તેલીબિયાંની ખરીદીની ખાનગી વેપારીઓ માટેની યોજનાને કંગાળ પ્રતિસાદ

તેલીબિયાંની ખરીદીની ખાનગી વેપારીઓ માટેની યોજનાને કંગાળ પ્રતિસાદ
નવી દિલ્હી, તા. 14 ડિસે.
સરકાર માટે તેલીબિયાંની ખરીદીમાં ખાનગી ક્ષેત્રને સામેલ કરવાની મહત્ત્વાકાંક્ષી યોજનાને કંગાળ પ્રતિસાદ મળ્યો છે. પીએમ-આશા અભિયાન હેઠળ પ્રાઈવેટ પ્રોક્યોરમેન્ટ ઍન્ડ સ્ટોકિસ્ટ સ્કીમ (એચપીએસએસ)ની અજમાયશ માટે કોઈ રાજ્ય પ્રાયોગિક પ્રોજ્કેટ શરૂ કરવા તૈયાર ન હોવાથી તે મહદ્ અંશે કાગળ પર જ રહી છે.
ખાનગી ક્ષેત્રને આ યોજનામાં સહભાગી થવાનો કોઈ ઉત્સાહ નથી કેમકે વેપારી દૃષ્ટિએ તે આકર્ષક નથી. યોજનાની માર્ગદર્શિકા અનુસાર આ યોજના હેઠળ સરકાર વતી ખરીદાયેલાં તેલીબિયાં માટે ખાનગી વેપારીને લઘુતમ ટેકાના ભાવ વધુમાં વધુ 15 ટકા ઉંચા ભાવ આપવામાં આવશે. ખરીદેલી પેદાશનો સંગ્રહ, હેરફેર અને વેચાણની જવાબદારી ખાનગી વેપારીની રહેશે અને એમ કરવામાં જે નુકસાની થાય તે તેણે ભોગવવી પડશે.
માર્ગદર્શિકા અનુસાર ખાનગી વેપારી પોતે ખરીદેલી પેદાશ જ્યારે અન્ય કોઈ પ્રાપ્તિ યોજના ચાલુ ન હોય ત્યારે જ વેચી શકશે, જેથી એકનો એક માલ ફરીફરીને વેચાય નહીં. જે વેપારી સરકાર વતી ખેડૂતો પાસેથી તેલીબિયાં ખરીદશે તેને તે સમયની સંગ્રહમર્યાદામાંથી મુક્તિ મળશે અને રાજ્ય સરકારો દ્વારા લેવાતી મંડી ફીમાંથી પણ માફી મળશે.
તેલીબિયાં માટેની પીપીએસએસની અજમાયશ માટે આઠ પ્રાયોગિક પ્રોજેક્ટો શરૂ કરવાના હતા. આ પ્રોજેક્ટો માટે કૃષિ મંત્રાલયની મંજૂરી મેળવવાની હતી. પરંતુ હજી સુધી કોઈ પણ રાજ્યે એક પણ પ્રોજેક્ટ શરૂ કરવાની દરખાસ્ત મોકલી નથી. ખરીદીની મોસમ આવતાં કેટલાંક સપ્તાહોમાં પૂરી થવાની હોવાથી આ દિશામાં કોઈ નક્કર પ્રગતિ થવાની શક્યતા ધૂંધળી છે.
મોટા ભાગનાં ખરીફ તેલીબિયાંના ભાવ હાલ ટેકાના ભાવ કરતાં નીચા ચાલે છે. મોટા ભાગનાં મથકોએ સોયાબીનના ભાવ તેના ટેકાના ભાવ (ક્વિન્ટલ દીઠ રૂા. 3399) કરતાં છથી 13 ટકા અને મગફળીના બજાર ભાવ તેના ટેકાના ભાવ (રૂા. 4890 ક્વિન્ટલ દીઠ) કરતાં વીસથી ચાલીસ ટકા નીચા બોલાય છે. પીપીએસએસ યોજનાની સફળતામાં આર્થિક પોસાણ મોટો અવરોધ સાબિત થઈ રહ્યું છે.
`જો ખાનગી વેપારીઓને કરાતી અૉફર પોસાણક્ષમ નહીં હોય તો કોઈ તેમાં ભાગ લેવા આગળ આવશે કે નહીં તેની મને શંકા છે' એમ નેશનલ કોલટરલ મૅનેજમેન્ટ સર્વિસીસના મૅનેજિંગ ડિરેક્ટર સંજય કૌલે કહ્યું હતું. જો બજાર ભાવ અને ટેકાના ભાવ વચ્ચે 20 ટકા જેટલો તફાવત હોય અને યોજનામાં લેનારા વેપારીને નુકસાનીનું યોગ્ય વળતર ન મળે તો કોઈ તેમાં શા માટે રસ લે? એવો સવાલ તેમણે કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer