પ્રદેશવાદ, જાતિવાદ, વંશવાદ - કે વિકાસવાદ ?

લોકસભાના ચૂંટણીજંગની તૈયારી પુરજોશમાં છે. ઉત્તર પ્રદેશમાં પ્રાદેશિક સેના ગોઠવવાની શરૂઆત થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવાના તમામ પ્રયાસ થઈ રહ્યા છે. કિસાન સમસ્યા - લોનમાફીનો પડકાર સૌથી મોટો છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર - વિશેષ કરીને નરેન્દ્ર મોદી ઉપર સંરક્ષણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે, દેશનો ચોકીદાર ચોર હોવાના ગંભીર આક્ષેપ વારંવાર કર્યા છે. અલબત્ત - માર્ક્સવાદી પક્ષ સિવાય અન્ય વિપક્ષોએ એમની સાથે સૂર પુરાવ્યો નથી - કારણ કે આ પ્રાદેશિક પક્ષો રાહુલ ગાંધીને સમર્થન આપીને શક્તિ આપવા માગતા નથી. હવે કૉંગ્રેસ સામે વંશવાદનો આક્ષેપ થાય છે ત્યારે કૉંગ્રેસે હવે સંવિધાન ભય - ખતરામાં હોવાની વાત શરૂ કરી છે. રાહુલ ગાંધી દિલ્હીના તખ્ત માટે દોડી રહ્યા છે ત્યારે પ્રાદેશિક પક્ષો એમની ગાડીને બ્રેક મારી રહ્યા છે!
ભાજપ અને નરેન્દ્ર મોદી માટે રાહુલ ગાંધી અને કૉંગ્રેસના પડકાર કરતાં વધુ મોટી ચિંતા પરિવાર અને ભાગીદાર દ્વારા ``ભાંગફોડ'' સેબોટેજની છે! અયોધ્યામાં રામમંદિર નિર્માણના પ્રશ્ને તાત્કાલિક વટહુકમની માગણી ઉઠાવીને પરિવારમાં મતભેદ હોવાની છાપ પાડી છે. સુપ્રીમ કોર્ટના વિલંબ ઉપરાંત કૉંગ્રેસ દ્વારા થતા અવરોધ - વિરોધ નડી રહ્યા છે. સંઘ પરિવારના અગ્રણીઓનાં ભાષણો પણ અલગ સંદેશ આપે છે. શત્રુઘ્ન સિન્હા અને યશવંત સિન્હા તો પ્રધાનપદ મળ્યાં નહીં એટલે બળાપા કાઢે છે - પેટના બળ્યા ઘર બાળવા નીકળ્યા છે પણ સિનિયર પ્રધાન નીતિન ગડકરીનાં નિવેદનો તેમાં સૂર પુરાવે છે અને શિવસેના તથા કૉંગ્રેસને ખુશ કરે છે! આ બધું ઓછું હોય તેમ ઇશાન ભારતમાં આશ્રિતોને નાગરિકત્વ આપવાનો વિવાદ ભડક્યો છે. બાંગ્લાદેશથી હિજરત કરીને આવતા હિન્દુ-ખ્રિસ્તી વગેરે લોકોને નાગરિકત્વ આપવાના નિર્ણય સામે સ્થાનિક પ્રજાનો સખત વિરોધ છે કારણ કે એમની સંસ્કૃતિ ઉપરાંત રોજી-રોટીમાં ભાગ પડવાની ચિંતા છે. સરકાર માત્ર મુસ્લિમ હિજરતીઓને બહાર રાખવા માગે છે પણ સ્થાનિક પ્રજાનો વિરોધ તમામ હિજરતીઓ સામે છે. ભાજપની ગણતરી એવી હતી કે ઉત્તર ભારતમાં લોકસભાની બેઠકોમાં જે ખોટ પડે તે અહીં - આસામ અને આસપાસથી પુરાશે. હવે આ ગણતરી બદલાશે કે ઊંધી વળશે?
રાજકીય મોરચા ઉપરાંત સરકારે આર્થિક મોરચે લડવાનું છે. કિસાનોને લોનમાફી આપવાને બદલે રાહત અને વિકાસ માટે સહાય આપવી જોઈએ. આગામી બજેટ 1લી ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થશે. નાણાપ્રધાન અરુણ જેટલી કૅન્સરની સારવાર કરાવીને સમયસર સ્વદેશ આવી જશે અને બજેટ રજૂ કરી શકે એવી આશા છે. સામાન્ય રીતે ચૂંટણી પહેલાંનું બજેટ માત્ર સરકારી ખર્ચ માટે નાણાં અટકે નહીં તેવો પ્રબંધ કરવા માટે હોય છે. નવા કરવેરા અથવા પ્રલોભનકારી છૂટછાટ અપાય નહીં પણ કિસાન સમસ્યા રાષ્ટ્રીય છે. તેથી લોન-માફીના બદલે તેલંગણની યોજના જેવી યોજના જાહેર કરીને કિસાનોને આર્થિક મદદ આપી શકાય. અન્ય સબસિડી બંધ કરીને એકરદીઠ દરેક ફસલ મુજબ રકમ આપી શકાય. આવી જાહેરાત થાય તો પણ વિપક્ષ - સંવિધાનના શિરસ્તાનો ભંગ થયો છે એવા આક્ષેપ કરશે- છતાં કિસાનોને અપાતા લાભ - રાહતનો વિરોધ કરી શકશે ખરા?
અનામતનો લાભ આર્થિક રીતે પછાત પરિવારોને આપવાની જાહેરાત ચૂંટણી માટે મહત્ત્વની છે અને વિપક્ષના નેતાઓ તેનો વિરોધ કરી શકે એમ નથી.
અયોધ્યામાં રામમંદિર નિર્માણનો મુદ્દો સૌથી વધુ મહત્ત્વનો છે. સુપ્રીમ કોર્ટની આડકતરી પરોક્ષ `સહાય' ઉપર કૉંગ્રેસનો મદાર છે ત્યારે નરેન્દ્ર મોદી મહાભારતમાં આ મહત્ત્વનો ``કોઠો'' ચક્રવ્યૂહ ભેદી શકશે?
લોકસભાની ચૂંટણી પહેલાંનું એક વર્ષ હંમેશાં રાજકીય વાદ-વિવાદ અને આક્ષેપબાજીનું હોય છે. યુપીએ સરકારના છેલ્લા વર્ષે ભ્રષ્ટાચારની ભરમાર પ્રકાશમાં આવી અને ચૂંટણીના કેન્દ્રમાં આવી. નરેન્દ્ર મોદી - એનડીએ સરકારના પાંચમા વર્ષે ગુજરાતની ચૂંટણી પછી કૉંગ્રેસ - રાહુલ ગાંધી આક્રમક બન્યા. મુદ્દા બદલાયા અને ત્રણ રાજ્યોમાં સત્તા મળ્યાં પછી લોકસભાની ચૂંટણીમાં મહાગઠબંધન - ભવ્ય જોડાણ કરીને ભાજપ - એનડીએને પડકારવા તૈયાર થઈ રહ્યા હતા પણ ઉત્તર પ્રદેશમાં માયાવતી - અખિલેશની સમજૂતી - મોરચાના કારણે મહાગઠબંધનની શક્યતા રહી નથી. હવે પ્રાદેશિક પક્ષો સ્થાનિક `ગઠબંધન' કરી રહ્યા છે તેથી મહારાષ્ટ્ર અને આંધ્ર સિવાય બીજે ક્યાંય કૉંગ્રેસ મોરચાનો અવકાશ નથી. પરિણામે કૉંગ્રેસે એકલા `હાથે' ભાજપ અને પ્રાદેશિક પક્ષો સામે લડવું પડશે. આમ આવા ત્રિપાંખિયા -અથવા બહુ-પાંખિયા જંગના આખરે પરિણામ ઉપર ઘણો આધાર રહેશે. પ્રાદેશિક પક્ષો ત્રીજો વિકલ્પ ઊભો કરી શકે છે કે નહીં - અને ભાજપ - એનડીએ- બહુમતી સરકાર બનાવે છે કે નહીં તે નક્કી થશે. એક વાત નક્કી છે કે લોકસભાની આગામી ચૂંટણી - શંભુમેળા જેવી - દરેક રાજ્યની અલગ સ્થિતિ જેવી હશે.
આ ચૂંટણી ભવિષ્યની દિશા નક્કી કરશે. લોકો પ્રદેશવાદ, જાતિવાદ અથવા વંશવાદ ઇચ્છે છે કે વિકાસનો માર્ગ પસંદ કરે છે?  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer