ભાજપ આક્રમક બને છે

લોકસભાના ચૂંટણી જંગ માટે ભાજપ અને કૉંગ્રેસની છાવણીઓ સજ્જ  થઈ રહી છે. કૉંગ્રેસની વાઋર કેબિનેટની બેઠક મળી અને પ્રદેશ સમિતિઓની સમીક્ષા કરવામાં આવી. ભાજપની રાષ્ટ્રીય સમિતિનું બે દિવસનું અધિવેશન રામલીલા મેદાનમાં શરૂ થયું અને પ્રમુખ અમિત શાહે એનડીએના સાથીપક્ષો સાથે ભાજપની બહુમતી સરકાર બનશે એવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો  છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય અને આર્થિક મોરચે જરૂરી પગલાં વિચારી લીધાં છે. ફેબ્રુઆરીમાં બજેટ સત્ર માત્ર બે સપ્તાહનું હશે તે દરમિયાન અને પછી સરકાર `અચ્છે દિન'ની અનુભૂતિ થાય એવાં પગલાં જાહેર કરશે. વિશેષ ધ્યાન ગરીબીની રેખા નીચેના પરિવારો અને મધ્યમ વર્ગ ઉપર હશે એમ જણાય છે. જીએસટીની રાહત અને સવર્ણોને દસ ટકા અનામતની જાહેરાત પછી કાર્યકરોનો જુસ્સો વધ્યો છે. જીએસટીમાં અપાયેલી રાહત-મુક્તિ મર્યાદામાં વધારાનો લાભ ભાજપની પ્રણાલિકાગત વૉટ બૅન્ક - વ્યાપારી વર્ગને મળશે. આ સાથે જ દેશભરના કિસાનોને તેલંગણની યોજના જેવી રોકડ સહાયનો લાભ આપવાની શરૂઆત થશે. રાજકીય મોરચે રફાલ અંગે કૉંગ્રેસના આક્ષેપોનો જવાબ અપાયો છે હવે કૉંગ્રેસે ઇટાલિયન હેલિકૉપ્ટરો માટે કરેલા સોદાની વિગતો બહાર આવશે. માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુઓની સંપત્તિ જપ્ત થયાની માહિતી અપાશે. ટૂંકમાં ભાજપ હવે સંરક્ષણાત્મક નહીં, આક્રમક બનશે. સીબીઆઈના આલોક વર્માના કેસમાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યા પછી ભાજપનો જુસ્સો વધ્યો છે.
સીબીઆઈના આલોક વર્માને રુખસદ મળી અને એમના ટેકેદાર કૉંગ્રેસ પક્ષના હાથ હેઠા પડયા છે! સીબીઆઈના વિવાદમાં રાજકારણ લાવવાના કૉંગ્રેસના પ્રયાસ નિષ્ફળ ગયા છે. એટલું જ નહીં, પણ કૉંગ્રેસની `રાજ-રમત' પ્રકાશમાં આવી છે. આલોક વર્માને રજા ઉપર ઉતારી દેવાના સરકારના નિર્ણય પછી કૉંગ્રેસે નરેન્દ્ર મોદી ઉપર ભારે પ્રહાર કર્યા. મોદી સરકાર ઉપર અંકુશ રાખતી સંસ્થાઓની સત્તા ખતમ કરી રહ્યા છે એવા આક્ષેપ થયા અને સુપ્રીમ કોર્ટે આલોક વર્માને ફરીથી ખુરસી ઉપર બેસાડયા ત્યારે ઉજવણી થઈ. મીડિયામાં પણ વાહ-વાહ થઈ - સરકારનું નાક કપાયું હોય એવી ખુશાલી થઈ, પણ સુપ્રીમ કોર્ટે વર્મા સામેના આક્ષેપો તપાસવા માટે ``િનયુક્ત - સમિતિ''ને જણાવ્યું અને સાત દિવસનો સમય આપ્યો, પણ નરેન્દ્ર મોદીએ વિનાવિલંબે સમિતિની બેઠક બોલાવી, પુરાવા બતાવ્યા અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સિકરીને પણ ખાતરી થઈ ગઈ કે સરકારનો નિર્ણય યોગ્ય છે.
જીએસટી કાઉન્સિલે જીએસટીમાં નોંધણી માટે વાર્ષિક ટર્નઓવરની લઘુતમ મર્યાદા વધારીને બમણી - રૂા. 40 લાખની કરી, તેનાથી 60 ટકા જેટલા કરદાતા જીએસટીની જાળમાંથી બહાર નીકળી શકશે. કમ્પોઝિશન સ્કીમ માટે વાર્ષિક ટર્ન ઓવરની મર્યાદા 1 કરોડ રૂપિયાથી વધારીને 1.5 કરોડ કરવામાં આવી છે. કમ્પોઝિશન સ્કીમનો લાભ લેનારા વેપારીઓને દર ત્રણ મહિને ટૅક્સ ભરવો પડશે, પણ રિટર્ન વર્ષમાં એકવાર ભરવાનું આવશે. સર્વિસ સેક્ટરને પણ રાહત આપવામાં આવી છે. રૂા. 50 લાખ સુધીના ટર્ન ઓવરવાળા સર્વિસ પ્રોવાઈડરને કમ્પોઝિશન સ્કીમનો લાભ મળશે. તેમણે માત્ર છ ટકા ટૅક્સ આપવાનો રહેશે.
જીએસટી કાઉન્સિલના નિર્ણયોથી નાના-મધ્યમ વેપાર-ઉદ્યોગોને મોટી રાહત થશે. આ ક્ષેત્રને લોન એક કલાકમાં મંજૂર કરવાની જાહેરાત તે જ પ્રમાણ છે કે સરકાર તેને કેટલું મહત્ત્વ આપી રહી છે.
જીએસટી લાગુ થયા પછી સૌથી અધિક તકલીફ નાના અને મધ્યમ ઉદ્યોગોને પડી હતી. તેમની ફરિયાદ હતી કે જીએસટીના પગલે તેમનો કારોબાર ખોરવાઈ ગયો છે. આવી સ્થિતિમાં ફક્ત આઠ દિવસમાં લોન મંજૂરીની જાહેરાત પછી જીએસટીની મુક્તિમર્યાદા 1 એપ્રિલ, 2019થી બમણી કરવાનો નિર્ણય આ ક્ષેત્રને ખૂબ લાભકર્તા રહેશે. સમીક્ષા પછી જીએસટી દર નોંધપાત્ર ઘટયા છે, જેના લીધે ગ્રાહક વપરાશની અનેક ચીજો સસ્તી થઈ છે.
મધ્યમ વર્ગ માટે બનનારાં મકાનો પર જીએસટી દર 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા થાય તો બીલ્ડરો અને ખરીદદારોને મોટી રાહત મળશે. કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં પણ સુધારો આવશે. જીએસટી પરિષદ વ્યવહારિક દૃષ્ટિએ વિચાર કરીને કરપ્રણાલીનો અમલ વધુ વાસ્તવિક બનાવે તો જીએસટીના લાભ પૂરા મળવા શરૂ થઈ શકશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer