સૌરાષ્ટ્રનાં નાનાં કારખાનેદારોને સુરતથી સસ્તા રફ હીરા મળશે

નાના એકમોને બચાવવા જીજેઈપીસીનો નવતર પ્રયોગ
 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 11 જાન્યુ.
રાજ્યમાં 25 લાખથી વધુ લોકોને સીધી રોજગારી પૂરી પાડતાં હીરાઉદ્યોગ દિવાળી પહેલાંથી જ મંદીનાં ઓછાયામાં છે. દિવાળી બાદ હજુ પણ સૌરાષ્ટ્રનાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટમાં નાના કારખાનો ખુલી શક્યા નથી. નાના એકમોને મંદીમાંથી ઉગારવા માટે સુરતથી સસ્તા રફ ડાયમંડ અપાવવાના જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે નવતર પ્રયોગ સાથે બીડું ઝડપ્યું છે. જેમાં રાજ્યભરનાં ડાયમંડ ઍસોસિયેશનનાં નેજા હેઠળ નાના કારખાનેદારોને સુરતથી સસ્તી રફ ડાયમંડ સપ્લાય કરાવવામાં આવશે.
જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનાં ગુજરાત રિજનનાં ચૅરમૅન દિનેશભાઈ નાવડિયાએ રાજ્યભરનાં ડાયમંડ ઍસોસિયેશનનાં પદાધિકારીઓ સાથે બેઠક યોજીને હીરાઉદ્યોગની પ્રવર્તમાન સ્થિતિની ચર્ચા કરી હતી. સૌરાષ્ટ્રસ્થિત હીરાનાં નાના કારખાનેદારો રફ ડાયમંડની સપ્લાય મળતી ન હોવાથી ધંધો કરી શકતા ન હોવાનું બહાર આવ્યું છે. રફ ડાયમંડનો ભાવ પણ ઊંચો હોવાથી નાના કારખાનેદારો માલ ખરીદી શકતા નથી. એવામાં નાના ધંધાર્થીઓ બેકાર બન્યા છે.
 ગુજરાતનાં હીરાઉદ્યોગને ટૂંકાગાળાની મંદીની આડ અસરથી બચાવવા માટે સમૂહ પ્રયાસ આદરવાની જરૂરિયાત છે. નાણાકીય સંસ્થાઓ હીરાઉદ્યોગને સહયોગ આપવા તૈયાર નથી. એવામાં ઍસોસિયેશનનાં સ્તરે નાના એકમોને સુરતથી સસ્તી રફ ડાયમંડની સપ્લાય થઈ શકે તેવા પ્રયાસો શરૂ કરવા નિર્ણય કરાયો છે. 
સાતથી આઠ હાથ બદલા બાદ ગામડામાં સ્થિત નાના કારખાનેદારોને રફ ડાયમંડ મળે છે. એવામાં નાના કારખાનેદાર સુધી રફ પહોંચતા સુધીમાં રફની કિંમત વધી જાય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer