પાક માટે પાણી છોડવા સુરતમાં કિસાન રૅલી

પાક માટે પાણી છોડવા સુરતમાં કિસાન રૅલી
વીમા-ભાવ પ્રશ્ને આવેદન અપાયાં
 
ગુજરાત-સૌરાષ્ટ્રમાં કલેક્ટરને જિલ્લાવાર આવેદનપત્રો આપીને ખાતામાં $ 10 હજાર જમા કરાવવા માગ
 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, રાજકોટ. તા. 8 જાન્યુ.
ચોમાસું નબળું જતાં જગતનો તાત મુશ્કેલીઓ અનુભવી રહ્યો છે. ગત વર્ષની માફક આ વર્ષે પણ ખેડૂતોએ સિંચાઈનાં પાણી માટે રસ્તા પર ઉતરવાની નોબત આવી છે. ખેડૂતોનાં દાવા મુજબ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પર્યાપ્ત પાણી હોવા છતાં સિંચાઈ વિભાગ પોતાની મનમાની ચલાવીને ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડી રહ્યું છે. ખેડૂતોએ આજે વિશાળ સંખ્યામાં રૅલી કાઢીને સિંચાઈ વિભાગને આવેદનપત્ર આપી ડાબી અને જમણી બન્ને કેનાલમાંથી નક્કી કરેલાં દિવસે પાણી છોડવાની માગ કરી છે. 
બીજી તરફ ખેડૂતોને અપૂરતા ભાવ અને વીમામાં પડતી તકલીફો સામે સરકાર કશું જ કરતી નથી. આ મુદ્દે કિસાન સંઘ રોષે ભરાતા તમામ જિલ્લા મથકોએ કલેક્ટરને આવેદન પત્રો આપવામાં આવ્યા હતા.
ભારતીય કિસાન સંઘ, રાજકોટના કહેવા પ્રમાણે, દેવા નાબૂદી કિસાનોની સમસ્યાઓનો ઉકેલ નથી. તમામ કિસાનોના ખાતામાં સરકાર એકર દીઠ 10 હજાર રૂપિયા જમા કરાવે તેવી માગણી અમે કરી છે.  અગાઉ કિસાનો કા અનુદાન કિસાનો કે ખાતે મેં એવો ઠરાવ ત્રણ વર્ષ પૂર્વે રાષ્ટ્રીય અધિવેશનમાં કરવામાં આવ્યો હતો. કિસાનોને આવા કોઇ લાભ મળ્યા નથી. ઉલ્ટું બેઇજજતી થઇ રહી છે.
સંઘ દ્વારા જિલ્લા મથકોએ મુખ્ય પ્રધાનને સંબોધીને આવેદનપત્ર કલેક્ટરો મારફત પહોંચાડવામાં આવ્યા હતા. કિસાનો અછતની સ્થિતિ, પાક વીમાની ચૂકવણી, સિંચાઇના પાણી, વીજદર, કૃષિ ક્ષેત્ર ઉપરનો જીએસટી ઉઠાવી લેવાની માગણી પણ કરી રહ્યા છે.
ખેડૂત સમાજ ગુજરાતની આગેવાની હેઠળ આજે સુરત શહેરનાં જહાંગીરપુરા જીન ખાતેથી ખેડૂતોની એક વાહનરૅલી યોજાઈ હતી. જે શહેરનાં સ્ટારબજાર જંકશન પાસે પગપાળામાં ફેરવાઈ હતી. સ્ટારબજાર જંકશનથી કેબલ સ્ટેઈડ બ્રિજ થઈને ખેડૂતોએ પગપાળા સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચીને અધિકારીને આવેદનપત્ર સોંપ્યું હતું. ખેડૂતોની રૅલીમાં ભાજપનાં ધનસુખભાઈ પટેલ જોડાતાં ચર્ચા ચાલી હતી. જોકે, ધનસુખભાઈએ રૅલીની આગેવાની કરીને શાસકપક્ષ સામે ખેડૂતોનાં પ્રશ્નોને વાચા આપતાં ખેડૂતો ખુશ થયા હતા. ખેડૂતોએ સિંચાઈ વિભાગની કચેરીએ માટલાં ફોડી ધરણા-પ્રદર્શન કર્યું હતું.
ખેડૂતોએ દાવો કર્યો છે કે દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે શેરડી, ડાંગર અને શાકભાજીનાં રૂા. 5હજાર કરોડનાં પાક લેવામાં આવે છે. પાક માટે 82 દિવસ પાણીની જરૂર છે. સિંચાઈ વિભાગ પાણી છોડી શકવાની ક્ષમતા ધરાવતું હોવા છતાં પાણી છોડવામાં આનાકાની કરે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer