બીટી કપાસિયાની પેટન્ટનો કેસ મોન્સાન્ટો જીતી ગઈ

બીટી કપાસિયાની પેટન્ટનો કેસ મોન્સાન્ટો જીતી ગઈ
કલ્પેશ શેઠ
મુંબઈ, તા. 8 જાન્યુ.
કૃષિ વિકાસ સંશોધન અને જીએમ બિયારણ વેચતી બહુરાષ્ટ્રીય  કંપનીઓ માટે ખુશીના સમાચાર આપતો ચુકાદો સુપ્રીમ કોર્ટે આજે આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે ભારતમાં પણ બિયારણ તથા રોપાના ઉછેર માટે પેટન્ટનો દાવો કરી શકાય છે. મોન્સાન્ટો કંપનીનાં જીએમ કપાસિયાની પેટન્ટ અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસમાં આ ચુકાદો આવ્યો હતો. કોર્ટ આ ચુકાદા સાથે જ મોન્સાન્ટોના શૅરનાં ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
આ અગાઉ મોન્સાન્ટો ઇન્ડિયાનો કેસ દિલ્હી હાઈ કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે ભારતીય કાયદાઓ પ્રમાણે બિયારણ રોપા તથા પ્રાણીઓની પેટન્ટ સંભવ નથી. પણ સુપ્રીમ કોર્ટે નવો ચુકાદો આપતા હવે મોન્સાન્ટો, બાયર, ડ્યુપોન્ટ પાયોનિયર તથા સાયન્જેન્ટા જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓને ભારતમાં કારોબાર વધવાની સંભાવનાઓ વધી જાય છે.  
અત્રે ઉલ્લેખનીય છે કે માહ્કો મોન્સાન્ટો બાયોટેક ઇન્ડિયા (એમએમબી) કંપની એ ભારતની મહારાષ્ટ્ર હાઇબ્રિડ સીડ્સ કંપની (મ્હાયકો) અને મોન્સાન્ટો વચ્ચેનું સંયુક્ત સાહસ છે. આ કંપની જીનેટિકલી મોડીફાઇડ (જીએમ) કપાસિયાનું વેચાણ કરે છે અને ભારતમાં 40 જેટલી બિયારણ વેચતી કંપનીઓને માલ પૂરો પાડે છે. આ કંપનીઓ ત્યાર બાદ રિટેલ માર્કેટ મારફત ખેડૂતોને બિયારણ વેચે છે. હાલમાં 90 ટકા જેટલા વિસ્તારોમાં બીટી કોટનનું જ વાવેતર થાય છે જે લાંબા તારના કપાસનું બિયારણ છે અને સૌરાષ્ટ્રમાં જ્યાં નર્મદાની નહેરોની સુવિધા થતી જાય છે ત્યાં ખેડૂતો વી-797 કપાસના સ્થાને બીટી કપાસનું વાવેતર કરે છે. હવે પછી જો આ ચુકાદાનો અમલ થાય તો રોયલ્ટી મળવાનું શરૂ થતાં મોન્સાન્ટોની બેલેન્સશીટ મજબૂત થઇ શકે છે. સામા પક્ષે ખેડૂતોએ બિયારણનાં વધારે નાણાં ચુકવવાં પડશે.
આ ચુકાદો મોન્સાન્ટોની સ્થાનિક બિયારણ કંપનીઓ સાથેની વર્ષો જૂની લડતનું પરિણામ કહી શકાય જેમાં પ્રભાત એગ્રી બાયોટેક, અમર બાયોટેક તથા શ્રી રામ એગ્રી જીનેટિકસ જેવી કંપનીઓ ચુકવણા માટે તૈયાર નહોતી અને 425 કરોડ રૂપિયાથી વધારેની વસુલી અટકી ગઇ હતી. ભારતમાં પેટન્ટના મામલે ચિત્ર ધૂંધળું હોવાથી મોન્સાન્ટોએ કપાસના બિયારણની નવી વિકસાવેલી ત્રણ જાતો ભારતમાં અૉફર કરી નહોતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer