ઓરિસ્સામાં કોલસાની અછતથી જાતવપરાશ માટેનાં વીજળીમથકો મુશ્કેલીમાં

ઓરિસ્સામાં કોલસાની અછતથી જાતવપરાશ માટેનાં વીજળીમથકો મુશ્કેલીમાં
ભુવનેશ્વર, તા. 14 ડિસે.
ઓરિસ્સામાં કોલસાની અછતથી જાતવપરાશ માટે વીજળી પેદા કરતી કંપનીઓ સહિતના અનેક ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા છે એમ ઉદ્યોગનાં સૂત્રોનું કહેવું છે.
ઉત્કલ ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાયેલી એક ચર્ચાસભામાં ચેમ્બરના પ્રમુખ રમેશ મહાપાત્રાએ કહ્યું હતું કે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લવાય તો અનેક હિતધારકોને માઠી અસર થશે અને રાજ્યનું ઔદ્યોગિક વાતાવરણ કલુષિત થશે.
`ઓરિસ્સા દેશનું એક અગ્રણી કોલસા ઉત્પાદક રાજ્ય છે. છતાં કમનસીબે આપણા પોતાના જ કોલસા-આધારિત ઉદ્યોગોને અહીં અગ્રીમતા અપાતી નથી. અમે આ મુદ્દો અન્ય હિતધારકોના સહયોગથી કેન્દ્રીય અને રાજ્યસ્તરે ઉઠાવવાના છીએ,' એમ મહાપાત્રાએ જણાવ્યું હતું. દેશમાં કોલસાના 24.52 ટકા ભંડારો ઓરિસ્સામાં આવેલા છે. કોલસાના રાષ્ટ્રીય ઉત્પાદનમાં તેનો ફાળો 15 ટકા છે.
વેદાંત લિ.ના સીઈઓ અભિજિત પતિએ કહ્યું હતું કે કોલસાની અછતને લીધે વીજળી મથકો તેમની સ્થાપિત ક્ષમતાના 60-70 ટકાના સ્તરે જ કામ કરે છે.
જિંદાલ સ્ટેઈનલેસ સ્ટીલના ડિરેક્ટર એસએસ ઉપાધ્યાયે નિર્દિષ્ટ વીજમથકો સુધી કોલસો પહોંચાડવાની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. રેલવે વેગનોના અભાવને લીધે રાજ્યમાં કોલસાની અછત વધુ ઉગ્ર બની છે. આયાતી કોલસો ઘણી વાર પારાદીપ, ધામરા અને અન્ય બંદરોએ પડી રહે છે કેમકે તેને વીજળીમથક સુધી પહોંચાડવા માટે રેલવે વેગનો ઉપલબ્ધ હોતાં નથી. ઘણા ઉદ્યોગો માત્ર ત્રણચાર દિવસ ચાલે એટલા કોલસાના સ્ટોક સાથે કામ કરી રહ્યા છે એમ તેમણે જણાવ્યું હતું. જો જિંદાલ સ્ટેઈનલેસ જેવી મોટી કંપનીને કોલસાની અછતને લીધે મોટી ખોટ ભોગવવી પડતી હોય તો સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોની હાલતની તો કલ્પના જ કરવાની રહી એમ તેમણે ઉમેર્યું હતું.
ચર્ચાસભામાં ભાગ લેનારી કંપનીઓમાં મોટા ભાગની જાતવપરાશ માટે વીજળી પેદા કરનારી કંપનીઓ હતી. તે ઉપરાંત એલ્યુમિનિયમ, લોખંડ, સ્ટીલ, સિમેન્ટ, કાગળ, ખાતર અને અન્ય ઉદ્યોગોના પ્રતિનિધિઓ પણ તેમાં સામેલ થયા હતા.
મહાનદી કોલ ફિલ્ડ્ઝ લિ. વર્ષે 14 કરોડ ટન કોલસાનું ઉત્પાદન કરે છે. ઓરિસ્સાની કોલસાની વાર્ષિક જરૂરિયાત 8 કરોડ ટન છે, જેમાંથી ચાર કરોડ ટન જાતવપરાશ માટે વીજળી પેદા કરતા ઉદ્યોગોને જોઈએ છે. પરંતુ કોલ ઇન્ડિયા દ્વારા તેમને માત્ર 120-130 લાખ ટન કોલસો અપાય છે જે તેમની જરૂરિયાતના 30 ટકા જેટલો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer