રફાલ સોદામાં શંકા કરવા માટે કારણ નથી : સુપ્રીમ કોર્ટ

રફાલ સોદામાં શંકા કરવા માટે કારણ નથી : સુપ્રીમ કોર્ટ
તપાસની અરજીઓ ફગાવાઈ
નવી દિલ્હી, તા. 14 ડિસે.
રફાલ લડાયક વિમાનો ખરીદવા માટે ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલા સોદાની અદાલતની દેખરેખ હેઠળ તપાસ માગતી તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી.
મોદી સરકાર માટે રાહતરૂપ ચુકાદામાં અદાલતે જણાવ્યું હતું કે ખરીદી માટે અનુસરવામાં આવેલી પ્રક્રિયા સંતોષકારક છે અને વિમાનની કિંમતમાં કે ઓફસેટ ભાગીદારની પસંદગીમાં તેણે હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ નથી.
`છત્રીસ રફાલ વિમાનની ખરીદીનો કોન્ટ્રાકટ આપવાના નિર્ણયની પ્રક્રિયા વિશે શંકા કરવાનું કોઈ કારણ નથી. ભાવની સરખામણીની વિગતોમાં ઉતરવાનું કામ અદાલતનું નથી', એમ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના વડપણ નીચેની ત્રણ જણાની બેન્ચે જણાવ્યું હતું.
`અમે સરકારને 126 વિમાનો ખરીદવાની ફરજ પાડી શકીએ નહીં અને અદાલત માટે પ્રત્યેક પાસાંની વિગતમાં ઉતરવું યોગ્ય નથી,' એમ જસ્ટિસ ગોગોઈએ જણાવ્યું હતું. `દેશને લડાયક વિમાનોની જરૂર છે. તેના વગર તે ચલાવી શકે નહીં.'
ચુકાદાની ટીકા કરતાં અરજદાર અને ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે અમારા મતે અદાલતનો ફેંસલો તદ્દન અયોગ્ય છે. અમારી ઝુંબેશ ચાલુ રહેશે. ચુકાદાની સમીક્ષા માટે અરજી દાખલ કરવી કે નહીં તે વિશે અમે નિર્ણય લઈશું.
ચુકાદાને વધાવી લેતા ભારતીય જનતા પક્ષે માગણી કરી હતી કે ચૂંટણી ઝુંબેશ દરમિયાન રફાલ મુદ્દે વડા પ્રધાન મોદી સામે ગમે તેવા આક્ષેપો કરવા બદલ કૉંગ્રેસે અને તેના પ્રમુખ રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ.
`બધા સોદા બોફોર્સ જેવા હોતા નથી. એ તો કૉંગ્રેસની સંસ્કૃતિ અને પરંપરા છે. તેની ટોચની નેતાગીરીએ રાષ્ટ્રીય સલામતીના ભોગે આવા સોદાઓમાંથી કમાણી કરી છે. રાહુલ ગાંધી અને કૉંગ્રેસે વડા પ્રધાન સામે ખોટા આક્ષેપો કરવા બદલ તેમની માફી માગવી જોઈએ,' એમ ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસેને જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer