20 લાખ ટન કાચી ખાંડ ચીનને નિકાસ કરવાની મિલોને આશા

20 લાખ ટન કાચી ખાંડ ચીનને નિકાસ કરવાની મિલોને આશા
પુણે, તા. 14 ડિસે.
ખાંડની આયાતમાં રસ ધરાવનાર ચીનના પ્રતિનિધિમંડળ સાથે સમજૂતી થવા વિશે દેશની ખાંડ મિલો આશાવાદી છે. ભારતીય ખાંડ મિલો ચીનને ઓછામાં ઓછી 20 લાખ ટન કાચી ખાંડની નિકાસ કરવા ઇચ્છે છે.
``ચીનની ખાંડબજાર સાથે અમે લાંબો સમય કામ કરવા ઇચ્છીએ છીએ. પ્રવર્તમાન વર્ષમાં ચીનને 20 લાખ ટન ખાંડની નિકાસ કરવાની અમને અપેક્ષા છે. સોમવારે ઉત્તર પ્રદેશની કેટલીક ખાંડ મિલોની મુલાકાત લઈને ચીનનું પ્રતિનિધિમંડળ બુધવારે મહારાષ્ટ્ર આવ્યું હતું, એમ નેશનલ ફેડરેશન અૉફ કોઅૉપરેટીવ શુગર ફેકટરીઝ (એનએફસીએસએફ)ના પ્રમુખ દિલીપ વળસે પાટિલે કહ્યું હતું.
15,000 ટન કાચી ખાંડની નિકાસ માટે ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશન (ઇસ્મા) અને ચીનની કોફકો વચ્ચે કરાર થયા છે. મહારાષ્ટ્રની ખાંડ મિલોને ઓછામાં ઓછી પાંચ લાખ ટન ખાંડ નિકાસ કરવાની અપેક્ષા છે.
મહારાષ્ટ્રને 15.54 લાખ ટન ખાંડની નિકાસનો કવોટા મળ્યો છે અને પ્રારંભમાં પાંચ લાખ ટનના કરાર થવાની અપેક્ષા છે. મિલો વધુ નિકાસ કરવા પણ સજ્જ છે. એમ તેમણે કહ્યું હતું.
ભારતે ચીનને નવા વર્ષ માટે તેની કાચી ખાંડની આયાતનો ક્વોટા જાન્યુઆરી પહેલાં જાહેર કરવાનો અનુરોધ કર્યો છે. કેમ કે સ્થાનિક ખાંડ મિલો ત્યાં સુધીમાં સફેદ ખાંડ બનાવવાનું શરૂ કરશે અને ત્યાર બાદ કાચી ખાંડ બનાવવું મુશ્કેલ બનશે.
ભારતમાંથી આ વર્ષે ચીને બિન-બાસમતી ચોખાની આયાત કરવાનું શરૂ કર્યા બાદ હવે તે કાચી ખાંડની આયાત કરવા સહમત થયું છે.
બજારનાં સૂત્રોના જણાવવા મુજબ ચીનની સરકાર જાન્યુઆરીથી જૂન માટે ખાંડની આયાતનો ક્વોટા લગભગ જાન્યુઆરીના મધ્યમાં જાહેર કરે છે.
અત્રે શેરડીનું પિલાણ એક મહિનો વહેલું શરૂ થયું હોવાથી જો ચીનનો આયાત ક્વોટા ડિસેમ્બરમાં જાહેર કરાય તો મિલો માટે આયોજન કરવું સરળ બનશે.
જાન્યુઆરી - જૂનનો ક્વોટા જાન્યુઆરીના મધ્યમાં જાહેર કરાય ત્યાં સુધીમાં ભારતીય ખાંડ મિલોની પિલાણની અડધી સિઝન પૂરી થઈ ગઈ હોય છે.
ચીનના પ્રધાન હ્યુ-વેઈના વડપણ હેઠળ ત્યાંના અધિકારીઓ વેપાર અને વાણિજ્ય તથા કૃષિ મંત્રાલયના સિનિયર અધિકારીઓને મળ્યા હતા અને ભારતમાંથી આયાત વધારવા બાબતે ચર્ચા-વિચારણા કરી હતી. ચીન માત્ર કાચી ખાંડની જ આયાત કરે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer