ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે સોનામાં ઘટાડો

ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે સોનામાં ઘટાડો
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 14 ડિસે.
વૈશ્વિક સોનામાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. ન્યૂ યોર્કમાં 1238 ડૉલરના એક અઠવાડિયાના તળિયે સોનું પહોંચ્યું હતું. ફેડની બેઠક આવતા સપ્તાહે મળનાર છે એ પૂર્વે આવેલો ઘટાડો સાવચેતીભર્યું વલણ સૂચવે છે. ચલણ બજારમાં ડૉલરના મૂલ્યમાં સુધારો હતો. ચીનનો આર્થિક વિકાસ ધીમો પડયો છે અને યુરો તથા પાઉન્ડમાં પણ મંદીનો માહોલ છવાઇ જવાથી ડૉલરને તેજી માટે બળ મળ્યું છે. ડૉલર સુધરવાને લીધે પણ સોનામાં વેચવાલી જોવા મળી હતી.
18 અને 19 ડિસેમ્બરના દિવસે ફેડરલ રિઝર્વની બેઠક મળવાની છે. બૅન્ક દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી દૃઢ સંભાવના છે. જોકે, બજારને આવતા વર્ષના વ્યાજદર અંગે ફેડ કેવી આગાહી કરે છે તેમાં રસ છે. 2019ના છ માસમાં બે વ્યાજદર વધારા થઇ શકે છે એવો સંકેત ભૂતકાળમાં ફેડ આપી ચૂકી છે એટલે ઉત્સુકતા વધી ગઇ છે. ચાલુ વર્ષે એપ્રિલથી અત્યાર સુધીમાં સોનામાં 9 ટકાની મંદી આવી ગઇ છે. મંદી ડૉલરની તેજી અને વ્યાજદરને આભારી છે. રોકાણખારો ડૉલરની તેજીને કારણે સોનું ખરીદતા ખચકાઇ રહ્યા છે. ફંડોની સ્થિતિ પણ એવી છે.
અમેરિકાનો આર્થિક વિકાસ ધીમો પડી રહ્યો છે તેવા અહેવાલો તાજેતરમાં આવ્યા છે એ કારણે સોનામાં થોડો સુધારો પંદર દિવસમાં થયો છે. અમેરિકામાં રોજગારી ઘટી છે અને બેરોજગારીના દરમાં પણ વધારો થવાથી હવે ફેડના નિવેદન ઉપર બજારનો આધાર વધી ગયો છે. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા.50ના ઘટાડામાં રૂા. 32,100 હતો. મુંબઈમાં રૂા. 20ના મામૂલી સુધારામાં રૂા. 31,565 હતો. ચાંદી ન્યૂ યોર્કમાં 14.58 ડૉલર હતી. સ્થાનિક બજારમાં એક કિલોએ રૂા. 100ના સુધારામાં રૂા. 37,900 હતી. મુંબઈમાં રૂા. 80 ઘટીને રૂા. 37,450 હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer