બૅન્કોનો ધિરાણ વૃદ્ધિદર 15.11 ટકા વધ્યો

મુંબઈ, તા. 8 જાન્યુ.
બૅન્કોની એકંદર ક્રેડિટ વૃદ્ધિ સશક્ત રહી છે અને 21 ડિસેમ્બરે પૂરા થયેલા પખવાડિયામાં 15.11 ટકા વધીને રૂા. 92.87 લાખ કરોડ જ્યારે ડિપોઝિટ વૃદ્ધિ 9.22 ટકા વધીને રૂા. 118.18 લાખ કરોડ થઈ છે.
ગયા વર્ષના સમાનગાળામાં ધિરાણ રૂા. 80.68 લાખ કરોડ અને ડિપોઝિટ્સ રૂા. 108.21 લાખ કરોડની થઈ હતી. સાતમી ડિસેમ્બરે પૂરા થયેલા પખવાડિયામાં, ધિરાણની પ્રોત્સાહક ગતીની સાથે 15.07 ટકાએ રૂા. 92.03 લાખ કરોડ અને ડિપોઝિટની વૃદ્ધિ 9.66 ટકાના નજીવા દરે રૂા. 118.84 લાખ કરોડ થઈ હતી.
ક્રેડિટ માગમાં ચાલુ રહેલા વધારાથી વિકાસ અને રોજગારીમાં વૃદ્ધિ આવી શકે છે અને એમએસએમઈને વિશેષ વહેંચણીની સાથે ફરી ઉત્તેજના આવવાની શક્યતા છે. આરબીઆઈએ ડિસેમ્બરના અંતે રજૂ કરેલા ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ એફએસઆરમાં જણાવ્યા મુજબ બૅન્કોમાં માર્ચથી સપ્ટેમ્બર 2018માં વાર્ષિક ધોરણે ધિરાણ વૃદ્ધિ વ્યાપક પણે ખાનગી ક્ષેત્રની બૅન્કોમાં (માર્ચની 21.3 ટકાથી વધીને સપ્ટેમ્બર 2018માં 22.5 ટકા) સુધરી છે.
સરકાર હસ્તકની બૅન્કોની ક્રેડિટ માર્ચમાં 5.9 ટકા હતી તે 2018માં વૃદ્ધિ પામીને 9.1 ટકા થવાની સાથે એકંદર કામગીરીમાં સુધારો થયો છે.
તેજ પ્રમાણે જાહેરક્ષેત્રની બૅન્કોની માર્ચ 2018ની 3.2 ટકાથી વધીને સપ્ટેમ્બરમાં પાંચ ટકા થઈ હતી એમ એફએસઆર અહેવાલમાં જણાવ્યું છે.
નોન ફૂડ (કોર બૅન્કિંગ સિવાય) બૅન્કોની ક્રેડિટ નવેમ્બર 2018માં વધીને 13.8 ટકા થઈ હતી જે ગયા વર્ષના સમાનસમયે 8.8 ટકા હતી.
કૃષિ અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓનું ધિરાણ નવેમ્બર 2018માં 7.7 ટકા થયું હતું જે ગયા વર્ષના આ સમયે 8.4 ટકા હતું. તેજ પ્રમાણે સર્વિસ ક્ષેત્રે ધિરાણ નવેમ્બરમાં વધીને 28.1 ટકા થયું હતું જે નવેમ્બર 2017માં 14 ટકા હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer