મેઇક ઇન ઇન્ડિયા હેઠળ વજ્ર ટેન્ક તૈયાર

રાષ્ટ્રને અપર્ણ કરશે પીએમ મોદી 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત,તા. 18 જાન્યુ.
વડા પ્રધાન મોદીનાં અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટોમાં મેઈક ઈન ઇન્ડિયાનો સમાવેશ થાય છે. પાછલાં સાડા ચાર વર્ષમાં મેઈક ઈન ઇન્ડિયા યોજના હેઠળ દેશને અનેક પ્રોજેક્ટોની ભેટ મળી છે. લશ્કરને મેઈક ઈન ઇન્ડિયા વિચાર હેઠળ તૈયાર થયેલી દેશની સુરક્ષાનાં સાધનોમાં વધારો કરતી આધુનિક સુવિધાઓથી સજ્જ  એવી વજ્ર ટેન્કની ભેટ મળશે.
સુરતનાં હજીરાનાં એલઍન્ડટીનાં પ્લાન્ટમાં તૈયાર થયેલી વજ્ર ટેન્ક વડા પ્રધાન મોદીનાં હસ્તે રાષ્ટ્રને અર્પણ કરાશે. વડા પ્રધાન મોદી ગાંધીનગર ખાતે ગ્લોબલ ટ્રેડ શો અને વાઈબ્રન્ટ સમિટમાં હાજરી આપવા ઉપસ્થિત છે. વાઈબ્રન્ટ સમિટનાં કાર્યક્રમ બાદ આવતીકાલે પીએમ મોદી હૅલિકોપ્ટર મારફત સુરત આવી પહોંચશે. જ્યાંથી તેઓ સીધા એલઍન્ડટીનાં હજીરા પ્લાન્ટથી મુલાકાત લેશે. 
એલઍન્ડટી દ્વારા પાછલાં બે વર્ષ કરતાં વધુ સમયથી મેઈક ઈન ઇન્ડિયાનાં વિચાર હેઠળ ટેન્કનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે. જે હવે લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. તૈયાર કરાયેલી ટેન્કને વડા પ્રધાન મોદીનાં હસ્તે રાષ્ટ્રને અર્પણ કરાશે. અગાઉ સોશિયલ મીડિયામાં વજ્ર ટેન્કની તસવીરો વાયરલ થઈ ચૂકી હતી. જે તે સમયે ટેન્ક આર્મીનાં અૉફિસરો દ્વારા તપાસ માટે મોકલવામાં આવી હતી. આધુનિક સુવિધાઓથી સજ્જ  ટેન્કનું અંતિમ ટેસ્ટિંગ થયા બાદ આર્મી દ્વારા નિર્માણ કાર્યને લીલીઝંડી આપી દેવાઈ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ એલઍન્ડટી દ્વારા દેશનાં લશ્કર માટે સો ટેન્કનાં નિર્માણનું કાર્ય પ્રગતિમાં છે. 
ડીફેન્સનાં નિષ્ણાંતો આ ટેન્કને ટેન્ક સેલ્ફ પ્રોપેલલ્ડ હોવીટઝર ગન કહે છે. નિષ્ણાતો સ્પષ્ટપણે કહે છે કે, આ ટેન્ક કે-9 વજ્ર ટેન્ક બોફોર્સ ટેન્ક સહિતની બીજી ટેન્કોને ટક્કર મારે તેવી છે. બોફોર્સ ટેન્ક એક્શનમાં આવતાં પહેલાં પાછળ ખસતી હતી. જ્યારે વજ્ર ટેન્ક અૉટોમેટિક છે. આ ટેન્ક માટે એલઍન્ડટીએ હજીરામાં સ્પેશિયલ પ્લાન્ટ સ્થાપ્યો છે. સૈન્ય દ્વારા પરિક્ષણ કરાયા બાદ કંપનીએ સો ટેન્કનું નિર્માણ કાર્ય શરૂ કર્યુ છે. વડા પ્રધાન મોદી સુરતની એક દિવસની મુલાકાત દરમિયાન વજ્ર ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરશે. કે-9 વજ્ર ટેન્ક એક સ્વયં સંચાલિત આર્ટીલરી સિસ્ટમ ધરાવે છે. જે 40 કિલોમીટરથી લઈને 52 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે. કે-9 પાસે તેના શેલ્સને એમઆરએસઆઈ(મલ્ટિપલ રાઉન્ડ યુમેલ્ટિનેશનલ ઈમ્પેક્ટ) મોડમાં આગવી મારક ક્ષમતા ધરાવે છે. શેલનું મહત્તમ ટ્રાન્સફર રેટ 12 રાઉન્ડ પ્રતિ મિનિટે હોય છે અને મહત્તમ શેલો 104 રાઉન્ડ હોય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer