ખેડૂતોને ઊંચા ભાવ સુનિશ્ચિત કરતી યોજનાઓ સરકારની નિયમાવલિમાં અટવાઈ

ખેડૂતોને ઊંચા ભાવ સુનિશ્ચિત કરતી યોજનાઓ સરકારની નિયમાવલિમાં અટવાઈ
નવી દિલ્હી, તા. 14 ડિસે.
ભાજપનું શાસન ધરાવતાં રાજ્યો સહિતનાં ઘણાં રાજ્યોએ સાથ આપવાનો ઈનકાર કરી દેતાં સરકારની ખેડૂતોને વધુ ઊંચા લઘુતમ ટેકાના ભાવની ખાતરી આપવાની મહાત્ત્વાકાંક્ષી યોજના અટવાઈ પડી છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને ઓછામાં ઓછું 50 ટકા નફાનું માર્જિન મળે તે સુનિશ્ચિત કરવા આ વર્ષે પાકના લઘુતમ ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. સરકારે પ્રધાન મંત્રી અન્નદાતા આય સંરક્ષણ યોજના (પીએમ-ઓઓએસએચએ - પીએમ-આશા) નામે નવી પૉલિસી પણ જાહેર કરી છે, જેથી વધુને વધુ ખેડૂતોને ટેકાના વધેલા ભાવનો લાભ મળે.
નવી પૉલિસી અૉક્ટોબરમાં ખરીફ લણણીની સિઝનથી અમલમાં આવી છે. આ નીતિ હેઠળ ત્રણ યોજનાઓ - કઠોળ અને અન્ય પાક માટે ટેકાના ભાવની યોજના, તેલીબિયાં માટે ભાવમાં નુકસાનની ચુકવણીની યોજના તેમ જ ખાનગી ક્ષેત્ર પાસેથી અન્ન પ્રાપ્તિની પ્રાયોગિક યોજના સામેલ છે.
અત્યાર સુધીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સહિત માત્ર 11 રાજ્યોએ ટેકાના ભાવની યોજના અમલમાં મૂકી પણ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિતના મુખ્યત્વે કૃષિ ઉપર નિર્ભર રાજ્યોએ કેન્દ્ર સરકારના કઠોર નિયમોને કારણે આ યોજનાનો લાભ લેવાનું ટાળ્યું છે.
કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકા હેઠળ રાજ્યોએ ટેકાના ભાવની યોજનાનો લાભ લેતાં પહેલાં એવા ખેડૂતોની અગાઉથી નોંધણી કરાવવાની રહેશે, જે ખેડૂતો સરકારી એજન્સીઓને લઘુતમ ટેકાના ભાવે પોતાનો પાક વેચી શકે. જે રાજ્યો પાસે અગાઉથી નોંધાયેલા ખેડૂતોની યાદી નથી, તે રાજ્યો ટેકાના ભાવની નવી યોજનાનો અમલ કરી શકે તેમ નથી. 
વધુ એક વિવાદાસ્પદ શરત એ છે કે રાજ્યોએ કેન્દ્ર સરકાર દ્વારા સુધારેલા એગ્રિકલ્ચર પ્રોડયુસ માર્કેટિંગ કમિટી એક્ટ (એપીએમસી એક્ટ) માટે પ્રતિબદ્ધતા દર્શાવવાની રહેશે. આ એક્ટ હેઠળ માન્ય માર્કેટ યાર્ડ્સની બહાર ખેત પેદાશનું વેચાણ કરી શકાશે, જેના પગલે મધ્યસ્થીની જરૂર નહીં રહે અને મંડીના વેરા ઘટશે.
એક ટોચના સરકારી અધિકારીએ જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે એપીએમસી એક્ટના અમલીકરણ માટે પ્રતિબદ્ધતા માગી છે, તેના ફરજિયાત પાલનની શરત મૂકી નથી. પીએમ-આશા હેઠળની અન્ય બે યોજનાઓનું અમલીકરણ હજુ બાકી છે.
ભાવમાં નુકસાનની ચુકવણીની યોજના હેઠળ વેચાણ ભાવ, જો લઘુતમ ટેકાના ભાવ કરતાં નીચો હોય તો તફાવતની રકમ ખેડૂતોને રાહતરૂપે ચૂકવવામાં આવે છે. એકમાત્ર મધ્યપ્રદેશે આ યોજનાનો લાભ લીધો છે. પરંતુ તેનું સ્વરૂપ બદલ્યું છે. મધ્યપ્રદેશ સરકારે આ યોજનાને સંમતિ આપી છે. પરંતુ તે સોયાબીન અને મકાઈના ખેડૂતોને તેમના વેચાણ ભાવને ગણતરીમાં લીધા વિના પ્રતિ ક્વિન્ટલ રૂા. 500 ચૂકવે છે.
પરંતુ મધ્યપ્રદેશમાં આ યોજના નિષ્ફળ ગઈ હોવાથી અન્ય રાજ્યો તેનાથી અળગાં રહ્યાં છે. યોજનાને પગલે મધ્યપ્રદેશમાં સોયાબીનનો ભાવ મોટા પાયે તૂટયો હતો. કૃષિ મંત્રાલયના અધિકારીના જણાવ્યા મુજબ આ વર્ષે આ યોજના હેઠળ નજીવો ખર્ચ નોંધાશે, કેમકે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન જેવી ખરીદ સંસ્થાઓએ પ્રાપ્તિ માટે વધુ ધિરાણો આપ્યાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer