ડિજિટલ પ્લેટફોર્મને કારણે બોગસ દાવેદારો નીકળી જતાં

કૃષિ લોનમાં રૂા. 12,000 કરોડની બચત સોમવારથી વર્ચ્યુઅલ લાઈફ સાઈકલ મૅનેજમેન્ટનો કાર્યક્રમ શરૂ કરાશે  
પીટીઆઈ મુંબઈ, તા. 18 જાન્યુ. 
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે ડિજિટલ પ્લેટફોર્મ અપનાવવાને કારણે કૃષિ લોનના બનાવટી દાવેદારોની બાદબાકી થઈ જવાથી મહારાષ્ટ્ર રૂા. 12,000 કરોડની બચત કરી શક્યું છે.  
પાક નિષ્ફળ જવાથી અથવા તો ભાવ ગગડી જવાથી તેમ જ કાચા માલનો ખર્ચ વધી જવાથી ખેડૂતોની આત્મહત્યાના વધતા જતા બનાવોને કારણે રાજ્ય સરકારે જૂન, 2017માં રૂા. 34,022 કરોડની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી હતી. આ યોજનાને કારણે પ્રત્યેક ખેડૂતનું રૂા. 1.5 લાખ સુધીનું દેવું માફ થવા પાત્ર હતું.  
ફડણવીસે જણાવ્યું કે આ કૃષિ લોન માફીની યોજનાનો ડિજિટલ પ્લેટફોર્મ મારફતે અમલ થયો હોવાથી રૂા. 12,000 કરોડની બચત થઈ હતી. આજ ડિજિટાઈઝેશનની તાકાત છે. સરકાર 21મી જાન્યુઆરીથી પ્રત્યેક ખેડૂત માટે વર્ચ્યુઅલ લાઈફ સાઈકલ મૅનેજમેન્ટનો કાર્યક્રમ પણ શરૂ કરી રહી છે. આ કાર્યક્રમ હેઠળ ખેડૂત વાવણીથી માંડીને લણણી સુધી તમામ પ્રક્રિયાઓનું ડિજિટલ પ્લેટફોર્મ મારફતે સંચાલન કરી શકશે અને તેનાથી ખેડૂતો કૃષિ ક્ષેત્રે ટકાઉ અને અંદાજી શકાય તે રીતે કામગીરી કરી શકશે. 
રાજ્ય સરકારે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સાથે જોડાણ કર્યું છે અને કૃષિ ક્ષેત્રે દ્રોણના ઉપયોગનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer