કપાસના ઊંચા ભાવ અને યાર્નની ઢીલી માગથી જિનર્સ મુશ્કેલીમાં

કપાસના ઊંચા ભાવ અને યાર્નની ઢીલી માગથી જિનર્સ મુશ્કેલીમાં
અમદાવાદ, તા. 11 જાન્યુ.
કપાસના જિનરો મુશ્કેલીમાં આવી પડયા છે. યાર્ન પાછળ રૂની માગ ઢીલી રહેવાથી અને કપાસના ઊંચા ભાવે ધંધામાં પોસાણ ન રહેવાથી ઘણા જિનરો અક્ષરશ: પોતાની ફેકટરીઓની ચાવી બૅન્કરોને સોંપી રહ્યા છે.
દેશમાં સૌથી વધુ જિનિંગ મિલો ધરાવતા ગુજરાતમાં એમએસએમઈ ક્ષેત્રમાં આવતા જિનરોની લોનો ડૂબવાપાત્ર બની રહી હોવાનું બૅન્કરો કહે છે. ઉદ્યોગના નિષ્ણાતોના મતે આ સમસ્યા બજારની ગતિશીલતા અને ખોટી નીતિઓને કારણે પેદા થઈ છે.
એકાદ દાયકા  પહેલાં જ્યારે જિનિંગનો વ્યવસાય કસદાર અને પ્રતિષ્ઠિત લેખાતો હતો ત્યારે સસ્તા બૅન્ક ધિરાણના જોરે તેમાં મોટા પાયે રોકાણ થયું હતું.
``હાલની સમસ્યાનું મુખ્ય કારણ છે ભાવ પોસાણનો અભાવ, કપાસ મોંઘો થતો જાય છે જ્યારે યાર્નના ભાવ માગના અભાવે ઉંચકાતા નથી. યાર્નના ભાવ નીચા હોવા છતાં ટેકાના ભાવમાં કરાયેલા વધારાને લીધે કપાસના ભાવ નીચા આવતા નથી. તેથી જિનિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં આવી પડયો છે.'' એમ મહારાષ્ટ્ર કૉટન એસોસિયેશનના પ્રમુખ ભૂપેન્દ્ર સિંઘ રાજપાલે કહ્યું હતું.
કપાસિયા કાઢેલા રૂનો ભાવ ખાંડી (356 કિલો) દીઠ રૂા. 43,000 જેવો ચાલે છે, જ્યારે તેનો ખર્ચ આશરે રૂા. 44,000ની આસપાસ છે. તેથી મોટા ભાગના જિનરો ચાલુ ખર્ચા કાઢવા અને વ્યાજ ચૂકવવા ઓછી ક્ષમતાએ કામકાજ કરી રહ્યા છે. એક વખત આ ચક્ર પોસાણના અભાવે તૂટી જાય ત્યારે જિનર પોતાની લોન ચૂકવી શક્તો નથી અને ડિફોલ્ટર બને છે.
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જિનિંગ મિલોનાં નવા ઝૂમખાં ઉભાં થયાં છે. ``આશરે 1300 મિલોમાંથી માંડ ચોથા ભાગની મિલો કાર્યરત છે, અને તે પણ અપૂરતી ક્ષમતાથી. પોસાણના અભાવે જતી ખોટના કારણે વધુ એકમો બંધ પડી જાય એવી શક્યતા છે,'' એમ કડીના અગ્રણી જિનર દિલીપ પટેલે જણાવ્યું હતું.
આવી જ પરિસ્થિતિ કર્ણાટક અને તેલંગણમાં પણ પ્રવર્તે છે. તેલંગણમાં આવેલા 350 જિનિંગ એકમો પૈકી મોટાભાગના એક જ શિફ્ટમાં કામ કરે છે. ટેક્સ્ટાઈલ મિલો અને બહુરાષ્ટ્રીય કંપનીઓની માગના અભાવે ચુકવણીનું ચક્ર ધીમું પડી ગયું છે અને ઉદ્યોગમાં નાણાભીડ સર્જાઈ છે એમ ઉદ્યોગનાં સૂત્રોએ કહ્યું હતું.
કર્ણાટકમાં પણ કુલ ત્રણસો જિનિંગ મિલોમાંથી અડધી બંધ પડી ગઈ છે. મોટા ભાગના ખેલાડીઓ કહે છે કે હાલની સમસ્યા રાતોરાત સર્જાઈ નથી. પોસાણનો અભાવ અને રૂની નિકાસનીતિમાં કરાતા ફેરફારોને લીધે જિનિંગનો વ્યવસાય જોખમ ભર્યો બની ગયો હતો. તેથી જિનરોને નુકસાની અને લોન ડિફોલ્ટ સહન કરવાનો વારો આવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer