ઍર ઇન્ડિયાનો હિસ્સો વેચીને $ એક અબજ મેળવવાની સરકારની યોજના

નવી દિલ્હી, તા. 18 જાન્યુ.
 સરકાર આગામી નાણાકીય વર્ષમાં રાષ્ટ્રીય ઍરલાઈન ઍર ઇન્ડિયાનો હિસ્સો વેચીને એક અબજ ડૉલર (રૂા. 7000 કરોડ) મેળવવા માગે છે એમ સરકારી અધિકારીએ જણાવ્યું હતું.
સરકાર 2019-'20ના બીજા અર્ધગાળામાં ઍર ઇન્ડિયાનો હિસ્સો વેચવાની વ્યૂહરચના પ્રક્રિયા શરૂ કરશે અને ત્યાં સુધીમાં ઍરલાઈનની પેટા કંપનીઓ અને કેટલીક એસેટ્સ વેચવાની ક્રિયા શરૂ કરશે. ઍર ઇન્ડિયાના ચોપડે રૂા. 55,000 કરોડનું દેવું બોલે છે. ગયા વર્ષે નાણાપ્રધાન અરુણ જેટલીની વડપણ હેઠળની મંત્રીઓની પેનલે રૂા. 29,000 કરોડનું દેવું સ્પેશિયલ પર્પઝ વ્હિકલ (એસપીવી) ઍર ઇન્ડિયા હોલ્ડિંગ કંપનીને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી.
ગયા વર્ષે મે મહિનામાં સરકારે ઍર ઇન્ડિયાને વેચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળ્યા બાદ પેનલે જૂનમાં હિસ્સો વેચવાની યોજના મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. તે વખતે કંપનીમાં વધુ ભંડોળ રોકવાનો અને અન્ય પેટા કંપનીઓ તથા જમીનો વેચીને ઋણમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer