ભાવસહાય યોજનાનો અંત નજીક આવતાં સોયાબીન મજબૂત

પુણે, તા. 18 જાન્યુ.
મધ્યપ્રદેશની ભાવાંતર ભુગતાન યોજના શનિવારે પૂરી થવાની હોવાથી વેપારીઓ અને સ્ટોકિસ્ટોની લેવાલી નીકળતાં સોયાબીનના ભાવમાં છેલ્લા પખવાડિયામાં સાત ટકાનો ઉછાળો આવ્યો છે.
સોયાબીનના ભાવ ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં ક્વિન્ટલ દીઠ રૂા. 3450થી વધીને ગુરુવારે રૂા. 3700 થઈ ગયા હતા, એમ સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશન અૉફ ઈન્ડિયાના પ્રમુખ દવીશ જૈને જણાવ્યું હતું.
મધ્યપ્રદેશની ભાવાંતર ભુગતાન યોજના શનિવારે પૂરી થતી હોવાથી ખેડૂતો વધુને વધુ પેદાશ બજારમાં લાવીને પોતાનો સોદો મંડીના ચોપડે નોંધાવવા માટે ધસારો કરી રહ્યા છે. આને પરિણામે સોયાબીનની આવકો તેમ જ ભાવમાં વધારો થયો હોવાનું બજારનાં સૂત્રોએ જણાવ્યું હતું. ઈરાન ખાતે સોયાખોળની નિકાસ વધવાનો આશાવાદ અને વેપારીઓની પકડે પણ ભાવ વધારાને ઈંધણ પૂરું પાડયું છે. જોકે નાના ખેડૂતોએ પોતાનો માલ આ અગાઉ નીચા ભાવે વેચી નાખ્યો હોવાથી તેમને ભાવવધારાનો લાભ નહીં મળે એમ જૈને કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer