સ્ટેચ્યુ અૉફ યુનિટી જવા રેલ કનેક્ટિવિટી મળશે

સ્ટેચ્યુ અૉફ યુનિટી જવા રેલ કનેક્ટિવિટી મળશે
રાષ્ટ્રપતિ દ્વારા આજે કેવડિયા રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત થશે
 
અંદાજે રૂા. 20 કરોડના ખર્ચે ત્રણ માળનું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે કેવડિયા રેલવે સ્ટેશન
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 14 ડિસે.
સ્ટેચ્યુ અૉફ યુનિટી સુધી પ્રવાસીઓને પહોંચવામાં સરળતા રહે તે માટે ભારતીય રેલવે દ્વારા કેવડિયા ખાતે અંદાજે રૂા.20 કરોડના ખર્ચે રેલવે સ્ટેશન બનાવવામાં આવનાર છે. અત્યાધુનિક રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત આવતીકાલે 15 ડિસેમ્બરે સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથિએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. આ અવસરે કેન્દ્રીય રેલવેપ્રધાન પીયૂષ ગોયલ અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. 
સ્ટેચ્યુ અૉફ યુનિટી પ્રતિમાથી માત્ર 3.5 કિલોમીટર દૂરના અંતરે આવેલા કેવડિયા નગર ટૂંક સમયમાં રેલવેના નકશામાં સામેલ થવાનું છે. આ રેલવે સ્ટેશનનું કામ 4 સપ્ટેમ્બર, 2019 સુધી પૂરું કરવાનું આયોજન છે. હાલ પશ્ચિમ રેલવે ડભોઇ અને ચાંદોદ સ્ટેશનો વચ્ચે 18 કિલોમીટરમાં ગેજ પરિવર્તન કરી રહી છે, જે બાદ આ લાઇનને 32 કિલોમીટર દૂર કેવડિયા સુધી લંબાવવામાં આવશે. 
નવું સ્ટેશન ત્રણ માળનું હશે, જેમાં પ્રથમ બે માળમાં રેલવે સાથે સંકાળાયેલી સુવિધાઓ અને કાર્યાલયો હશે. જ્યારે ત્રીજા માળે એક આર્ટ ગેલેરી બનાવવામાં આવશે, જેમાં સ્થાનિક આદિવાસી કલા અને શિલ્પકલાનું પ્રદર્શન યોજવામાં આવશે. આમ કેવડિયાને ટૂંક સમયમાં જ પોતાનું રેલવે સ્ટેશન મળશે. 
અહીં નોંધવું ઘટે કે, સ્ટેચ્યુ અૉફ યુનિટીનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 31 અૉક્ટોબરે લોકાર્પણ કર્યું ત્યારબાદના 11 દિવસમાં જ આ સ્મારકની મુલાકાત લેનારાઓની સંખ્યા આશરે 1.3 લાખ નોંધાઇ હતી અને અત્યારે તેમાં ઉત્તરોત્તર સતત વધારો થતો રહ્યો છે. હાલ કેવડિયા પહોંચવા માટે સીધી વિમાની સેવા કે રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ નથી. કેવડિયાની સૌથી નિકટનું રેલવે સ્ટેશન વડોદરા છે, જે 71.94 કિલોમીટરના અંતરે આવેલું છે. ભરૂચ રેલવે સ્ટેશન 75.36 કિલોમીટર અને અંકલેશ્વર રેલવે સ્ટેશન 77.95 કિલોમીટરના અંતરે આવેલું છે.  મિયા ગામ કરજણ નામનું એક નાનકડું રેલવે સ્ટેશન પણ કેવડિયાથી 63.02 કિલોમીટર દૂર આવેલું છે.  આ વિસ્તારને કનેક્ટિવીટીની સમસ્યા નડી રહી છે, આ પ્રશ્ન હવે દૂર થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer