ચીનથી એલ્યુમિનિયમની આયાતમાં 62 ટકાનો ઉછાળો

ચીનથી એલ્યુમિનિયમની આયાતમાં 62 ટકાનો ઉછાળો
નવી દિલ્હી, તા. 18 જાન્યુ.
ચીનથી આવતા એલ્યુમિનિયમમાં એપ્રિલ-ડિસેમ્બર 2018 દરમિયાન વાર્ષિક ધોરણે 62 ટકાનો વધારો થયો હતો એમ ડિરેક્ટર જનરલ અૉફ કૉમર્શિયલ ઇન્ટેલિજન્સ ઍન્ડ સ્ટેટિસ્ટિક્સના આંકડા દર્શાવે છે. ભારતના એલ્યુમિનિયમના કુલ વપરાશમાં આયાતોનો હિસ્સો વધીને 60 ટકા પર પહોંચ્યો છે.
ભારતના એલ્યુમિનિયમના વપરાશકાર ઉદ્યોગો કાચા માલ (એલ્યુમિનિયમ ધાતુ)ના ભાવ બાબતે નુકસાનીમાં છે. ચીનના શાંઘાઈ ફ્યુચર્સ એક્સચેન્જ પર એલ્યુમિનિયમના ભાવ 2018-19માં લંડન મેટલ એક્સચેન્જ કરતાં ટન દીઠ 300 ડૉલર નીચા રહ્યા છે અને સરકાર જો યોગ્ય પગલાં નહીં લે તો 2019-20માં આ તફાવત હજી વધવાની ધારણા છે, એમ એક કંપની અધિકારીએ જણાવ્યું હતું.
અમેરિકા સાથેના વેપાર યુદ્ધને પગલે ચીનના એલ્યુમિનિયમ માટે અમેરિકાના દરવાજા લગભગ બંધ જેવા થઈ ગયા છે. તેથી ચીને તેનો માલ વેચવા અન્ય ઉભરતી બજારો તરફ નજર દોડાવી છે. ભારત તેનું નિશાન બનવાની પૂરી શક્યતા છે એમ ઉદ્યોગનાં સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન ભારતીય એલ્યુમિનિયમ કંપનીઓ માટે પરિસ્થિતિ વિકટ બની રહી છે. ચાવીરૂપ ઉત્પાદન સામગ્રીના ભાવમાં થયેલો વધારો અને લંડન મેટલ એક્સચેન્જ પર ભાવ ઘટાડાના વલણને પગલે તેમના નફામાં ગાબડાં પડવાની શક્યતા સર્જાઈ છે. એસએમઈ પર એલ્યુમિનિયમના ભાવ ગયા વર્ષના એપ્રિલમાં ટનદીઠ 2718 ડૉલરને આંબીને સોમવારે 1775 ડૉલર થઈ ગયા હતા. નાલ્કો, વેદાન્ત અને હિન્દાલ્કો જેવી ભારતીય કંપનીઓ માટે આ માઠા સમાચાર છે. તેમની એલ્યુમિનિયમની પડતર ટનદીઠ 2000 ડૉલરની આસપાસ છે.
`જે કંપનીઓ પાસે તેમનું પોતાનું એલ્યુમિના છે તેમની પડતર હજી પણ 2000 ડૉલર કરતાં નીચી છે. પરંતુ ઉત્પાદન સામગ્રીના ભાવ ઘટાડા સિવાય ખર્ચ ઘટવાની કોઈ આશા રખાય તેમ નથી. હાલના ભાવે દુનિયાના અડધોઅડધ ધાતુ ઉત્પાદકો ખોટ કરતા હશે. તેથી એલ્યુમિનિયમના ભાવ સુધરે કે કેટલીક ક્ષમતા વપરાતી બંધ થાય એ બે જ શક્યતાઓ છે, એક ઉદ્યોગના એક અધિકારીએ કહ્યું હતું.
આ સંજોગોમાં ઉત્પાદન સામગ્રીનો ભાવવધારો અસહ્ય બની રહે તેમ છે. એપ્રિલથી અૉક્ટોબર દરમિયાન સિમેન્ટ અને એલ્યુમિનિયમ જેવા અંકુશમુક્ત ઉદ્યોગો માટે કોલસાના ભાવમાં 20થી 34 ટકાનો વધારો થયો હતો. વળી કોલસાનો પુરવઠો વીજળી મથકો તરફ વાળી દેવાતો હોવાથી એલ્યુમિનિયમ કંપનીઓ કોલસાની અછતનો પણ સામનો કરી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer