અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.18 જાન્યુ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019માં ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોચ્યા હતા. સેનાના ખાસ વિમાન દ્વારા અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે આવી પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી, ગુજરાત ભાજપના પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, અમદાવાદનાં મેયર બિજલબેન પટેલ, મુખ્ય સચિવ ડૉ.જેન.સિંગ, પ્રોટોકોલ સચિવ સંગીતા સિંઘ, કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડે, અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંઘ દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કરાયું્ હતું. અમદાવાદ એરપોર્ટથી સીધા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં સેકટર 17 હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા દેશના સૌથી મોટા ટ્રેડ-શો ખાતે પહોંચ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટ્રેડ-શો ખાતે પહોંચતાં જ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલ સહિત પ્રધાનમંડળના સભ્યોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ અવસરે ટ્રેડ-શોના પાર્ટનર કન્ટ્રી કેનેડા, ફ્રાન્સ, જાપાન, નેધરલેન્ડ સહિત 115 દેશોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી સાથે થીમ આધારિત વિવિધ પેવેલિયનની મુલાકાત લીધી હતી. ખાસ કરીને નાસા સાથે જોડાયેલા 15 અને 16 નંબરના ડોમની મુલાકાત લઇ વડા પ્રધાન મોદીએ અવકાશયાન સાથે સંકળાયેલાં વિવિધ ઉપકરણો નિહાળ્યાં હતાં.
1200થી વધુ સ્ટોલ ધરાવતા આ ટ્રેડ-શોમાંના વિવધ પેવેલિયનના નિરીક્ષણ બાદ વડા પ્રધાન મોદીએ તકતીનું અનાવરણ કર્યુ હતું અને ટ્રેડ-શો ખુલ્લો મૂક્યો હતો.