ખેડૂતોનાં બૅન્ક ખાતામાં સબસિડીના વિકલ્પે આવક સીધી જમા કરવાની ભલામણ

નવી દિલ્હી, તા. 18 જાન્યુ.
નીતિ આયોગે અપફ્રન્ટ સબસિડી લાભના સીધા હસ્તાંતરણ મારફતે આપવા માટે કરેલી દરખાસ્તને જો સ્વીકારવામાં આવશે તો ખેડૂતોને પ્રતિ એક હેક્ટર રૂા. 15,000ની વાર્ષિક આવક મળશે. સૂત્રોએ જણાવ્યા મુજબ નીતિ આયોગે ખેડૂતોને ફર્ટિલાઈઝર, ઈલેક્ટ્રિસિટી, પાક વીમો, સિંચાઈ અને વ્યાજ માફી માટેની તમામ સબસિડીઓને બદલે આવક બારોબાર તેમના બૅન્ક ખાતામાં જમા કરવાની ભલામણ કરી છે. 
કૉંગ્રેસ-શાસિત મોટા ભાગનાં રાજ્યોમાં દેવાં (લોન) માફીની જાહેરાતોથી વિપરિત તેલંગણા અને ઓડિશા સરકારે ખેડૂતોની સમસ્યાઓના હલ માટે આવક મારફતે મદદરૂપ થવાનો રસ્તો અપનાવ્યો છે. કેન્દ્ર સરકારે અવારનવાર જણાવ્યું છે કે લોન માફી જેવાં પગલાં પાયાનો પ્રશ્ન ઉકેલતા નથી.
કૃષિ ક્ષેત્રને દર વર્ષે રૂા. 2 લાખ કરોડથી વધુ ઈનપુટ સબસિડી મળે છે. દેશમાં કુલ વાવેતર વિસ્તારના આધારે આ રકમ વહેંચવામાં આવે તો પ્રતિ હેક્ટર રૂા. 15,000 થાય. કેટલાક નિષ્ણાતો અને નીતિ ઘડવૈયાઓ સબસિડીઓની સમાન કે કાર્યક્ષમ વહેંચણીનો વિરોધ કરી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં તેનાથી કુદરતી સંસાધનો તેમ જ કૃષિ ઉત્પાદકતાના ટકાઉપણાં ઉપર પ્રતિકૂળ અસર થાય છે.
એક ઉચ્ચ સરકારી અધિકારીએ જણાવ્યું કે નીતિ આયોગની ભલામણનો ઉદ્દેશ ખેડૂતોની પરેશાનીઓ દૂર કરવા ઉપરાંત સબસિડી ધરાવતાં યુરિયા અને વીજળીનો દુરુપયોગ અટકાવવાનો તેમ જ ખેડૂતોને આર્થિક સ્વતંત્રતા આપવાનો છે. તેનાથી રાહત દરે મેળવેલા ફર્ટિલાઝર્સને અન્ય ઉદ્યોગોમાં વાળવા જેવી મોટા પાયે થતી ગેરરીતિઓ પણ અટકશે.
સરકારને એમ લાગે છે કે કૃષિ ક્ષેત્રે આવકની ખાધ પૂરવા માટે આ એક જ રસ્તો છે. વળી, ખેડૂતોને બારોબાર નાણાં ચૂકવાતાં હોવાથી તેમને માત્ર સબસિડાઈઝ્ડ પાકને બદલે શ્રેષ્ઠ પાક અથવા તો ફર્ટિલાઈઝર કે વિના મૂલ્યે વીજળી શું લેવું તે પસંદ કરવાની સ્વતંત્રતા મળે છે. 
વર્ષ 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર વર્ષ 2022-23 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માગે છે. આ માટે 10 ટકા કરતાં ઊંચો વાર્ષિક વૃદ્ધિ દર જરૂરી છે, પરંતુ કૃષિ ઉત્પાદન મંદ હોવાથી કૃષિ ક્ષેત્રની આવક ઘટી છે.
જોકે, નીતિ આયોગની ભલામણને કેન્દ્ર સરકારની મંજૂરી મળે તો પણ રાજ્યોને આ માટે સહમત કરવા જરૂરી બનશે. અડધોઅડધ કૃષિ સબસિડી રાજ્ય સરકારો રાહત દરે વીજળી કે નહેર દ્વારા સિંચાઈ મારફતે ચૂકવી રહી છે. ફર્ટિલાઈઝર સબસિડી કેન્દ્ર સરકાર ચૂકવે છે અને બિયારણની સબસિડી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને ખર્ચ ઊઠાવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer