બૅન્કોને ગોલ્ડ એકાઉન્ટ ખોલવાની મંજૂરીની શક્યતા

બૅન્કોને ગોલ્ડ એકાઉન્ટ ખોલવાની મંજૂરીની શક્યતા
નવી દિલ્હી, તા. 11 જાન્યુ.
ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમને વેગ આપવા માટે સરકાર બૅન્કોને રૂપિયાની જેમ સોનું જમા કરાવી શકાય તેવાં ખાતાં ખોલવાની છૂટ આપવાનું વિચારી રહી છે. આ અગાઉ ધર્માદા સંસ્થાઓને અને સરકારી એજન્સીઓને આ યોજના હેઠળ સોનું જમા કરાવવાની છૂટ આપવામાં આવી છે.
હાલના નિયમો અનુસાર બૅન્કો સોનું જમા કરાવી શકાય તેવું ખાતું ખોલે છે અને મધ્યમ અથવા લાંબા ગાળે ડિપોઝિટની મુદત પૂરી થાય ત્યારે ખાતામાં જમા કરાવેલા સોનાની તે વખતની બજાર કિંમત જેટલી રોકડ રકમ ખાતેદારને આપે છે. જો બૅન્કો સોનાનાં ખાતા ખોલી શકે તો પાકતી મુદતે ડિપોઝિટરને સોનું પરત મળશે. આ યોજના 4000 ટનથી વધુ સોનાનાં આભૂષણો ધરાવતા મંદિરોને વધુ માફક આવે એવી છે.
મંદિરો પાસેનું સોનું દેવતાની માલિકીનું છે અને મંદિરો માત્ર તેની સાચવણ કરે છે. તેમને સોનું વેચવાની છૂટ નથી. સોનાને બદલે રોકડ રકમ આપવાની જોગવાઈને લીધે ઘણાં મંદિરો ગોલ્ડ મોનેટાઈઝેશન યોજનાથી દૂર રહ્યાં હતાં. સોનું પરત કરવાની દરખાસ્ત તેમની ચિંતાનું નિરાકરણ 
કરનારી છે. બીજી એક દરખાસ્ત બૅન્કો માટે ગ્રાહકો પાસેથી સોનું એકત્ર કરવાની પદ્ધતિ સરળ બનાવવાનું છે. હાલની પદ્ધતિમાં ગ્રાહકો સોનું લઈને ગોલ્ડ કલેકશન એન્ડ હોલમાર્કિંગ સેન્ટરોમાં જાય છે જ્યાં તેને ગાળીને ગ્રાહકને તેમાં રહેલા શુદ્ધ સોનાનું સર્ટિફિકેટ અપાય છે જેને આધારે બૅન્ક ગોલ્ડ ડિપોઝિટ એકાઉન્ટ ખોલે છે.
હવે બૅન્કોને ગ્રાહકો પાસેથી સીધું સોનું જમા લેવાની છૂટ આપવાની દરખાસ્ત છે. તે અનુસાર બૅન્કો સોનાના રિફાઈનરો, ઝવેરીઓ, ડિજિટલ ગોલ્ડ અને ઓનલાઈન બુલિયન સ્ટોકિસ્ટો પાસેથી સુધ્ધાં સોનું જમા લઈ શકશે.
આ દરખાસ્તની ટીકા પણ થઈ છે. બજારના એક ખેલાડીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે આમાં તો લોકો ઝવેરીની દુકાનેથી, ઓનલાઈન પોર્ટલો પરથી ખરીદેલું આયાતી સોનું કે ડિજિટલ ગોલ્ડ બૅન્કમાં જમા કરાવી દેશે. ઝવેરીઓ પાસેથી ખરીદેલા સોનાની શુદ્ધતા શંકાસ્પદ હોઈ શકે, પરંતુ સમગ્ર યોજનાનો મૂળ ઉદ્દેશ તો વિવિધ સ્થળોએ પડી રહેલું સોનું ઉપયોગમાં લાવીને સોનાની આયાત અને ચાલુ ખાતાની ખાધ ઘટાડવાનો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer