આરબીઆઈ બોર્ડે કેપિટલ ફ્રેમવર્કના અણિયાળા મુદ્દાની ચર્ચા ટાળી

આરબીઆઈ બોર્ડે કેપિટલ ફ્રેમવર્કના અણિયાળા મુદ્દાની ચર્ચા ટાળી
શક્તિકાંત દાસના અધ્યક્ષપદ હેઠળની પહેલી મિટિંગ 
 
એજન્સીઝ       
નવી દિલ્હી, તા. 14 ડિસે.
રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ઈકોનોમિક કેપિટલ ફ્રેમવર્કના અણિયાળા મુદ્દા ઉપર ડિરેકટર બોર્ડની આજની મિટિંગમાં કોઈ નિર્ણય લેવાયો નહોતો. આરબીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે આજની મિટિંગમાં કેપિટલ ફ્રેમવર્ક વિશે ચર્ચા થઈ હતી, જેમાં એવો નિર્ણય લેવાયો હતો કે આ વિશે વધુ ચર્ચાની જરૂર છે. રિઝર્વ બૅન્કના ગવર્નર તરીકે શક્તિકાંત દાસની બુધવારે નિમણૂક થઈ તે પછી આજે તેમના અધ્યક્ષપદે પહેલી મિટિંગ મળી હતી. જે મુદ્દા ઉપર ભૂતપૂર્વ ગવર્નર ઊર્જિત પટેલે ગયા સોમવારે અણધાર્યું રાજીનામું આપ્યું તે મુદ્દાની ચર્ચા થઈ, પણ ધારણા મુજબ કોઈ નિર્ણય લેવાયો નહોતો.
રિઝર્વ બૅન્ક પાસે અત્યારે રૂા. 9.69 લાખ કરોડની મૂડી છે. આરબીઆઈ બોર્ડના સભ્ય અને સ્વદેશી ચળવળના અગ્રણી એસ. ગુરુમૂર્તિએ આ મૂડી આંતરરાષ્ટ્રીય ધોરણો કરતાં વધુ હોવાનો અભિપ્રાય આપ્યો છે. આરબીઆઈ બોર્ડે આગલી મિટિંગમાં આ મૂડી માળખાનું યોગ્ય કદ નક્કી કરવા માટે એક સમિતિની નિમણૂક કરવામાં આવી છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ સૂચિત સમિતિની કાર્યસૂચિ અને સભ્યોનાં નામ હવે પછી જાહેર કરવામાં આવશે.
રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયાના નવા ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળ મળેલી સેન્ટ્રલ બૅન્કની બોર્ડ મિટિંગમાં વર્તમાન આર્થિક પરિસ્થિતિ અને વિવિધ દેશી-વિદેશી પડકારોની સમીક્ષા કર્યા બાદ આ અહેવાલ પ્રગટ કરાયો હતો. બોર્ડે આ ઉપરાંત નાણાકીય પ્રવાહિતા, ક્રેડિટ ડિલિવરી, ચલણ વ્યવસ્થાપન, નાણાકીય શિક્ષિતતા જેવી બાબતો ધ્યાનમાં લીધી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer