સેબીએ પોર્ટફોલિયો કોન્સ્ટ્રેશનના નિયમોમાં સુધારા કર્યા

નવી દિલ્હી, તા. 11 જાન્યુ.
 મૂડીબજારના નિયમનકાર સેબીએ ઇટીએફ અને ઇન્ડેકસ ફન્ડસમાં પોર્ટફોલિયો કોન્સ્ટ્રેશનના કારણે સર્જાતા જોખમ સામે રોકાણકારોને રક્ષણ આપવા માટે બજારના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. તે પ્રમાણે કોઈ પણ સેકટોરલ અથવા થિમેટિક સૂચકાંકમાં કોઈ એક શૅરમાં વેઈટેજ માટે ટોચ મર્યાદા મૂકી છે. ઉપરાંત કોઈ ઇન્ડેક્ષમાં ઓછામાં ઓછા કેટલા શૅર હોવા જોઈએ તે માટે પણ નિયમો નક્કી કર્યા છે.
પોર્ટફોલિયો કૉન્સ્ટ્રેકશનના નિયમો પ્રમાણે કોઈ પણ ઇન્ડેક્ષમાં ઓછામાં ઓછા 10 શૅરો હોવા જરૂરી છે. નોન-સેકટોરલ અને નોન-થિમેટિક સૂચકાંકમાં કોઈ પણ શૅરનું વેઈટેજ 35 ટકા કરતાં વધારે ન હોઈ શકે. ફન્ડમાં કોઈ પણ સિંગલ શૅર 25 ટકા કરતાં વધારે વેઈટેજ ધરાવી શકે નહીં, એમ સેબીએ જણાવ્યું હતું. કોઈ પણ ઇન્ડેક્ષમાં શૅરના ત્રણ ઘટકોનું વેઈટેજ સંચાલિત રીતે જોવામાં આવશે. સમગ્ર ઇન્ડેક્ષ 65 ટકા કરતાં વધારે ન હોઈ શકે એમ નિયમનકારે કહ્યું હતું.
સેબીએ એમ પણ જણાવ્યું કે ઇન્ડેક્ષમાં કોઈ પણ વ્યક્તિગત  શૅરની ટ્રેડિંગ ફ્રિકવન્સી 80 ટકા જેટલી અથવા તેના કરતાં વધારે હોવી જોઈએ. તે મુજબ કોઈ પણ ઇટીએફ અથવા ઇન્ડેક્ષ ફંડ, જે ચોક્કસ ઇન્ડેક્ષની નકલ કરવા માગતું હોય તેણે એ બાબતે ખાતરી આપવી પડશે કે આવા ઇન્ડેક્ષમાં ઉપર જણાવેલા નિયમોનું પાલન થાય અને હાલના તમામ ઇટીએફ/ ઇન્ડેક્ષ ફન્ડના ઇસ્યુઅરે  એ બાબતની ખાતરી કરવાની રહેશે. પરિપત્ર ઇસ્યુ થવાની તારીખથી ત્રણ મહિનાની અંદર તમામ ફન્ડ દ્વારા નવાં ધોરણનું પાલન કરવામાં આવે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer