તાંબામાં મંદી ચાલુ રહેવાનાં એંધાણ

તાંબામાં મંદી ચાલુ રહેવાનાં એંધાણ
ઈબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 11 જાન્યુ.
વિશ્વની આર્થિક પ્રવૃત્તિનો નિર્દેશાંક ગણાતા તાંબાના ભાવ 2018માં 18 ટકા ઘટયા પછી નવા વર્ષમાં પણ ઘટવા તરફી રહેવાનાં એંધાણ છે. આગામી મહિનાઓમાં વિશ્વનાં અગ્રણી અર્થતંત્રો ધીમાં પડવાની સંભાવનાઓ અને તેના લીધે સર્વસામાન્ય માગ મંદ રહેવાનો ભય સર્જાયો છે. જોકે, ફન્ડામેન્ટલ્સ જોઈએ તો બજારમાં ફરતા માલની અછત અને તળિયે ગયેલો જાગતિક સ્ટોક ભાવ માટે ટેકારૂપ બની રહેશે. 2019મા તાંબાના ઉત્પાદનમાં ઘટ અને નબળા સ્ટોકની સ્થિતિ સામે જો નબળી માગનો વિચાર કરીએ તો બન્ને પરિબળો એકબીજાને છેદ ઉડાડી નાખશે, અને એવું જણાય છે. 
એપલના આઈ-ફોનનાં કુલ વેચાણનો 20 ટકા હિસ્સો ચીન ધરાવે છે. ત્યાં વેચાણ સાવ ધીમું પડી ગયાના અહેવાલ પછી તાંબાના ભાવ ગત સપ્તાહે 18 મહિનાના તળિયે બેસી ગયા હતા. ચીનના શ્યાક્ષીન ઉત્પાદનનો ડિસેમ્બર પર્ચાઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) પહેલી વખત મે 2017 પછીની નવી નીચે સપાટીએ જતો રહ્યો હતો. અમેરિકન ઈન્સ્ટિટયૂટ ફોર સપ્લાય મૅનેજર્સ (આઈએસએમ)નો ડિસેમ્બર પીએમઆઈ, નવેમ્બરના 59.3 ટકાથી ઘટીને બે વર્ષના તળિયે 54.1 ઉપર બેસી ગયો હતો. આઈએસએમ મેન્યુફેક્ચારિંગ પ્રાઈસ ઇન્ડેક્સ પણ 60.7થી ઘટીને 54.9 પોઈન્ટ રહ્યો હતો. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે 2018 અને 19 માટે ચીન અને અમેરિકાનો આર્થિક વિકાસ દર 6.2 ટકા અને 2.5 ટકા અંદાજીને વૈશ્વિક વિકાસનો અંદાજ 3.7 ટકા મૂક્યો હતો. તેની સામે ભારતનો વિકાસ દર 7.4 ટકા રહેવાનું અનુમાન છે.
વેપાર યુદ્ધ તત્કાળ પૂરી થવાની ઓછી શક્યતા જોતાં આગામી બાર મહિનામાં તાંબાના ભાવ પર તેની નકારાત્મક અસર જોવા મળશે. તાજેતરનાં વર્ષોમાં જાગતિક વિકાસનું એન્જીન બનેલું ચીન જગતના તાંબાના કુલ ઉત્પાદનમાંથી પચાસ ટકા હિસ્સો વાપરે છે. ચીનમાં ઔદ્યોગિક વિકાસની ગતિ ધીમી પડી છે. બીજી તરફ અમેરિકા અને યુરોપમાં પણ આર્થિક પ્રવૃત્તિ મંદ પડી રહી છે. એલએમઈ કોપર વાયદો 31 ડિસેમ્બરે 5964 ડૉલર બંધ રહ્યા પછી 3 જાન્યુઆરીએ તૂટીને 5725 ડૉલર થયો હતો. અમેરિકા સાથે વેપાર સંબંધે ફરીથી વાટાઘાટો શરૂ થવા સાથે ચીને શુક્રવારે તેનો બૅન્ક રિઝર્વ રેશિયો ઘટાડ્યાના અહેવાલ આવતા તાંબા વાયદામાં વેચાણો કપાવાથી ભાવ ઉછળીને 5933 ડૉલર બંધ રહ્યા હતા. ડિસેમ્બરના આરંભથી સસ્તી ધાતુઓના ભાવ સતત ઘટી રહ્યા હોવાથી તાંબામાં જોવાતો નાનોસરખો સુધારો પણ ધોવાઈ જાય છે. 
જેપી મોર્ગનનાં અંદાજ પ્રમાણે 2018માં ચીનની તાંબાની માગ પાંચથી છ ટકા વધી છે. એ જોતાં માગઘટાડો ધારણા કરતાં ઓછો છે. ભાવ દબાણમાં છે અને 2019માં મેક્રો ઇકોનોમિક સ્તરે વાતાવરણ પડકારભર્યું હોવાથી બૅન્ક અૉફ અમેરિકા મેરિલ લીંચ વધુ સાવધાની પસંદ કરે છે. ફ્રીપોર્ટ મેક્મોરાન અને રીઓ-ટીંટો દ્વારા સંચાલિત ઇન્ડોનેશિયાસ્થિત ગ્રાસબર્ગ તાંબા ખાણમાં આ વર્ષે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરાઈ રહ્યો હોવાથી ઉત્પાદન અડધું થઈ જવાની શક્યતા છે. તેને લીધે બજારમાં 3 લાખ ટન અથવા વાર્ષિક ખાણ ઉત્પાદનમાં 1.5 ટકાનો ઘટાડો પણ સંભવિત છે. બીએચપી બિલિટન અને ચિલીની ઇસ્કોન્ડીદા ખાણોમાં પણ આ વર્ષે ઉત્પાદન ઘટવાની શક્યતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer