રિલાયન્સ ઈન્ડ.ની જામનગર રિફાઈનરીનું વિસ્તરણ

રિલાયન્સ ઈન્ડ.ની જામનગર રિફાઈનરીનું વિસ્તરણ
પર્યાવરણ મંત્રાલયની બુધવારે મિટિંગ
મુંબઈ, તા.14 ડિસે.
મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ  જામનગરના સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (એસઈઝેડ)માં આવેલી નિકાસલક્ષી અૉઈલ રિફાઈનરીની ક્ષમતા 58 લાખ ટન (8.5 ટકા) વધારવા માગે છે. 
રિલાયન્સે વર્ષ 1998માં જામનગરમાં રિફાઈનરી સ્થાપી ત્યારે તેની ક્ષમતા 3.3 કરોડ ટન હતી. આ રિફાઈનરીમાં બનતા પેટ્રોલિયમ પ્રોડકટ્સનું વેચાણ મુખ્યત્વે સ્થાનિક બજારમાં થતું હતું. 2008માં એસઈઝેડ પ્લાન્ટનો ઉમેરો થતા આ જામનગર સંકુલ વિશ્વમાં સૌથી મોટું અૉઈલ પ્રોસેસિંગ હબ બન્યું હતું. પ્લાન્ટના મોટા ભાગની પ્રોડકટ્સનું વેચાણ વિદેશમાં થાય છે. એસઈઝેડ રિફાઈનરીની વર્તમાન ક્ષમતા 3.52 કરોડ ટન ક્રૂડના પ્રોસેસિંગની છે. 
પર્યાવરણ મંત્રાલય બુધવારે ક્ષમતા વધારવાની દરખાસ્ત વિશે ચર્ચા કરશે. પ્રસ્તાવિત યોજનાથી જામનગર રિફાઈનરીની ક્ષમતા વધીને 7.4 કરોડ ટનની થશે. જાનગર રિફાઈનરીએ ગયા વર્ષે 6.98 કરોડ ટન ક્રૂડતેલનું પ્રોસેસ કર્યું હતું, જે તેની સ્થાપિત ક્ષમતા 6.82 કરોડ ટનથી વધુ છે. ભારત હવે અગ્રમી રિફાઈનર તરીકે આગળ આવ્યું છે. અમેરિકા, ચીન અને રશિયા બાદ ભારતનો રિફાઈનર તરીકે ચોથો ક્રમ છે. દેશની 23 રિફાઈનરીઓની કુલ પ્રોસેસિંગ ક્ષમતા 24.76 કરોડ ટનની છે, જે સ્થાનિક માગની સાથે એશિયાના અન્ય દેશોની માગ પણ પૂરી કરે છે. 
ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઈએ)ના મતે વર્ષ 2040 સુધીમાં પેટ્રોલિયમ પ્રોડકટ્સની માગ બમણાથી પણ વધીને 45.8 કરોડ ટનની થશે. દેશમાં પેટ્રોલિયમ ઉપ્તાદનોની માગ વધવાથી ભારત રિફાઈનર ક્ષમતામાં ઉમેરો કરી રહ્યું છે. મહારાષ્ટ્રના રત્નાગિરિની રિફાઈનરીમાં સાઉદી અરેબિયન અૉઈલ કંપની, અબુ ધાબી નેશનલ અૉઈલ કંપની, ઇન્ડિયન અૉઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન દ્વારા 6 કરોડ ટનની ક્ષમતાની રિફાઈનરી સ્થાપવાની છે. 
રશિયાની અૉઈલ અગ્રણી કંપની રોસનેફ્ટ પીજેએસસીના ટેકે નયારા એનર્જી લિમિટેડ દેશની બીજા ક્રમની રિફાઈનરીનું સંચાલન કરે છે, જે ગુજરાતના વાડીનારમાં આવેલી છે. આ રિફાઈનરીની ક્ષમતા 2 કરોડ ટનની છે. ક્ષમતા વધારીને 4.6 કરોડ ટન કરવા માટેની પર્યાવરણિય મંજૂરી મળી છે. ભારત ઓમાન રિફાઈનરી લિ. (બીઓઆરએલ) મધ્ય પ્રદેશના બિનામાં 78 લાખ ટન ક્ષમતાની રિફાઈનરી ચલાવે છે, જેની ક્ષમતા બમણી કરીને 1.55 કરોડ ટન કરવામાં આવશે. બીઓઆરએલમાં ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ. અને ઓમાન અૉઈલ કંપનીનું સરખુ સંયુક્ત સાહસ છે. સરકાર હસ્તક હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન રાજસ્થાનના બરમેરમાં 90 લાખ ટન ક્ષમતાની રિફાઈનરી સ્થાપી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer