ખેડૂતોની આવક બમણી કરવાની ભલામણોના અમલની જવાબદારી દલવાઈ કમિટીને સોંપાઈ

ખેડૂતોની આવક બમણી કરવાની ભલામણોના અમલની જવાબદારી દલવાઈ કમિટીને સોંપાઈ
નવી દિલ્હી, તા. 8 જાન્યુ.
વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું પોતાનું વચન પાળી શકાય તે માટે સરકારે અશોક દલવાઈ કમિટીને તેની ભલામણોના અમલ ઉપર દેખરેખ રાખવાનું કામ સોંપ્યું છે. 
રેઇનફેડ એરિયા અૉથોરિટીના સીઈઓ અશોક દલવાઈના અધ્યક્ષસ્થાને ખેડૂતોની આવક બમણી કરવા (ડીએફઆઈ) માટે જે સમિતિ રચાયેલી છે, તે હવે વિવિધ મંત્રાલયો તેમ જ કૃષિ વિભાગના વિવિધ વિભાગો સાથે સહયોગ સાધીને અધિકારયુક્ત સંસ્થા તરીકે કામ કરશે. સૂચિત વ્યૂહરચનાઓના સરળ અમલીકરણ માટે કમિટી વિવિધ પેટા જૂથોની રચના કરશે.
કમિટી સંબંધિત તમામ હિતધારકો સાથે નિયમિત સમીક્ષા હાથ ધરશે તેમ જ વ્યૂહરચનાના અમલીકરણની પ્રગતિ ઉપર દેખરેખ રાખશે. કૃષિ મુખ્યત્વે રાજ્યનો વિષય હોવાથી અનેક ભલામણો રાજ્ય સરકારોને સાંકળે છે, એટલે કમિટી રાજ્યોની મુલાકાત પણ લેશે અને તેમની સાથે અમલીકરણ ઝડપી બનાવવા ચર્ચા કરશે. 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાત કર્યા બાદ આ લક્ષ્યાંક પૂરું કરવા માટે જરૂરી પગલાં સૂચવવા કેન્દ્ર સરકારે એપ્રિલ, 2016માં દલવાઈ કમિટીની રચના કરી હતી. 
કમિટીના અહેવાલ મુજબ વર્ષ 2022-'23માં ખેડૂતની લક્ષિત વાર્ષિક આવક રૂા. 1,72,694 (વર્ષ 2015-'16ના સતત ભાવને આધારે) તેમ જ હાલના ભાવને આધારે રૂા. 2,42,998 હોવી જોઈએ. વર્ષ 2016-'22 દરમિયાન 12.5 ટકાના દરે ખાનગી રોકાણો થવાં જરૂરી છે. તે જ રીતે જાહેર રોકાણો પણ 16.8 ટકાના દરે વધે તે જરૂરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer