નવી ટેક્સ્ટાઈલ પૉલિસી : સુરતના ઉદ્યોગકારોને નવાપુરની સાથે

હવે પાડોશી એકમ સાથે હરીફાઇ થશે 
કાપડઉદ્યોગને ઉગારવા તાત્કાલિક અૉક્સિજનની જરૂર : ઉદ્યોગકારો 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા.11 જાન્યુ.
રાજ્ય સરકારે જાહેર કરેલી નવી ટૅક્સ્ટાઈલ નીતિથી નવા રોકાણકારોને ફાયદો થશે, પરંતુ કાપડના સ્થાપિત એકમોને કોઈ પ્રકારનો પ્રત્યક્ષ લાભ કે પ્રોત્સાહન આપ્યું હોય તેવું નજરે પડતું નથી. કાપડઉદ્યોગના કેન્દ્ર સુરત શહેરનાં ઔદ્યોગિક સંગઠનોએ એક સૂરે સ્પષ્ટ કર્યું હતું કે, અત્યાર સુધી મહારાષ્ટ્રના નવાપુર સાથે સુરતને હરીફાઈ હતી પણ હવે શહેરમાં જ એક યુનિટને બીજા યુનિટની સાથે થશે. કાપડઉદ્યોગને ઉગારવા માટે તાત્કાલિક ઓકિસજન આપવો જરૂરી થઇ પડયો છે.
નવી કાપડનીતિમાં પ્રોસેસ હાઉસને વીજદરમાં રૂા. 2 અને વિવિંગ એકમોને વીજદરમાં રૂા. 3ની યુનિટદીઠ રાહતની જાહેરાત કરવામાં આવી છે. આ રાહત માત્ર નવા રોકાણકારોને આકર્ષવા માટે છે, જેને લઈને સ્થાનિક કાપડઉદ્યોગ સંગઠનો અને ઉદ્યોગ સાહસિકોમાં ખાસ્સી નિરાશા જોવા મળી છે.  
સુરત સહિત રાજ્યભરના કાપડઉદ્યોગના એકમોએ રાજ્ય સરકાર પાસે વીજદરમાં રાહત આપવાની માગ કરી હતી. મહારાષ્ટ્રની તર્જ પર પ્રોત્સાહક કાપડનીતિ બનાવવા પર જોર આપ્યું હતું. આમ છતાં નવી કાપડનીતિમાં સરકારે નવું રોકાણ કરનાર એકમોને જ વીજદરમાં રાહત આપવાની વાત કરીને ફરી એક વખત કાપડઉદ્યોગને મંદીમાંથી ઉગારવાનું આપેલું વચન ફેરવી તોળ્યું છે.
નવી ટેક્સ્ટાઈલ મશીનરી વસાવનાર એકમોને વીજદરનો લાભ થશે. જ્યારે જૂના એકમોને શહેરમાં રોકાણ કરનાર નવા એકમો સાથે સીધી હરીફાઈ કરવાની રહેશે. 
દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનાં પ્રમુખ હેતલ મહેતા કહે છે કે, નવી મશીનરી પરનો નિર્ણય આવકાર્ય છે, જૂની મશીનરીવાળા યુનિટોને પણ લાભ મળવો જોઈએ. નવી કાપડનીતિ કોઈપણ પ્રકારે આવકાર્ય નથી. વર્કિંગ કેપિટલનો મુદ્દો જ સમગ્ર કાપડનીતિમાંથી ઉડાવી દેવામાં આવ્યો છે. નવી નીતિને લઈને અમારી નારાજગી રજૂ કરીશું. આગામી દિવસોમાં હયાત એકમોને ઘટાડેલા વીજદરનો લાભ મળે તે પ્રકારની વિધિસરની રજૂઆત કરીશું. 
ફીઆસ્વીના ચેરમેને ભરતભાઈ ગાંધીએ પણ ઘટાડેલા વીજદરના લાભ માત્ર નવા એકમો માટેના હોવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. પોલિસીમાં બીજા અનેક સારાં પાસાં હશે પરંતુ, અમારી પ્રથમ માગ પાડોશી રાજ્યોની તર્જ પર વીજદરનો લાભ સ્થાનિક એકમોને મળવો જોઈએ એ હતી. સરકાર આંતરરાજ્ય હરીફાઈનું અંતર ઘટાડીને શહેરમાં જ એકમો-એકમો વચ્ચે હરીફાઈ કરાવવાનો ઈરાદો ધરાવતી હોવાનું પ્રતીત થયું છે, જે આવકાર્ય નથી. 
પાંડેસરા વિવર્સ એસોસિયેશનના પ્રમુખ આશિષભાઈ ગુજરાતી કહે છે કે, શહેરમાં સાડા છ લાખ પાવરલૂમ્સ છે. તેઓને વીજદર ઘટાડાનો લાભ આપવાને બદલે સરકાર નવાં મશીન વસાવે તેને લાભ આપવા ઈચ્છે છે. આમ પણ પહેલેથી જ વિવિંગ ઉદ્યોગ મંદીના ખપ્પરમાં ફસાયેલો છે. એવામાં જો સરકાર તાત્કાલિક ઓક્સિજન આપે નહિ તો મરણપથારીએ પડેલા કાપડઉદ્યોગને બચાવવો મુશ્કેલ બની રહેશે. અમે ફરીથી રાજ્યની નવી કાપડનીતિમાં સુધારા કરવા રજૂઆત કરીશું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer