કૉમોડિટી સૂચકાંકોમાં વાયદાની મંજૂરી માટે સેબીએ ધોરણો જાહેર કર્યાં

મુંબઈ, તા. 18 જાન્યુ.
વાયદા આધારિત કૉમોડિટી સૂચકાંક માટે બજાર નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઈન્ડિયા (સેબી)એ કન્સલ્ટેશન પેપર (ડ્રાફ્ટ)નાં ધોરણો પ્રસિદ્ધ કર્યાં છે. 
સેબી કૉમોડિટી ઈન્ડેક્સ ફ્યુચરમાં રોકાણકારો, એસએમઈ અને મ્યુચ્યુઅલ ફંડ્સને પણ ટ્રેડ કરવા માટે પરવાનગી આપવાનું વિચારી રહી છે. લિક્વિડિટી અને વૉલ્યુમની દૃષ્ટિએ સૂચકાંકના માપદંડો પણ નિયામક નક્કી કરી રહી છે. કૉમોડિટીના ઈન્ડેક્સ ફ્યુચરમાં સામાન્ય રીતે સંસ્થાઓ અને એવી કંપનીઓ સોદા કરે છે જેઓ કૉમોડિટીમાં સોદા કરતા હોય અથવા ઘણી કૉમોડિટીના એકસાથે સોદા કરતા હોય. જોકે, હેજનું જોખમ એ કૉમોડિટીના ઈન્ડેક્સના રૂપે હોય છે. 
વૈશ્વિક સ્તરે આવી રીતે કામકાજ ચાલે છે. 
ભારતમાં ઈન્ડેક્સ આધારિત ટ્રેડિંગની વાતચીત છેલ્લાં અમુક વર્ષોથી ચાલી રહી છે. ત્રણ વર્ષ પહેલાં સેબીની કૉમોડિટી બજારની સલાહકાર સમિતિએ કૉમોડિટી સૂચકાંકના ડેરિવેટિવ્ઝ પ્રોડકટ્સની ભલામણ કરી હતી. તે પછી વેધર ડેરિવેટિવ્ઝ, ફ્રેટ ડેરિવેટિવ્ઝ વગેરે પ્રોડકટ્સ રજૂ થયાં હતાં. સેબી ફક્ત ઈન્ડેક્સ ફ્યુચરથી શરૂઆત કરવા માગે છે. 
સેબીના કન્સલ્ટેશન પેપરના હિસાબે એક્સ્ચેન્જોએ  તેના માપદંડોના આધારે ઈન્ડેક્સ પ્રોડકટ્સ તૈયાર કરવાના 
રહેશે અને ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન અૉફ સિક્યુરિટીઝ કમિશન્સ (આઈઓએસસીઓ) નિયમોનું ચોક્કસ અનુપાલન પણ કરવાનું રહેશે. 
સેબીએ કૉમોડિટી માટે સરેરાશ દૈનિક વૉલ્યુમ પણ પ્રસ્તાવિત કર્યો છે. કૃષિ અને કૃષિ પ્રોસેસ્ડ જણસ માટે સરેરાશ દૈનિક ટર્નઓવર રૂા. 75 કરોડ જ્યારે અન્ય જણસો માટે રૂા.  500 કરોડ નિર્ધારિત કરવામાં આવ્યા છે. ઈન્ડેક્સનો ભાવાંક ઉત્પાદન મૂલ્ય અને લિક્વિડિટી મૂલ્યના હિસાબે થશે. ઈન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રાક્ટનું પ્રમાણ રૂા. 5,00,000થી શરૂ થશે. સેબીએ આ બાબતે પ્રતિક્રિયા મગાવી છે. આ પછી સેબી નિયમનોને અંતિમ સ્વરૂપ આપશે. ઉદ્યોગોને આશા છે કે ઈન્ડેક્સ ફ્યુચર આવતા નાણાકીય વર્ષથી શરૂ થશે. 
ઉપરોક્ત નિયમોને હિસાબે એમસીએક્સએ ઈન્ડેક્સ પ્રોડકટ્સ તૈયાર કર્યાં છે. જોકે, એનસીડીઈએક્સ અને આઈસીઈએક્સ આવા પ્રકારના સૂચકાંકો તૈયાર કરી રહી છે. બીએસઈ અને એનએસઈએ ગયા વર્ષે અૉક્ટોબરમાં જ કૉમોડિટી ડેરિવેટિવ્ઝ લોન્ચ કર્યા હોવાથી તેઓ આવા પ્રોડકટ્સ બનાવી શકશે નહીં, કેમ કે નિયમ મુજબ ઈન્ડેક્સમાં કૉમોડિટીનો સમાવેશ કરવા પહેલાં તેનું 12 મહિના માટે ટ્રેડિંગ થયેલું હોવું જોઈએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer