ઈલેક્ટ્રીક બજારનો બહોળો વેપારી વર્ગ જીએસટીથી સંતુષ્ટ

ઈલેક્ટ્રીક બજારનો બહોળો વેપારી વર્ગ જીએસટીથી સંતુષ્ટ
જોકે, ટૅક્સ-સ્લૅબમાં વારંવારના સુધારા અને રિફંડમાં વિલંબથી પરેશાન
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.8 જાન્યુ.
જીએસટી અમલમાં આવ્યા બાદ ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચેની બજારની સાંકળ સમાન ડીલરો અને ડિસ્ટ્રિબ્યુટરો તેમ જ રિટેલરોને ખાસ પરેશાની નથી તેથી બહોળો વેપારી વર્ગ જીએસટીથી ખુશ છે, એમ ઇલેક્ટ્રિક મર્ચન્ટ ઍસોસિયેશન (ઇમા)ની ટેક્સેસન કમિટીના ચૅરમેન યોગેશ ધારિયાએ જણાવ્યું હતું.
દેશભરમાં એક સમાન કરપ્રણાલી ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) જુલાઇ 2017થી અમલમાં આવ્યા બાદ નાના અને મધ્યમ ઉત્પાદકો જ નહીં મોટા ઉદ્યોગકારો તેમ જ આયાત-નિકાસકારો પરેશાન હોવાની ચર્ચા ઊઠી છે. કેટલાંય ક્ષેત્રોમાં જૉબ વર્ક કરતા ગૃહઉદ્યોગો ઠપ થયા હોવાના કારણે બેરોજગારી વધતી જતી હોવાનું પણ સંભળાઇ રહ્યું છે. ખાસ કરીને આ નવી કરપ્રણાલી સમજવામાં સમય લાગે છે અને છેલ્લાં દોઢ વર્ષમાં જીએસટી કાઉન્સિલે વારંવાર જીએસટીના સ્લેબમાં ફેરફારો કર્યા તેના કારણે હિસાબ-કિતાબમાંથી જ ઉદ્યોગકારો-વેપારીઓ ઉંચા નથી આવતા અને આયાત-નિકાસકારો તેમ જ ઉત્પાદકોને તેમના ટૅક્સ રિટર્ન નથી મળ્યાં તેથી બજારમાં નાણાભીડનો ઉહાપોહ વધતો જાય છે.
ઇલેક્ટ્રિક સામાનના ડીલર, ડિસ્ટ્રિબ્યુટર તેમ જ દુકાનદારો જીએસટીથી ખુશ છે. ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચેની સાંકળરૂપ વેપારી વર્ગ દર મહિને પરચેઝ અને સેલિંગનું સરવૈયું કાઢી એટલે મોટા ભાગે કર સરભર થઇ જાય છે અને ક્રેડિટ-ડેબિટ બાકી રહે તો બીજા મહિને તે પણ સેટલ થઇ જાય છે. જીએસટી બાદ વેપારમાં વધારો થયો છે અને બજારોમાં તેજી આવતી જાય છે. પારદર્શિતા આવતાં કરચોરી જેવા ખોટા ધંધા બંધ થયા. જીએસટીમાં સ્લૅબ પ્રમાણે ગણતરી કરીએ તો મોટા ભાગની જીવનોપયોગી વસ્તુઓમાં ભાવવધારા પર અંકુશ આવ્યો છે. ટૅક્સ ઓછો થવાથી વેપારીઓ સામેથી સિસ્ટમમાં જોડાયા, તેથી સરકારની આવક વધી અને બધું હિસાબમાં હોય એટલે વેપારીઓના પૈસા અગાઉ ફસાતા તેવા કેસો હવે જૂજ બને છે.
ઇમિટેશન જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એન્ડ ડિસ્ટ્રિબ્યુટર્સ ઍસોસિયેશનના પ્રમુખ અતુલ ધનેશાએ જણાવ્યું હતું કે ઇમિટેશન જ્વેલરી માર્કેટનું કુલ ટર્ન અૉવર 20 ટકા ડાઉન છે પરંતુ તેને મંદી ન કહી શકાય. નોટબંધીની અસર ઓસર્યા બાદ જીએસટીના અમલથી તત્કાળ જે તકલીફ હતી તેમાં થોડી રાહત છે, પરંતુ 15 ટકા મેન્યુફેક્ચરર્સને જીએસટી રિફંડ નથી મળ્યાં, ઇનપુટ કોસ્ટ 18 ટકા અને આઉટપુટ ત્રણ ટકા એવી હાલત છે. પાંચ હજાર જેટલા મેન્યુફેક્ચરર્સના મળી પાંચસો કરોડ રૂપિયા ફસાયેલા છે, સરવાળે માર્કેટમાં નાણાભીડ છે. ઉત્પાદકો અને એક્સપોર્ટરો સહિત લગભગ અઢીસો વેપારીઓને મળી સો કરોડ રૂપિયાનું ટૅક્સ રિફંડ નથી આવ્યું તેથી નાના ઉત્પાદકો નાણાભીડથી તૂટી ગયા છે અને કેટલાય એક્સપોર્ટરોના આર્થિક વ્યવહારો અટકી ગયા છે. સરકારે મોટા ઉદ્યોગો પર ધ્યાન આપ્યું છે પરંતુ ગૃહ અને નાના ઉદ્યોગો પર પૂરતું ધ્યાન નથી આપ્યું એવું અમને લાગી રહ્યું છે. 
ઇમિટેશન જ્વેલરીની વિખ્યાત બ્રૅન્ડના એક એક્સપોર્ટરના જણાવ્યા પ્રમાણે ભારતની ઇમિટેશન જ્વેલરી આફ્રિકા, ગલ્ફ અને અમેરિકા, યુરોપમાં નિકાસ થાય છે, પરંતુ નિકાસમાં વીસ ટકાથી વધુ ઘટાડો થયો છે. તેનું કારણ એ છે કે અગાઉ સરકાર એક્સપોર્ટરોને પિતળનું રિબેટ કિલોએ 140 રૂપિયા આપતી હતી, જે હવે ઘટાડીને કિલોએ માત્ર ચાર રૂપિયા કરી નાખવામાં આવ્યું છે. એમાં રિફંડ અટકી જતાં મેન્યુફેક્ચરર્સની પ્રોડક્શન કોસ્ટ  અને નિકાસકારનું રોકાણ ચીનના સામાન કરતાં વધી ગયું છે તેથી આપણી ઇમિટેશન જ્વેલરીની નિકાસમાં ગાબડું પડયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer