાંત જંત્રીની ચાર ગણી રકમ ચૂકવાઈ છે. રકમ ચૂકવણી કાર્યક્રમમાં પ્રથમ તબક્કે 27 ખેડૂતોનાં ખાતામાં રૂા. 22.50 કરોડની રકમની ચૂકવણી કરવામાં આવી છે. સુરત જિલ્લાનાં ચોર્યાસી તાલુકાના ગોજા ગામનાં 2, વકતાણાનાં 17 અને બોણંદનાં આઠ ખેડૂતો મળીને કુલ 27 ખેડૂતોને રકમની ચુકવણી કરવામાં આવી છે. રકમ ચુકવણી કાર્યક્રમમાં કલેક્ટરે દાવો કર્યો હતો કે તમામ ખેડૂતોને 80 ટકા રકમ ચૂકવી દેવામાં આવી છે. હજુ પણ આગામી દિવસોમાં બીજા ખેડૂતોને પણ રકમ ચૂકવવામાં આવશે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ અંત્રોલીનાં ખેડૂતો સહિત બીજા અસરગ્રસ્તોને અંદાજે રૂા. 75 કરોડનું વળતર ચૂકવવામાં આવશે. જે પ્રકારે પાછલાં ત્રણ માસમાં દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોએ બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટનો વિરોધ કરીને હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરી છેક જાપાન સુધી પોતાનો વિરોધ નોંધાવતાં કેન્દ્ર લેવલે તેની નોંધ લેવામાં આવી છે. પરંતુ, આ દરમિયાન કેટલાક ખેડૂતોએ સંમતિથી જમીન આપતાં ખેડૂત એકતામાં તિરાડ પડી હોવાનું બહાર આવ્યું છે. 
ખેડૂત સમાજ ગુજરાતનાં પ્રમુખ જયેશભાઈ પટેલ જણાવે છે કે અમારી એકતા તૂટી નથી. જે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું છે તેઓને આગળ જતાં માથે હાથ દઈ રડવાનો વખત આવશે. કારણકે અમે જે માગણી કરી છે તેની સરખામણીએ સરકારે ઓછી રકમ ચૂકવી છે. અમારી માગણી સામે આ રકમ તદ્ન મામૂલી છે. ગુજરાતમાં કુલ 192 ગામમાંથી જમીનનું સંપાદન થવાનું છે. માત્ર ચાર જ ગામનાં ખેડૂતોએ જમીન આપવાની સંમતિ આપી છે. આ ચારને ગામને બાદ કરતાં કોઈ ખેડૂત રકમ ચૂકવવા માટે તૈયાર નથી. જાપાનની ટીમને અમારી તમામ રજૂઆત કરવામાં આવી છે. અમને આશા છે કે તમામ રજૂઆતોનાં અંતે ખેડૂતોને વળતર સહિતનાં મામલે ફાયદો થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer